અગાઉ મતદાનના દિવસે જ જુદા- જુદા કોર્સની પરીક્ષા ગોઠવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉથી જ જુદા- જુદા કોર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવાયું હતું, પરંતુ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જવાને પગલે યુનિવર્સિટીની 55થી વધુ કોર્સની પરીક્ષા પણ પાછી ઠેલાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી તારીખ 9 નવેમ્બરને બુધવારથી યુનિવર્સિટીના 42 હજાર જેટલા વિદ્યાર્થીની પરીક્ષા લેવાનાર છે, પરંતુ ત્યારબાદ બીજી કોઈ પરીક્ષા યોજાશે નહીં. યુનિવર્સિટીના ટાઈમટેબલ પ્રમાણે 21મી નવેમ્બરથી પણ પરીક્ષાઓ શરૂ થવાની હતી, આ ઉપરાંત ડિસેમ્બરમાં પણ પરીક્ષાનું આયોજન થવાનું હતું, કેટલાક કોર્સની પરીક્ષા તો 1 ડિસેમ્બર એટલે કે મતદાનના દિવસે જ હોવાથી 9મી નવેમ્બર પછીની તમામ પરીક્ષાઓ હવે સંભવત: 13 ડિસેમ્બર બાદ લેવામાં આવશે તેવું આયોજન થઇ રહ્યું છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 21 નવેમ્બરથી બી.એ., બી.કોમ., એલએલબી, બીએસસી, બીબીએ, બીએ એલએલબી, એમ.એ., એમ.કોમ. સહિતના જુદા- જુદા 55 જેટલા કોર્સના સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનાર હતી પરતું હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઈ છે તેના પગલે 9મી પછીની તમામ પરીક્ષાઓ ચૂંટણીને પગલે મોકૂફ રાખવામાં આવી છે. બાકી રહેલી તમામ પરીક્ષાઓ 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અને 10મી સુધીમાં ચૂંટણી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ સંભવત: 13મી ડિસેમ્બર બાદ લેવા વિચારણા ચાલી રહી છે.
કોમર્સના પેપર રૂબરૂ, બાકીના કેન્દ્રો પર પેપર ઈ-મેલ કરાશે
9 નવેમ્બરથી યુનિવર્સિટીના 42099 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થવાની છે જેમાં સૌથી વધુ 62% એટલે કે 26,294 વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીના છે. જેમાં બી.કોમ. સેમેસ્ટર-3ના રેગ્યુલરના 21,759 વિદ્યાર્થી અને એક્સટર્નલના 1012, એમ.કોમ. સેમેસ્ટર-3ના રેગ્યુલરના 1194 વિદ્યાર્થી અને એક્સટર્નલના 2329 વિદ્યાર્થી નોંધાયેલા છે. આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ પેપર મોકલવામાં આવશે. આ ઉપરાંત બીએસસી સેમેસ્ટર-3, બીબીએ સેમેસ્ટર-3, બીપીએ, બીએસસી આઈટી, બીએ, એમએ, એમબીએ, એલએલએમ સેમેસ્ટર-3ના પેપર જે-તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઈ-મેલ મારફત એક કલાક પહેલાં જ મોકલાશે.