ભવનાથમાં દિગમ્બર સાધુઓનું શાહી સ્નાન, રવાડીમાં અંગ કસરતનાં દાવ કર્યા
જૂનાગઢ શિવમય : મધ્યરાત્રિએ શિવરાત્રિનાં મેળાની ભક્તિમય વાતાવરણમાં પૂર્ણાહુતિ થઈ
ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રીનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે. શિવરાત્રીનાં દિવસે દિગમ્બર સાધુઓની રવાડી નિકળી હતી. રવાડીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. રવાડીમાં સાધુઓએ અંગ કસરતનાં દાવ કર્યા હતાં. બાદ મધ્યરાત્રીનાં મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થયો હતો. કોરોનાનાં કારણે છેલ્લા બે વર્ષથી મેળા ઉપર કેટલાક પ્રતિબંધ મુકવામાં આવ્યાં હતાં. ચાલુ વર્ષે મેળાને મંજુરી મળી હતી. બે વર્ષથી લોકો મેળો માણી શક્યા ન હતાં. ચાલુ વર્ષે મેળામાં પહેલા દિવસથી જ લોકોની ભીડ જોવા મળી હતી. મેળામાં દિવસ કરતા સાંજ અને રાત્રીનાં લોકોની ભીડ વધુ રહેતી હતી. પાંચ દિવસમાં 12 લાખ કરતા વધુ ભાવિકોએ પુણ્યનું બાથું બાધ્યું છે. ભવનાથ મહાદેવ અને દિગમ્બર સાધુઓનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
મંગળવારનાં દિવસે શિવરાત્રી હોય ભવનાથમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં. સાંજનાં સમયથી જ રવાડીનાં રૂટ પર બેસી ગયા હતાં. રાત્રીનાં ત્રણ અખાડાનાં રવાડીનો પ્રારંભ થયો હતો. જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડાનાં સંતો, દિગમ્બર સાધુઓ સાથે રવાડીનો પ્રારંભ થયો હતો. દિગમ્બર સાધુઓએ રવાડી દરમિયાન અંગ કસરતનાં દાવ કર્યા હતાં. સાધુઓનાં દાવ નિહાળી લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા હતાં. ભવનાથ તિર્થક્ષેત્રમાં રવાડી ફરી હતી. બાદ ભવનાથ મંદિરે પહોંચી હતી. મંદિર પરિસરમાં આવેલા મૃગીકુંડમાં દિગમ્બર સાધુઓએ શાહી સ્નાન કર્યું હતું. સંતો અને સાધુઓનાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થયો હતો.

રાત્રે ભારે ટ્રાફિક જામ થયો
રાત્રે મેળો પૂર્ણ થતાંની સાથે જ લોકો ભવનાથમાંથી નિકળવા લાગ્યા હતાં. જેના કારણે ભરડાવાવ, ગિરનાર દરવાજા, કાળવા ચોક, મજેવડી દરવાજા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતનાં વિસ્તારમાં રાત્રે ભારે ટ્રાફીક થયો હતો.
- Advertisement -
બુધવારે સવારથી વાહનમાં ભીડ જોવા મળી
મંગળવારે રાત્રે મેળો પૂર્ણ થયા બાદ લોકોએ વતનની વાટ પકડી છે. મોડી રાત્રીથી લઇ બુધવારનાં શહેરમાં ટ્રાફિક રહ્યો હતો. બુધવારે જૂનાગઢની બહાર જતાં વાહનોની ભીડ જોવા મળી હતી.


