10 ગ્રામ સોનાનો ભાવ ₹1.45 લાખ હોવા છતાં એડવાન્સ બુકિંગમાં 25%નો ઉછાળો; લાઇટવેઇટ જવેલરીની માંગ વધી
કુદરતી હીરાની સામે યુવા વર્ગમાં લેબ-ગ્રોન ડાયમંડનો ક્રેઝ; લગ્નસરાની ખરીદીમાં નેચરલ ડાયમંડનો હિસ્સો હજુ પણ 40% સુધી અકબંધ
- Advertisement -
આગામી દિવસોમાં રોશનીના પર્વ દિવાળી અને ધનતેરસની શુભ શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ભારતીય પરંપરા મુજબ શુકનવંતી સોના-ચાંદીની ખરીદી માટે સોની બજારમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં સતત થઈ રહેલા ઉતાર-ચડાવ વચ્ચે ગ્રાહકોમાં ખરીદી માટે હકારાત્મક માહોલ સર્જાયો છે. આગામી સમયમાં ભાવ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગ્રાહકો અત્યારથી જ સોના-ચાંદીના દાગીનાનું એડવાન્સ બુકિંગ કરાવીને પોતાના ઓર્ડર કન્ફર્મ કરી રહ્યા છે. જવેલર્સ દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા માટે વિશેષ બુકિંગ અને ભાવ લોક કરવા માટેની આકર્ષક યોજનાઓ રજૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા ૧.૪૫ લાખના સ્તરને પાર કરી ચૂકી છે, છતાં બુલિયન બજારમાં ખરીદીનો મોટો ઉછાળો આવવાની પૂરી સંભાવના છે. વેપારીઓના અંદાજ મુજબ આ વર્ષે ધનતેરસ પર સોનાનું વેચાણ ૬૫ ટન સુધી પહોંચી શકે છે, જેનું કુલ નાણાકીય મૂલ્ય આશરે રૂપિયા ૯૫ હજાર કરોડ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, ૫૦ ટન સોનાના વેચાણ સાથે અશરે ૮૫ હજાર કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો. તેની સરખામણીએ આ વર્ષે સોનાના વેચાણના ભૌતિક પ્રમાણમાં અર્થાત્ જથ્થામાં ૨૫ થી ૩૦ ટકા અને કુલ મૂલ્યમાં આશરે ૧૨ ટકા જેટલો જંગી વધારો થવાની ધારણા છે. તહેવારોની સાથે આગામી લગ્નસરાની સીઝન પણ આ બજારને ખૂબ મોટો ટેકો પૂરો પાડી રહી છે. ઊંચી કિંમતોને કારણે ગ્રાહકોની ખરીદી કરવાની શૈલી અને પસંદગીમાં મોટો બદલાવ આવ્યો છે. હવે પરંપરાગત અને ભારે ભરકમ દાગીનાના સ્થાને હળવા વજનના (લાઇટવેઇટ) આભૂષણો, આધુનિક અને મોર્ડન ડિઝાઇન્સ તથા રોજિંદા જીવનમાં સરળતાથી પહેરી શકાય તેવી જવેલરીની માંગમાં તીવ્ર વધારો થયો છે. કિંમતોના ઉતાર-ચડાવથી બચવા માટે લોકો અગાઉથી બુકિંગ કરાવવાની સાથે અલગ-અલગ શો-રૂમમાં જઈને મેકિંગ ચાર્જ અને કુલ બિલની સરખામણી કરીને પોતાના ચોક્કસ બજેટ અનુસાર નિર્ણયો લઈ રહ્યા છે. અગાઉથી બુકિંગ કરાવવાથી ભાવ વધારાની અનિશ્ચિતતાથી રક્ષણ મળે છે, જેથી બજેટ ફેલ થતું નથી.
સોની બજારમાં માત્ર સોનાના પારંપરિક દાગીના જ નહીં, પરંતુ ડાયમંડ સેક્ટરમાં પણ ક્રાંતિકારી બદલાવ જોવા મળી રહ્યો છે. કિંમત બાબતે સભાન રહેતા ગ્રાહકો અને યુવા વર્ગમાં લેબ-ગ્રોન ડાયમંડ (લેબમાં તૈયાર થતા હીરા) ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. અમદાવાદ જવેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩ થી ૪ વર્ષમાં લેબ-ગ્રોન ડાયમંડની લોકપ્રિયતા વધવાને કારણે કુદરતી હીરાના બજાર ભાવમાં આશરે ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આજે સ્થિતિ એવી છે કે જે નેચરલ હીરાની કિંમત અશરે ૧ લાખ રૂપિયા હોય છે, તે જ કેરેટ અને સાઈઝનો લેબ-ગ્રોન ડાયમંડ માત્ર ૨૫,૦૦૦ રૂપિયાની આસપાસ સરળતાથી મળી જાય છે. આ જ કારણ છે કે બજેટમાં ખરીદી કરવા માંગતા યુવા ગ્રાહકો, જેન-ઝી ખરીદદારો અને કોર્પોરેટ કર્મચારીઓમાં લેબ-ગ્રોન ડાયમંડ પહેલી પસંદ બન્યા છે અને જથ્થાની દ્રષ્ટિએ તેમનો બજાર હિસ્સો ૬૦ ટકા સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ, કુદરતી હીરાએ પણ પોતાની મજબૂત શાબ્દિક પકડ અને પરંપરાગત મૂલ્ય જાળવી રાખ્યા છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના વડીલો અને પારિવારિક ખરીદદારો હજુ પણ લગ્ન પ્રસંગો કે મોટી ખરીદી માટે કુદરતી હીરાને જ પ્રાથમિકતા આપી રહ્યા છે. લગ્નની ખરીદીમાં કુદરતી હીરાનો હિસ્સો ૪૦ ટકા પર યથાવત રહ્યો છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી ૬ થી ૭ વર્ષમાં લેબ-ગ્રોન ડાયમંડની માંગમાં વધુ મોટો ઉછાળો આવશે, જ્યારે કુદરતી હીરાનું સાંસ્કૃતિક અને ભાવનાત્મક મહત્વ પણ પોતાની જગ્યાએ અકબંધ રહેશે. આમ, તહેવારો અને લગ્નસરાની આ બેવડી સીઝનમાં સોના-ચાંદી અને ડાયમંડ માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ જામી રહી છે અને વ્યાપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




