દિવાળી વેકેશનમાં ખાનગી શાળાઓની મનમાની સામે રોહિતસિંહ રાજપૂતની DEO સમક્ષ રજૂઆત
વેકેશન કે શિક્ષાનો વધારાનો ભાર? બાળકોનું વેકેશન હોમવર્કમાં જ પૂર્ણ થઇ ગયુ : 14થી વધુ ખાનગી શાળા સામે તપાસની માગ
- Advertisement -
વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓ સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલની ચીમકી
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ તા. 5થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં રાજકોટની અનેક ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન ધોરણ 10 અને 12 સિવાયના અન્ય ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. આ અંગે વિદ્યાર્થી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી સંબંધિત શાળાઓ સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માગ કરી છે. રજૂઆતમાં ઉત્કર્ષ સ્કૂલ, મોદી સ્કૂલની બંને શાખાઓ, રાજકુમાર સ્કૂલ, વેસ્ટવુડ સ્કૂલ, અંબિકા વિદ્યાલય (યુનિવર્સિટી રોડ), વિઝડમ સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ, કલરવ સ્કૂલ, સત્યપ્રકાશ સ્કૂલ, સરસ્વતી સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલની બંને શાખાઓ, ધોળકિયા સ્કૂલ, ભૂષણ સ્કૂલ અને સ્કૂલ ઓફ સાયન્સ સહિતની શાળાઓમાં ધોરણ 10 અને 12 સિવાયના વર્ગો શરૂ રાખવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાજકુમાર સ્કૂલ, વેસ્ટવુડ સ્કૂલ અને કલરવ સ્કૂલમાં ધોરણ 1થી 12 સુધીના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદની સ્થળ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય અને પુનરાવર્તન માટે પૂરતો સમય મળે તે હેતુથી અમે આ બંને ધોરણના વર્ગો ચાલુ રાખવા સામે કોઈ વિરોધ કર્યો નહોતો. આ બાબતે ખાનગી શાળા સંચાલક મંડળના હોદ્દેદારોએ પણ તેમની સાથે સંકળાયેલી શાળાઓને જરૂરી સૂચના આપવાની ખાતરી આપી હતી. તેમ છતાં અન્ય ધોરણોના વર્ગો પણ ચાલુ રાખવામાં આવે તે ગંભીર બાબત છે. બોર્ડના વિદ્યાર્થીઓના હિતમાં આપેલી છૂટનો અર્થ અન્ય ધોરણોના બાળકોનું વેકેશન છીનવી લેવાની છૂટ એવો થતો નથી. અનેક વાલીઓએ એવી ફરિયાદો પણ કરી છે કે શાળાઓ દ્વારા દિવાળી વેકેશન દરમિયાન એટલું બધું હોમવર્ક આપવામાં આવ્યું હતું કે બાળકોનું આખું વેકેશન હોમવર્ક પૂર્ણ કરવામાં જ પસાર થઈ ગયું. બાળકો પરિવાર સાથે પૂરતો સમય વિતાવી શક્યા નથી અને હજુ તો હોમવર્ક પૂર્ણ થયું ત્યાં વેકેશન પૂરું થવાનો સમય આવી ગયો. તો પછી આવા વેકેશનનો બાળકોને લાભ શું મળ્યો? વેકેશનના નામે બાળકોને શાળામાંથી રજા આપીને ઘરે અભ્યાસના ભારણ હેઠળ રાખવા એ પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે અન્યાય છે.
- Advertisement -
દિવાળી વેકેશનનો હેતુ માત્ર શાળામાંથી રજા આપવાનો નથી, પરંતુ બાળકોને અભ્યાસના ભારણમાંથી મુક્તિ મળે, પરિવાર સાથે સમય વિતાવી શકે અને પોતાની રુચિ મુજબની પ્રવૃત્તિઓ કરી શકે તે પણ એટલું જ જરૂરી છે. ખાનગી શાળાઓની અભ્યાસક્રમ પૂર્ણ કરવાની દોડમાં બાળકોનું બાળપણ અને માનસિક સ્વાસ્થ્ય ભોગ બનવું જોઈએ નહીં. રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ માગ કરી છે કે ઉપરોક્ત તમામ શાળાઓને તાત્કાલિક કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મારફતે સ્થળ તપાસ કરાવવામાં આવે અને ધોરણ 10 તથા 12 સિવાયના વર્ગો શરૂ રાખનારી શાળાઓ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે. તેમજ તા. 25 નવેમ્બર સુધી સરકારી શૈક્ષણિક કેલેન્ડર મુજબ વેકેશનનો સંપૂર્ણ અમલ કરાવવામાં આવે.
અંતમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે અને ખાનગી શાળાઓ પોતાની મનમાની ચાલુ રાખશે તો વિદ્યાર્થીઓના હિતમાં જવાબદાર શાળાઓ સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓનું વેકેશન કોઈ શાળા સંચાલકની મરજી પર નિર્ભર ન હોઈ શકે અને સરકારી શૈક્ષણિક કેલેન્ડરનો અમલ કરાવવાની જવાબદારી શિક્ષણ વિભાગની છે.



