‘ખાસ-ખબર’ પાસે ચાર ડઝન ઓડિયો ક્લિપ: આવતીકાલે થશે બ્લાસ્ટ
રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા, દર્પણ બારસીયા અને જિલ્લા ભાજપના કેટલાંક અગ્રણીઓ સાથેની અઢળક ઓડિયો ક્લિપ ’ખાસ-ખબર’ને મળી છે. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે ક્યાં પ્રકારે રાજકોટ જિલ્લા ભાજપના કેટલાક હોદ્દેદારો દ્વારા રાજકોટ પોલીસ કમિશનર વિશે એલફેલ બોલવામાં આવી રહ્યું છે અને જાણે પોલીસ રાજકોટ જિલ્લા ભાજપની કઠપૂતળી હોય તેમ તેની પાસે કાયદાની વિરુદ્ધ જઈ કઈપણ કૃત્ય કરાવવાની વાત કરવામાં આવી છે. આ ઓડિયો ક્લિપ રાજકોટ જિલ્લા ભાજપના કેટલાંક હોદ્દેદારોના ગેરવહીવટીનો પર્દાફાશ કરશે એટલું જ નહીં, સતિષ શિંગાળા જેવા કહેવાતા યુવા નેતાઓના અસલી ચહેરાને ઉઘાડો પાડશે.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાએ પોતાના સાથીદાર દર્પણ બારસીયાને ભાગીદારી પેઢીના ધંધામાં દેવાના લાખો રૂપિયા ન દેવા તેમજ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદેથી કરેલા પાપ પર પડદો નાખવા માટે રચેલા ષડ્યંત્ર ઉઘાડા પડી ગયા છે. રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણીઓ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયા સાથે મળીને સતિષ શિંગાળાએ એક સમયે રાજનીતિમાં પોતાના અંગત અને ધંધામાં ભાગીદાર ગણાતા દર્પણ બારસીયા સાથે ગદ્દારી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દર્પણ બારસીયાએ રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા, હાર્દિક મોલિયા, ચિરાગ મોલિયા વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી (મુંજકા) પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ ઉપરાંત, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરુદ્ધ પણ દર્પણ બારસીયાએ રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે. દર્પણ બારસીયાની આ અરજીઓમાં સતિષ શિંગાળાના ચોંકાવનારા કારનામાઓ બહાર આવ્યા છે તો હજુ પણ રાજકોટ પોલીસ કાયદાની હદમાં રહીને કામગીરી ન કરતી હોવાની પોલ પણ ખુલી છે.
- Advertisement -
દર્પણ બારસિયા સહિત અનેક લોકોનાં મોઢા બંધ કરાવવા સતિષ શિંગાળા અને જિલ્લા ભાજપ અગ્રણીએ કારસો રચ્યો
પ્રદેશ ભાજપ સુધી પહોંચી વાત: સતિષ શિંગાળા પૈસા લઈ પદ વેંચે છે
રાજકોટ જિલ્લા ભાજપમાં પક્ષમાં પૈસાનો દુરુપયોગ કરવામાં આવે છે આ સાથે જ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શિંગાળા એક જિલ્લા ભાજપ અગ્રણી સાથે મળીને પૈસાના બદલે પદ વેંચતા હોવાની પણ વાતો વહેતી થઈ છે. રાજકોટ જિલ્લા ભાજપના કેટલાક કાર્યકરોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શિંગાળા પૈસા લઈને હોદ્દો આપે છે, રિવોલ્વરના લાઇસન્સ કઢાવી આપે છે. ટૂંકમાં પૈસાના બદલામાં સતિષ શિંગાળા પક્ષ અને પોલીસમાં કઈપણ કામ કરાવી આપે છે.
અરજી મુજબ સમગ્ર બનાવની વિગત મુજબ દર્પણ બારસીયાએ રેતી કપચીના ધંધામાં પૈસાનું રોકાણ કરેલું હતું. તેની સતિષ શિંગાળા સાથે ભાગીદારી હતી. ભાગીદારી છૂટી થતા દર્પણ બારસીયાએ 35 લાખ રૂપિયાની રકમ સતિષ શિંગાળા પાસે લેવાની હતી જે તેને આપવામાં આવી રહી ન હતી. દર્પણ બારસીયાએ જ્યારે આ રકમની ઉઘરાણી કરી ત્યારે સતિષ શિંગાળાએ પૈસા નહીં મળે, થાય તે કરી લેવાની ધમકી આપી હતી. દર્પણ બારસીયા એક સમયે સતિષ શિંગાળાનો ભાગીદાર અને ભાઈથી પણ વિશેષ હોય તે બધી જ બાબત જાહેર કરી દેશે તેવા ડરથી સતિષ શિંગાળાએ દર્પણ બારસીયાને ડરાવી, ધમકાવી, મારી ચૂપ કરાવવા અને પૈસા માંગતો બંધ કરાવવાની કોશિશ કરી હતી.
