રાજકોટમાં રહેતા ચોટીલાના નિવૃત્ત શિક્ષણાધિકારીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરાયો : સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું
- Advertisement -
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ. પી. સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામી સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે રાજકોટના ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે બન્નેએ મળી નિવૃત શાસનાધિકારીને ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદ કરવાનું કહી છેતરપિંડી આચરી છે. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે કહી કાવતરૂ રચી વધુ કમિશન અને ઓછી કિંમતે જમીન આપવાના બહાને રોકડા 1.25 કરોડ મેળવી લઇ આજ દિવસ સુધી પરત ન આપી છેતરપિંડી આચરી છે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમદાવાદના આરોપી ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી. પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઇ રામી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું 2004-05માં મોરબી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા નોકરી કરતો હતો. ત્યારે હું અપડાઉન કરતો હતો બસમાં ભાવેશ પરમાર અપડાઉન કરતા હતા. ભાવેશ મોરબીમાં કાપડની દુકાન ચલાવતા હતા તે મિત્ર હોવાથી દુકાને બેસવા જતો હતો. ત્યાં ચિંતન અશ્વિનભાઈ પરમાર પણ બેસવા આવતા હતા જેથી તેની સાથે પરિચય કરાવ્યો હતો. ચિંતન જમીન મકાન દલાલીનું કામ કરતો હતો. 2020માં ચિંતને ફોનમાં કહ્યું કે, ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશરે 400 વીઘા જમીનમાં સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માગે છે, જો તમારે આ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરવું હોય તો તમને સારૂ વળતર મળશે. તમને આમાં રસ હોય તો હું તમને સંતોની સાથે મુલાકાત કરાવું આ પછી ચિંતને મને રાજકોટ ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોને મળવા બોલાવ્યો હતો. ત્યાં માધવપ્રીય સ્વામી (એમ.પી.સ્વામી) તથા દર્શનપ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી) તથા લાલજી બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી મને કયું હતું કે ડાકોરમાં અમે સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર તથા ગૌશાળા 300થી 400 વીઘા જમીનમાં બનાવવાના છીએ. જેના માટે અમે ડાકોરના સૂઇ તથા સૈયત ગામમાં મહુધા રોડ ઉપર જમીન જોઇ રાખી છે. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે પરંતુ હાલમા અમે જ્યાં મંદિર બનાવવાના છીએ ત્યાં અમે ખેડૂત પાસેથી જમીન ખરીદ કરીશું. તો તે ખેડૂત અમારી પાસે જમીનની વધુ કિંમત લેશે પરંતુ જો તમે આ જમીન ખરીદ કરવા રૂપિયાનું રોકાણ કરશો અને તમે તમારા નામે જમીનનો સાટાખત કરશો તો અમે તમને જમીનના રૂપિયા તથા તેના ઉપર સારા કમિશનના રૂપિયા આપીશું આ પછી લાલજી બાવભાઇ ઢોલાએ પોતે વડતાલ મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનું જણાવી કહ્યું કે, જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો હું મંદિરનો ખજાનચી હોવાથી અમારી મંદિરના કારોબારીની મીટિંગમાં તમારા રૂપિયાનું સેટિંગ કરાવી તમને તમારા રૂપિયા પરત અપાવી દઈશ. જેથી જે તે વખતે જ મેં હા પાડી દીધી હતી.
દસ દિવસ બાદ અમે બધા મહુધા રોડ ઉપર જમીન જોવા ગયા હતાં. તે વખતે ત્યાં જમીન માલિક ખેડૂત જેકી શરદભાઇ રામી સાથે મુલાકાત કરાવી હતી. આ જેકીએ મને જમીન બતાવી હતી. જેમાં અમારે કુલ 354 વીઘા જમીન ખરીદ કરવાની હતી. જેકીએ અમને તેની તથા તેની પાસેના બીજા ખેડૂતોના 7-12 તથા 8-અના ઉતારા બતાવ્યા હતા અને એક વીઘાના જમીનનો ભાવ રૂ.18 લાખ કહ્યો હતો. તેઓની કુલ જમીન 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરી અને જમીન સોદા પેટે મેં જેકીને રૂ.1 લાખ રોકડા આપી ડાકોરના સૂઇ તથા સૈયત ગામમાં મહુધા રોડ ઉપર જમીન ખરીદીનો સોદો નક્કી કર્યો હતો. જેકીએ જમીન ખરીદ પેટેના બાકીના રૂપિયા 2 કરોડ રોકડા આપવાનુ જણાવ્યું હતું, પરંતુ મારી પાસે રોકડા ન હોવાથી અમે તેને જમીન પેટે પ્રથમ 1.25 કરોડ રોકડા આપવાનુ કહ્યું તો આ જેકીએ કહ્યું કે, તમે અમને રોકડા રૂ.1.25 કરોડ આપો ત્યાર બાદ હું તમને જમીનની માપણીશીટ તથા ઓરિજિનલ જમીનના ડોક્યુમેન્ટોની ફાઇલ આપીશ. ત્યાર બાદ 8 જૂન, 2020ના રોજ અમે ડાકોર ગયા હતા. ત્યાં 1.24 કરોડ રોકડા આપ્યા હતા. આ રૂપિયા આપ્યા બાદ જેકી શરદભાઈ રામીએ મને રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર ઠાસરા તાલુકાના મોજે સૂઇ તથા સૈયત ગામની સીમના આશરે 354-70 વિઘા જૂની શરતની જમીનનો જમીન વેચાણ અંગે સમજૂતી લખાણ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (જમીનનુ સાટાખત) મારા તથા મારા ભાગીદાર વિપુલ કાપડીયાના નામનું ડાકોરના નોટરી શ્રી અનિલ જે સેવકની ઓફિસ ખાતે કરી આપ્યું હતુ આ પછી પૈસા પરત નહિ મળતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
દાન આવ્યું નથી કહી હાથ ઊંચા કરી લીધા
15 દિવસ બાદ માધવપ્રીય સ્વામીને ફરીવાર ફોન કરતા તેઓએ વાત કરી કે, આફ્રિકાથી જે વ્યકિત દાન આપવાના હતા તેણે દાન આપેલ નથી, જેથી અમારે તમને કોઈ રૂપિયા આપવાના થતા નથી. અમારે જેકી સાથે વાત થઇ ગઈ છે, તમે તમારા રૂપિયા તેમની પાસેથી પરત લઇ લેજો. જેથી અમે બધા ડાકોર જેકી રામીની પાસે જમીનના રૂપિયા પરત લેવા માટે ગયા હતા તો જેકીએ કહ્યું કે, તમારે મને 8 મહિનાની મુદતમાં જમીન ખરીદીના બાકીના રૂ.1.51 કરોડ આપવાના હતા, તે તમે મને સમય મર્યાદામાં આપ્યા નથી, જેથી મારે હવે તમને કોઈ રૂપિયા પરત આપવાના થતા નથી. જેથી અમે તેઓને કહ્યું કે, લોકડાઉનના કારણે આ રૂપિયા અમે તમને સમયસર આપી શક્યા નથી અને માધવપ્રીય સ્વામીએ હવે આ જમીન લેવાની ના પાડી છે અને તમને અમારા રૂપિયા પરત આપી દેવાનુ કહ્યું છે. તો જેકીએ કહ્યું કે, હવે મારે કોઇ રૂપિયા તમને આપવાના થતા નથી. તમે અહીંથી જતા રહો અને બીજીવાર મારી પાસે રૂપિયા માંગવા આવતા નહિ કે મને રૂપિયા પરત આપવા ફોન પણ કરતા નહિ.



