ખોટું વીલ અને દબાણથી હવે હું કંટાળી ગયો છું : વિડીયો અને ચિઠ્ઠી વાયરલ થયાં
ખાસ-ખબર સંવાદદાતા
મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયાને એકાદ વર્ષ થયું છે ત્યાં જ ભારતી આશ્રમ વિવાદમાં આવી ગયાં છે. અમદાવાદનાં સરખેજ ભારતી આશ્રમનાં વિવાદને લઇ મહંત હરીહરાનંદ ભારતીબાપુ રહસ્યમય રીતે ગુમ થઇ ગયા છે. તેમજ તેમનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સરખેજ આશ્રમનાં વિવાદને લઇ કંટાળી ગયાનાં કહી રહ્યાં છે. આશ્રમનું ખોટું વીલ બનાવી અને દબાણ કરતા હોવાનું વિડીયોમાં કહી રહ્યાં છે. હરીહરાનંદબાપુ ગુમ થતા સેવકોએ શોધખોળ શરૂ કરી છે. તેમજ વડોદરા પોલીસમાં ગુમ થયાની અરજી કરી છે. મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમનાં મહંત પદે તેમનાં શિષ્ય હરીહરાનંદ બાપુને મહંત નિમ્યાં હતાં. મહાશિવરાત્રીનાં મેળામાં સંતોની હાજરીમાં મહંત હરીહરાનંદ ભારતીબાપુને મહામંડલેશ્વર તરીકે ઘોષીત કર્યા હતાં. હરીહરાનંદ ભારતીબાપુ અચાનક ગુમ થઇ ગયા છે. અમદાવાદથી કેવડીયા આશ્રમ જવા નિકળ્યાં હતાં. ત્યારે રસ્તામાં વડોદરા એક સેવકનાં ઘરે ગયા હતાં. બાદ રાત્રીનાં કપૂરી ચોકડી પાસે પોતાની કાર રોકાવીને તેમનાં શિષ્ય અને ડ્રાઇવરને જણાવ્યું હતું કે, તેઓને અહીં કામ છે. જેથી તેઓ કાર લઇને જતા રહે. કામ પુરુ કરીને હું કેવડીયા આશ્રમે આવી જાય.પરંતુ બીજા દિવસે પણ કેવડીયા આશ્રમ ન પહોચતા શોધખોળ શરૂ કરી હતી. તમામ આશ્રમમાં તપાસ કરતા હરીહરાનંદ ભારતીબાપુ મળ્યાં ન હતાં. અંતે વડોદરાનાં વાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરવામાં આવી છે.
- Advertisement -
પોલીસે ગુમ થયાની અરજી લઇને તપાસ હાથ ધરી છે. પરંતુ આ સાથે મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુ કહી રહ્યાં છે કે, ભારતી આશ્રમ સરખેજનો ખુબ જ વિવાદ થયો છે. મારા ગુરૂ ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદ શરૂ થયો છે. આશ્રમ માંગે છે. વીલ મારા નામનું છે.સામે ખોટા વીલ બનાવ્યાં છે.મને ખુબ જ દબાણ કરવામાં આવ્યું છે. એનકેન પ્રકારે મને દબાવવામાં આવે છે. માણસો તૈયાર કરવામાં આવ્યાં છે. હું કંટાળી ગયો છું અને નિર્ણય લીધો છે કે હવે આ છોડી દવ. મહંત હરીહરાનંદબાપુ ગુમ થતા અનેક સવાલ ઉભા થયો છે. તેમજ હાલ તો પોલીસ અને સેવકો દ્વારા તેમની શોધખોળ ચાલી રહી છે.
હરિહરાનંદના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા
બીજી તરફ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ બહુ મોટો ગોટાળો કર્યો છે. નાણાકીય ગરબડો ગાદીપતિ હરિહરાનંદના ધ્યાને આવી હતી. ત્યારે આ આર્થિક કૌભાંડની વાતથી ગાદીપતિ હરિહરાનંદ ખૂબ જ વ્યથિત હતાં. હરિહરાનંદજીએ ખુલાસા પૂછતા શિષ્યોએ જ દબાણ ઉભુ કર્યાની પણ ચર્ચા ઉભી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન ભારતીબાપુએ પોતાની વિલનો કારોભાર હરિહરાનંદને સોંપ્યો હતો. આ મામલે અન્ય કેટલાક નજીકના શિષ્યોની નારાજગી હોવાની પણ ચર્ચા છે.
