ખાસ ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાનું મહદઅંશે નિવારણ આવે તેવા આશય સાથે સરકારના સહયોગથી શહેરમાં વિવિધ બ્રિજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વાહનોની અવરજવર વધારે હોય અને લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેવા ચાર રસ્તા પર ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારવા હાલ શહેરમાં વિવિધ સ્થળોએ બ્રિજની કામગીરી ચાલી રહી છે. તમામ બ્રિજના કામ સમયસર પૂર્ણ થાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તેવા ઉદેશ્યથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -

ત્યારે વિવિધ બ્રિજની કામગીરીને ધ્યાને રાખી ગત તા. 31-03-2022ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ હોસ્પિટલ ચોક થ્રી-આર્મ ઓવરબ્રિજ, રામાપીર ચોકડી અને નાનામવા ચોક ઓવરબ્રિજની ચાલુ કામગીરી નિહાળી હતી તેમજ કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. આ તકે મ્યુનિ. કમિશનરની આજની મુલાકાત દરમ્યાન સિટી એન્જી. શ્રી એચ. યુ. દોઢિયા, રસિક રૈયાણી, ડે. એન્જી.શ્રી અતુલ રાવલ વગેરે હાજર રહ્યા હતા. આ સાથે ઓવરબ્રિજની ચાલુ કામગીરી નિહાળી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.



