યુવક દોડની પરીક્ષામાં નાપાસ થતાં નિરાશ થઇ ગયો હતો
મૃતક યુવાન ત્રણ ભાઇમાં નાનો હતો, પરિવારમાં આઘાત
રાજકોટના સરધાર નજીક લીલી સાજડિયાળી ગામમાં 26 વર્ષના યુવાને પોલીસમાં ભરતી થવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ શારીરિક પરીક્ષા આપતી વખતે દોડ પૂરી ન કરી શકતાં નિરાશ થઇ જતાં ઝેરી દવા પી જિંદગીની સફરનો અંત આણી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ યુવાને દોડની પરીક્ષામાં નાપાસ થતાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું છે. યુવાનના આપઘાતથી પરિવાર પણ આઘાતમાં ગરકાવ થયો છે. રાજકોટના સરધાર નજીક લીલી સાજડિયાળી ગામે રહેતા નિકુંજ ધીરજલાલ મકવાણા (ઉં.વ.26)એ ગઇકાલે ઝેરી દવા પી લેતાં 108ના અરવિંદભાઇ અને સંજયભાઇએ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો, પરંતુ થોડા કલાકોની સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના અજઈં કે.વી. ગામેતી અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.



