પોતાના કાર્યકાળ દરમિયાન સરવૈયાએ લૂંટ મચાવી હતી…
સરવૈયા વિરુદ્ધ ઠેઠ ACB, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યપાલને પણ રજૂઆત
સરવૈયાએ હસમુખભાઇ ડાભીને બે ફડાકા ઝીંકી કહ્યું : ‘હવે આ બધું ભૂલી જજે અને થાય તે કરી લેજે’
સરવૈયા એન્ડ કંપનીનાં તમામ ચોપડાં ઉલેચવા ‘ખાસ-ખબર’ કટિબધ્ધ પીડિતો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરે
રાજકોટના એક રહેવાસી હસમુખભાઈ ડાભીએ રાજકોટ પોલીસ કમિશનરને વરુણ રેસીડેન્સી નામથી ઓળખાતી ઈમારતમાં આવેલા આઠ ફ્લેટ બળજબરીથી પડાવતા તત્કાલિન રાજકોટ એસીપી જયદીપસિંહ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. જયદીપસિંહ સરવૈયા વિરુદ્ધ હસમુખ ડાભીએ કરેલી અરજીમાં જણાવાયું છે કે, મારા મિત્ર હાર્દિકભાઈ પટેલને રમેશભાઈ કેશવભાઈ વીરડીયા સાથે રૂા. 95 લાખની લેતીદેતી હોય, હાર્દિકભાઈએ મને એવું કહેલું કે તમે મને આ ફલેટ અંગેનું સાટાખત ભરી આપો તો અમે આ લોન પેટેના રૂપિયા હોય, તે પૈસા અમે ભરી આપીશું. આ લેતીદેતી હાર્દિકભાઈ અને રમેશભાઈ વચ્ચેની હોય, અમે હાર્દિકભાઈના મિત્ર હોવાના નાતે વિશ્ર્વાસમાં આવીને સાટાખટ કરી આપેલો. ત્યારબાદ આ લોકોએ જે લોનના પૈસા ભરી આપીને અમારી પાસેથી સાટાખત કરાવી લીધેલો. રમેશભાઈ વીરડીયા દ્વારા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં અમારી વિરૂદ્ધ એક અરજી આપેલી. તે અરજીના અનુસંધાને રાજકોટમાં જેતે સમયના એ.સી.પી. જયદીપસિંહ સરવૈયા દ્વારા અમને મો.નં. 7575040000થી એવું કહેવામાં આવ્યું કે તમે રાજકોટ કમિશનર ઓફીસે આવી જાવ અને અમો ત્યાં જતાં તેઓ અમને બેફામ ગાળો બોલવા લાગેલા તેમજ અમને બીજા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપીને અમને એવું કહેલું, હવે તમે રમેશભાઈને આ ફલેટનો દસ્તાવેજ કરી દેજો.
અમને માર મારવામાં આવેલો. તે દરમિયાન અમારા એક મિત્રને જયદીપસિંહ સરવૈયાએ મીડીયટર બનાવીને અમને વિશ્ર્વાસમાં લઈને જયદીપસિંહ સરવૈયા તથા હરીભાઈ સભાડ આ બંને વ્યક્તિએ અમારી પાસેથી બળજબરીથી દસ્તાવેજ કરાવી લીધેલો હોય તેમજ અમે જે મીડીયટર દ્વારા બાંહેધરી આપવામાં આવેલી હતી તે મુજબ ફલેટના પૈસાની ઉઘરાણી કરતા, જયદીપસિંહ સરવૈયા, જે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. તરીકે જેતે સમયે ફરજ બજાવતા હતા તેમજ હરીભાઈ સભાડને પણ ફોન કરતાં, તેઓએ અમોને સમાધાન માટે તેમની ઓફીસે કુવાડવા રોડ ઉપર બોલાવેલા. ત્યાં એ.સી.પી. સરવૈયા હાજર હતા. અને તેમણે અમોને બે ફડાકા મારીને તું આ બધુ ભૂલી જાજે અને તારાથી થાય તે કરી લેજે, અમારા ઈશારે પોલીસ કમિશનર પણ નાચે છે તો તારી શું હસ્તી છે? તેવું કહીને અમને એવું કહેલું કે હવે તું આ રૂપિયા ભૂલી જાજે, અને મને અથવા હરીભાઈ સભાડને ફોન કરતો નહીં. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ યોગ્ય પગલાં લે તેવી અમારી માગણી છે. જો અમારી આ માગણી પોલીસ દ્વારા સ્વીકારવામાં નહીં આવે અથવા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું તેવી અરજી હસમુખ ડાભીએ તત્કાલીન રાજકોટ એસીપી જયદીપસિંહ સરવૈયા વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને કરી છે.
- Advertisement -
સરવૈયાનું સરવૈયું કાઢો, આવકનાં પ્રમાણમાં મિલ્કતોની તપાસ જરૂરી
જયદીપસિંહ સરવૈયાએ પોલીસવિભાગની નોકરી દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી કરોડોની સંપત્તિ ભેગી કરી છે. જો મહાભ્રષ્ટ જયદીપસિંહ સરવૈયા અને તેમના લાગતાવળગતાના નામે રહેલી મિલ્કતોની તપાસ કરવામાં આવે તો, કરોડો રૂપિયાની મિલ્કતો જયદીપસિંહ સરવૈયા અને તેમના લાગતાવળગતાના નામે હોવાનું બહાર આવી શકે છે. વિવિધ પ્રોજેક્ટ અને પ્લેસમાં પાર્ટનર જયદીપસિંહ સરવૈયાની મિલ્કતોની તપાસ જરૂરી છે.


