નાથાલાલ સુખડિયાની PMO-CMOમાં લેખિત ફરિયાદ, સવજી ધોળકિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા અને ‘પદ્મશ્રી’ એવોર્ડ પરત ખેંચવાની માંગ
અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ૧૦-૧૨ દિવસમાં જમીનની માપણી કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી
- Advertisement -
સરકારી ગ્રાન્ટના ₹૩૦.૩૫ કરોડથી વધુના કામો પર ‘ધોળકિયા ફાઉન્ડેશન’ના બોર્ડ લગાવ્યાનો RTIમાં ચોંકાવનારો ખુલાસો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સરકારી ગૌચરની જમીન પર કરવામાં આવેલા કથિત દબાણોના વિરોધમાં RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયા દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, આંદોલન શરૂ કરતાં પૂર્વે નાથાલાલ સુખડિયા માલધારીઓ સાથે રાખીને અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રૂબરૂ મળ્યા હતાં. કલેક્ટર દ્વારા ૧૦ થી ૧૨ દિવસમાં જમીનની માપણી કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતાં હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે.
અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામના RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે, દુધાળા ગામની ગૌચરની જમીન (સર્વે નંબર ૧૪૦/૧/અ અને ૧૪૦/બ) પર ધોળકિયા ફાઉન્ડેશન અને પરિવાર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ગાયોને પીવાના પાણી માટેના માર્ગ પર આડી જાળીઓ લગાવી દેવામાં આવી છે જેને તાત્કાલિક મુક્ત કરવા અંગે છેલ્લા એક મહિનાથી અને ગત ૧૬ તારીખે કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા રજૂઆત સાંભળીને ખાતરી આપી છે કે, આ બાબત લેન્ડ ગ્રેબિંગને લગતી હોવાથી આગામી ૧૦-૧૨ દિવસમાં જમીનની માપણી કરી કેટલું દબાણ છે તે નક્કી કરાશે અને ત્યારબાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે ૧૦ દિવસ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે કે પછી ‘ઘીના ઠામમાં ઘી’ પડી જાય છે તે આવનારો સમય બતાવશે. ઉલ્લેખનીય છે કે, નાથાલાલ સુખડિયાએ આરટીઆઈ હેઠળ મેળવેલા પુરાવાઓના આધારે વડાપ્રધાન કાર્યાલય (PMO), રાષ્ટ્રપતિ ભવન અને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરી સવજીભાઈ ધોળકિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા અને તેમનો ‘પદ્મશ્રી’ એવોર્ડ પરત ખેંચવાની માંગ કરી છે.
ધોળકિયા ફાઉન્ડેશનને કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાનું RTIમાં સામે આવ્યું
ફરિયાદમાં જણાવાયું છે કે, જળક્રાંતિના નામે સરકારી ખરાબા અને ગૌચરની જમીનો દબાવીને સરોવરો અને ગેરકાયદે બાંધકામ કરી ફરતે તાર ફેન્સિંગ કરી દેવાઈ છે. આ ઉપરાંત ‘હેતની હવેલી’ સહિતના વિસ્તારોમાં પોતાના અને સગા-સંબંધીઓના નામના બોર્ડ લગાવી દેવાયા છે. સરકારી તંત્ર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ધોળકિયા ફાઉન્ડેશનને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું RTI માં સામે આવ્યું છે. જેમાં મનરેગા યોજના ૨૦૧૭-૨૦૧૯ વર્ષ દરમિયાન પાણી સંગ્રહના કામો માટે ₹૨.૩૩ કરોડથી વધુ ચૂકવાયા. સુજલામ સુફલામ યોજના (૨૦૧૯-૨૦૨૫): અકાળા, ચિતલ અને હરસુરપુર સહિતના ગામોના કામો માટે ₹૯૮ લાખ ફાળવાયા. અને નદીઓના કામો (૨૦૨૩-૨૦૨૬): લાઠી, પીપરીયા, બોડીયા, અંટાળીયા અને ગાગડીયા નદીના કામો પેટે ₹૨૭.૦૪ કરોડ ચૂકવાયા. આમ સરકારી ગ્રાન્ટના કુલ ₹૩૦.૩૫ કરોડથી વધુના બિલો ચૂકવાયા હોવા છતાં અને હજુ રનિંગ બિલો બાકી હોવા છતાં આ કામો પોતાના ખર્ચે કર્યા હોય તેવા ‘ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત’ બોર્ડ લગાવી જશ ખાટવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.
- Advertisement -
કાર્યવાહી નહીં થાય તો ફરી આંદોલન, હાઈકોર્ટ સુધી જવાની તૈયારી : નાથાલાલ સુખડિયા
મીડિયા સમક્ષ વાત કરતાં નાથાલાલ સુખડિયાએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, તંત્રની ખાતરીને પગલે અમે ૧૦ દિવસ સુધી રાહ જોઈશું. જો તંત્ર દ્વારા આ સમયગાળામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે. તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટ સુધી જવામાં આવશે.



