20 જૂલાઈના રોજ ક્લાસરૂમમાં લેક્ચર દરમિયાન વિધાર્થીઓએ ગેરશિસ્ત તથા માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરાતા કોલેજ તથા હોસ્ટેલમાં પ્રવેશબંધી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના ઈતિહાસમાં આવું કદાચને પ્રથમ વખત બન્યું હશે કે, એક સાથે 200 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોય. ગત 20 જૂલાઈના રોજ ક્લાસરૂમમાં લેક્ચર દરમિયાન વિધાર્થીઓએ ગેરશિસ્ત તથા માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. જેને લઈને આ તમામ 200 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો હજુ પણ વિદ્યાર્થીઓમાં શિસ્ત નહીં આવે તો વાલીઓને કોલેજમાં બોલાવવામાં આવશે.
- Advertisement -
આ તમામ વિદ્યાર્થીઓને 15 દિવસ સુધી કોલેજ તથા હોસ્ટેલના કેમ્પસમાં પણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રાજકોટ મેડિકલ કોલેજના તૃતીય વર્ષ પાર્ટ-1 અભિષેક શર્મા બેન્ચમાં પીએસએમ વિષયના લેક્ચરમાં 20 જુલાઈએ બપોરે 3થી 4 વાગ્યા સુધી ડો. રુજલ ભીતોરા, પીએસએમ વિભાગમાં લેક્ચર લેવાયું હતું જેમાં વિદ્યાર્થીઓને જરૂરી સૂચના આપવા છતાં પણ તેમના દ્વારા શિસ્તભંગ અને માનભંગ કરવાના શબ્દોનું ઉચ્ચારણ તેમજ લેક્ચર શરૂ ન કરવા માટે ગંભીર રીતે ખલેલ પહોંચાડવામાં આવી હતી.
આ પ્રકારનું બેજવાબદારીભર્યું વર્તન અને ગેરશિસ્તના કારણોસર તમામ વિદ્યાર્થીઓને દિન-15 તારીખ 31 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી પીએસએમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ 20મી જુલાઈએ શહેરમાં વરસાદ આવતો હોવાથી વિદ્યાર્થીઓએ લેક્ચર નહીં લેવા જણાવ્યું હતું પરંતુ લેક્ચર લેનાર પ્રોફેસરે હવે વરસાદ બંધ થઇ ગયો હોઈ લેક્ચર ચાલુ રાખવા આગ્રહ રાખતા વિદ્યાર્થીઓ અને અધ્યાપક વચ્ચે બોલવાનું થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ અધ્યાપકે મેડિકલ કોલેજના ડીનને આ અંગે ફરિયાદ કરતા ડીને તમામ વિદ્યાર્થીઓ સામે આકરાં પગલાં લેતા 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.