અરજીમાં જણાવ્યા પ્રમાણે સતિષ શિંગાળા દર્પણ બારસીયાને ફક્ત પૈસા આપવાની ના પાડી થાય તે કરી લેવાની ધમકી આપી અટક્યો નહતો. સતિષ શિંગાળાએ હાર્દિક મોલિયા અને ચિરાગ મોલિયા સાથે મળી આકાશવાણી ચોકમાંથી દર્પણ બારસીયાને 4440 નંબરની ગાડીમાં બેસાડી પિસ્તોલ બતાવીને કહેલું કે તારે જીવવું છે કેમ? આ પિસ્તોલ તારી સગી નહીં થાય. છરી કાઢી તેને મારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન દર્પણ બારસીયા ગાડીનો દરવાજો ખોલી ભાગી જતા સતિષ, હાર્દિક અને ચિરાગ ગાડીમાંથી ઉતરી તેને મારવા લાગ્યા હતા. આ મારામારીમાં દર્પણ બારસીયાને હાથના ભાગે છરી લાગી ગઈ હતી અને તેને શાંતિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ આખોય મામલો અહીંથી પૂરો થતો નથી. આ બનાવની ફરિયાદ રાજકોટ યુનિવર્સિટી (મુંજકા) પોલીસ સ્ટેશનમાં થઈ હતી.
- Advertisement -
સતિષે કોઈને પોલીસ પાસે માર ખવડાવ્યો, કોઈને ધાકધમકી આપી તો કોઈ પર અન્ય પ્રકારે દબાણ આણ્યું
દર્પણ બારસીયાના ઓપરેશન બાદ તેનું નિવેદન લેવામાં આવ્યું હતું, વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી પોલીસ દ્વારા આ કેસમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહતી. તેથી દર્પણ બારસીયાએ છેક હાઇકોર્ટ સુધી લડી લેવાની તૈયારી બતાવી ત્યારે રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાએ રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે મળી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને દર્પણ બારસીયાનો હવાલો આપ્યો હતો, આમ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ કોઈ વાંકગુના વગર દર્પણ બારસીયાને ઉઠાવી લીધો હતો. દર્પણ બારસીયાને થયેલા આર્થિક, માનસિક અને શારીરિક નુકસાનમાં રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળા, જિલ્લા ભાજપ અગ્રણી તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ થાય તો વધુ કેટલીક ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી શકે છે.
સતિષ શિંગાળાને જિલ્લા ભાજપના એક અગ્રણીની હૂંફ
રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાને જિલ્લા ભાજપના એક ‘ખચ્ચર’ જેવા અગ્રણીની હૂંફ મળેલી છે. પદના નશામાં મદ બની બેફામ બની બેઠેલા રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શિંગાળાને ‘મન’થી ભાજપ અગ્રણીઓ સાથે ‘સુખ’ના સંબંધો છે. ભાજપ અગ્રણીઓ ઉપરાંત પોલીસ ખાતા સાથે સતિષ શિંગાળા હુંફાળા સંબંધો ધરાવે છે. રાજકોટ જિલ્લા ભાજપના એક ખચ્ચર જેવા અગ્રણીને મોંઘીદાટ ભેટો અને કેટલાક પોલીસ અધિકારીઓને મોં માંગ્યા પૈસો આપીને સતિષ શિંગાળા ગમે તેને ડરાવી, દબાવી, ધમકાવી શકે છે એવો તેના પર આક્ષેપ થઈ રહ્યો છે.
પી.આઈ. મેહુલ ગોંડલિયાએ સતિષ શિંગાળાના ઈશારે દર્પણ બારસિયાને ઉઠાવી લીધો હતો
દર્પણ બારસિયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ વાંક વગર ઢોરમાર માર્યા અંગે તથા તેમની વિરૂદ્ધ કડક ખાતાકીય અને કાનૂની પગલાં લેવા અંગેની અરજી રાજકોટ પોલીસ કમિશનરમાં કરી છે. અરજી મુજબ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શિંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને આપેલા હવાલા મુજબ દર્પણ બારસિયાને તારીખ 5 જુલાઈ 2022ની સાંજે લગભગ 7 વાગ્યે ઉઠાવી લીધો અને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જ્યાં પી.આઈ. ગોંડલિયાએ તેને લગભગ પચ્ચીસેક તમાચા માર્યા હતા. ખોટી રીતે ડરાવ્યાં-ધમકાવ્યા અને ઢોરમાર મારીને મોબાઈલમાંથી સતિષ અને તેનાં મિત્રોનાં તમામ રેકોર્ડિંગ-ડેટા ડિલીટ કર્યા હતાં. ત્યારબાદ સતિષ શિંગાળા ત્યાં આવ્યો હતો અને પછી પી.આઈ. ગોંડલિયાએ તેની હાજરીમાં દર્પણ બારસિયાને પટ્ટાથી અને પ્લાસ્ટિકનાં ધોકાથી બેફામ માર માર્યો હતો. આમ, સતિષ શિંગાળા પાસેથી દર્પણ બારસીયા ધંધાના લેવાના નીકળતા 35 લાખ ન માંગે તે તેણે પી.આઈ. ગોંડલિયાને હવાલો આપવાની વાત થઈ હતી.