ચિલ્ડ્રન પાર્કની લસરપટ્ટીમાં પતરાનાં થીગડાં : પાર્કમાં બાળકનાં પ્રવેશનાં પાંચ રૂપિયા લેવાય છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં બિલાખા રોડ પર ચિલ્ડ્રન પાર્ક આવેલું છે.અહીં પ્રવેશનાં પાંચ રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ પાંચ રૂપિયા જેવી પણ સુવિધા મળતી નથી. પાર્કમાં આવેલા બાળકોનાં રમવાનાં સાધનોમાં પતરાનાં થીગડા મારેલા છે,જેના કારણે બાળકો પર જીવનું જોખમ ઉભું થયું છે. જૂનાગઢ શહેરમાં બાળકો રમી શકે તેવા ખુબ જ ઓછા બગીચા અને પાર્ક છે. જૂનાગઢનાં ટીંબાવાડીમાં બાળકો માટે બગીચો બનાવવામાં આવ્યો છે. તેમજ ભુતનાથ ફાટક પાસે બગીચો છે. અન્ય કોઇ ખાસ બગીચા નથી કે જયાં વાલી બાળકોને લઇ જઇ શકે. તેમજ બિલખા રોડ ચિલ્ડ્રન પાર્ક છે. પાર્ક જૂનું છે. પાર્કમાં બાળકો માટે રમતનાં સાધનો છે.લસરપટ્ટી, બાળકોની ટ્રેન સહિતનાં સાધનો છે. પરંતુ આ સાધનો બાળકો માટે જોખમી બની રહ્યાં છે. સાધનો ભંગારમાં ફેરવાઇ ગયા છે. સાધનોનો બાળકો ઉપયોગ પણ કરી શકે તેમ નથી. તેવી ખબરા સ્થિતીમાં સાધનો મુકાઇ ગયા છે. એટલું જ નહી પાર્કમાં આવેલી લસરપટ્ટી તુટી ગઇ છે. તુટેલી લસરપટ્ટીમાં લોખંડનાં પતરાનાં થીગડા મારવામાં આવ્યાં છે. લોખંડનાં થીગડાવાળી લસરપટ્ટીમાં બાળકો રમે તો તેમને ઇજા થાય તેમ છે.
આ ઉપરાંત અહીં મુકવામાં આવેલી બાળકોની ટ્રેન પણ ધૂળ ખાઇ રહી છે. પાર્કમાં પ્રવેશનાં 5 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ પાર્કમાં પાંચ રૂપિયાની પણ સુવિધા આપવામાં આવતી નથી. એટલું જ નહી ચિલ્ડ્રન પાર્ક બાળકો માટે જીવનું જોખમ બની ગયું છે. અહીં આવેલા સાધનો નવા બનાવવાની જરૂર છે. પરંતુ પાંચ રૂપિયા ઉધરાવી સાધનો રીપેર કરવામાં આવી રહ્યાં છે. નવા સાધનો બને તો બાળકો સારી રીતે રમી શકે તેમ છે.
ચિલ્ડ્રન પાર્કમાં કોઇ સુવિધા નથી : વાલી
જયદીપભાઇ સેસાંગીયાએ કહ્યું હતું કે, ચિલ્ડ્રન પાર્કમાં બાળકોને લઇને આવ્યાં હતાં. પરંતુ અહીં દુર્દશા છે. પાર્કમાં બાળકો માટે કોઇ જ સુવિધા નથી. અહીં તમામ વસ્તુઓ બદલવી પડે તેમ છે. અહીં આવેલા એક બિલ્ડીંગનું રિનોવેશન થઇ રહ્યું છે. રમકડાની ટ્રેન જેમની તેમ પડી છે. લસરપટ્ટીમાં લોખંડનાં પતરાનાં થીગડા મારવામાં આવ્યાં છે. એટલું જ નહી લોખંડનાં મારેલા થીગડા પણ ઉખડી ગયા છે. બાળકો લપસવા જાય અને ઇજા થાય તો તેના માટે જવાબદાર કોણ? ચિલ્ડ્રન પાર્કની આવી કંગાળ હાલત જોઇ હ્રદય દ્રવી ઉઠે છે.
- Advertisement -
વિલિંગ્ડન ડેમનો બગીચો નાશ પામ્યો
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમની બાજુમાં વર્ષો પહેલા બગીચો બનાવવામાં આવ્યો હતો. પરંતુ જાળવણીનાં અભાવે આ બગીચો નાશ પામ્યો છે. તેમજ અહીં બગીચો બનાવવા માટે વારંવાર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આગળ કાર્યવાહી થતી નથી. જૂનાગઢમાં વિલીંગ્ડન ડેમ ફરવા લાયક સ્થળ છે. અહીં રજા દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે અહીં બગીચાનું નિર્માણ થાય તે જરૂરી છે. આ ઉપરાંત જૂનાગઢનાં ટીંબાવાડી વિસ્તારમાં બાળકો માટે બગીચો બનાવ્યો તેમ અન્ય વિસ્તારમાં પણ આવા બગીચા બનાવવાની જરૂર છે.
અનેક રજૂઆતો છતાં પરિણામ ‘શૂન્ય’
જૂનાગઢમાં આવેલા ચિલ્ડ્રન પાર્કની કંગાળ હાલતને લઇ અનેક વખત રજુઆત પણ કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચિલ્ડ્રન પાર્કમાં કોઇ મોટી દુર્ધટના થાય તે પહેલા યોગ્ય કરવાની માંગ કરાઇ છે.
બજેટમાં ઉદ્યાનોનાં આધુનિકરણની જોગવાઇ
જૂનાગઢ મહાનગર પાલીકાનાં ચાલુ વર્ષનાં બજેટમાં ઉદ્યાનોનું નવિનીકરણ અને આધુનિકરણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.તેમજ ફૂવારા મુકવામાં આવશે. પરંતુ બજેટમાં જોગવાઇ કરવામાં આવેલા મોટાભાગનાં કામ આગળ વધતા નથી.