કોણે ખોટા વીલ કર્યા ? કોણ દબાવે છે ? તે ન બોલ્યા
મહામંડલેશ્ર્વર હરીહરાનંદ ભારતીબાપુ અચાનક ગુમ થયા છે. સરખેજ આશ્રમનાં વિવાદને લઇ ગુમ થયા છે. તેનાં વિડીયોમાં સખરેજ આશ્રમનાં વીલનો ઉલ્લેખ કર્યો છે. ખોટા વીલ બનાવવામાં આવ્યાં તેવું પણ કહ્યું છે. પરંતુ ખોટા વીલ કોણે બનાવ્યાં ?.કોણ દબાણવે છે ?. કયા પ્રકારનાં માણસો ઉભા કર્યા ? અંગે વિડીયોમાં કશુ બોલ્યાં નથી.
- Advertisement -
ભવનાથ ભારતી આશ્રમમાં કાર્યભાર સંભાળતા
મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુ ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ સંભાળતા હતાં. મહામંડલેશ્ર્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથ આશ્રમમાં શિવરાત્રીનાં મેળા દરમિયાન ષોડશી ભંડારો અને બ્રહ્મલીન ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે મુખ્યમંત્રી પણ હાજર રહ્યાં હતાં. મેળા દરમિયાન તેમને મહામંડલેશ્વરની ઉપાધી પણ આપવામાં આવી હતી.?
નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે
ભારતી આશ્રમના ટ્રસ્ટીઓએ મીડિયા સાથે કરેલી વાત મુજબ, ’ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં આવેલો ભારતી આશ્રમ છે. આ ઉપરાંત અમદાવાદમાં સરખેજ અને સનાથલ એમ બે વિસ્તારમાં ભારતી આશ્રમ છે. આ ઉપરાંત સાવરકુંડલામાં વાંસીયા ભાટ ખાતે અને કેવડિયામાં મળીને કુલ પાંચ આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજીની નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે.
ઋષિભારતી બાપુ માનસિક ત્રાસ આપતા હતાં
મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુનાં શિષ્ય મહાદેવ ભારતીબાપુએ જણાવ્યું હતું કે, ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ સરખેજ, જૂનાગઢ, કેવડીયા અને વાંકીયાની જગ્યાની મહંત તરીકે અમારા ગુરૂદેવને નિમ્યાં હતાં. પરંતુ 30 તારીખનાં રાત્રીનાં 9 કલાકેથી તેવો ચાલ્યા ગયા છે. તેમનાં વિડીયોમાં સરખેજ આશ્રમનાં વિવાદની વાત કરી છે. સરખેજ આશ્રમનાં ઋષિભારતી બાપુ તેમને માનસિક ત્રાસ આપતા હતાં. વિડીયોમાં પણ સરખેજ આશ્રમમાંથી માનસિક ત્રાસ મળતો હતો. જૂનાગઢથી 28 એપ્રિલનાં નિકળી ગયા હતાં.
ધમકી આપતા ઓડિયો અને વિડીયો પણ છે
મળતી માહિતી પ્રમાણે, વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતાં તેમની સામે ખોટા આક્ષેપો અને ખોટા વિલ બનાવીને ગાદી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. હરિહરાનંદજી પાસે તેમને ધમકી આપતા ઓડિયો અને વીડિયો પણ હોવાનું કહેવાઇ રહ્યુ છે.
વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસ હાથ ધરી
જૂનાગઢના ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વાડી પોલીસે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરા પોલીસે ચિઠ્ઠી, વાયરલ વીડિયો મેળવી ગુમ થવાનું કારણ શોધવા તેમજ હાઈવે પરના સીસીટીવી અને મોબાઈલ લોકેશન તેમજ સેવકોની તપાસ શરૂ કરવામાં આવી છે.



