ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રનું રાજ્યવ્યાપી અભિયાન
વિવિધ જિલ્લાઓમાં તપાસ : ૨.૧૨ લાખ કિલોથી વધુ અશુધ્ધ અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી
- Advertisement -
નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થાની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
તપાસ દરમિયાન ઘીનો 39787 કિલો જથ્થો, ખાદ્ય તેલનો 167256.60 કિલો/લિટર જથ્થો, દૂધ અને દૂધજન્ય પદાર્થોનો 675.40 કિલો જથ્થો તેમજ પનીરનો 5229 કિલો જથ્થો મળી કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 23872200, ખાદ્ય તેલની રૂ. 33451320, દૂધ અને દૂધજન્ય પદાર્થોની રૂ. 47250 તેમજ પનીરની રૂ. 1568700 મળી કુલ અંદાજિત રૂ. 58939470 (રૂ. 5.89 કરોડથી વધુ) કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ તથા ખુલ્લા વેચાણમાં રહેલા ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે. ભેળસેળયુક્ત, ગુણવત્તા વિહોણા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ખાદ્ય સુરક્ષા કાયદાના અમલીકરણ માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, તપાસ અને દરોડાની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પ સાથે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા માટે આવનારા સમયમાં પણ આવા વિશેષ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે.




