1.5 કિ.મી.માં પથરાયેલ કણજણીના તળાવને ઉંડું કરવાની કામગીરીનો પ્રારંભ
વંથલી તાલુકાના કણજણી ગામના સીમ વિસ્તારમાં 1.5 કી.મી જેટલા વિસ્તારમાં પથરાયેલ તળાવને ઊંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજના અંર્તગત જૂનાગઢ જિલ્લામાં કુલ રૂ.10 કરોડના ખર્ચે 221 જળસંગ્રહના કામો હાથ ધરાશે. જેનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષમીબેન મૈતરે કણજણીથી કરાવ્યો હતો.10 એસસીએફટીની જળસંગ્રહ ક્ષમતા ધરાવતા કણજણીના તળાવની સુજલામ -સુફલામ યોજના દ્વારા જળ સંગ્રહ ક્ષમતા ડબલ કરાશે. જેનાથી કણજડી ઉપરાંત, થાણાપીપળી, લુશાળા, મોટા-કાજલીયાળાના 1800 થી વધુ ખુડૂત ખાતેદારોને સીધી અને આડકતરી રીતે સિંચાઇના પણીનો લાભ મળશે.
- Advertisement -
ઉપરાંત આ તળાવને ઊંડુ પહોળું કરવાથી જે માટી, કાંપ અને મોરમ નીકળશે તે ખેડૂતો પોતાના ખેતરમાં પાથરશે જેનાથી ખેડુતોની જમીન ફળદ્રુપ થશે. આ કામમાં આશરે 12,500 ઘન મીટર માટીનું ડિસીલ્ટીંગ કરવાનું આયોજન છે. આ કામ મે-2022 માં પૂર્ણ કરાશે. સરકાર દ્વારા 60-40 ના ધોરણે આ કામ થશે સરકાર 60 ટકા ખર્ચ આપશે અને 40 ટકા લોકભાગીદારી રહેશે.સુજલામ – સુફલામ યોજના તળે જૂનાગઢ જિલ્લમાં જૂનાગઢ સિંચાઇ યોજના વિભાગ, જૂનાગઢ સિંચાઇ વિભાગ, પંચાયત સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા જળસંગ્રહના કામ હાથ ધરાશે.


