ભક્તોએ ટ્રસ્ટીનો ઘેરાવ કરતા નિર્ણય સ્થગિત
ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના પ્રખ્યાત રણછોડરાયજી મંદિરમાં વીઆઈપી બેઠક વ્યવસ્થા ઊભી કરવાના નિર્ણયને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આશરે રૂ. ૨૦ લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલા આ કામ સામે મંદિરના સેવકો અને ભક્તોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અંતે મંદિર ટ્રસ્ટે આ નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવો પડ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પરિસરમાં વિશિષ્ટ વીઆઈપી માટે અલગથી બેઠક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે કામગીરી પણ આરંભી દેવાઈ હતી. પરંતુ, આ નિર્ણય સામે મંદિરના સેવકો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ વિવાદ વધુ ઉગ્ર બનવાનું મુખ્ય કારણ એ હતું કે, જે જગ્યાએ આ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી હતી, તેની બરાબર પાછળ જ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. મંદિર જેવા અત્યંત પવિત્ર અને આસ્થાના કેન્દ્ર સમાન સ્થળે આ પ્રકારે શૌચાલયની નજીક વીઆઈપી બેઠક વ્યવસ્થા ગોઠવવાના નિર્ણયને સેવક આગેવાનોએ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવનારો ગણાવીને ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો. સેવકો અને ભક્તોનો વિરોધ જોતાં મામલો ગરમાતા આખરે મંદિરના ટ્રસ્ટી ગીરીશ દાણીએ ચેરમેન પરિનદુ ભગત સાથે ચર્ચા કરીને વીઆઈપી બેઠક વ્યવસ્થાનો આ નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સેવક આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભગવાનના દરબારમાં તમામ ભક્તો સમાન હોય છે, ત્યાં સામાન્ય અને વીઆઈપી જેવો ભેદભાવ હોવો જોઈએ નહીં. સાથે જ જો ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં ફરીથી આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
- Advertisement -
શૌચાલયની નજીક VIP બેઠક વ્યવસ્થા !
આ વિવાદ વધુ ઉગ્ર બનવાનું મુખ્ય કારણ એ હતું કે, જે જગ્યાએ આ બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી હતી, તેની બરાબર પાછળ જ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. મંદિર જેવા અત્યંત પવિત્ર અને આસ્થાના કેન્દ્ર સમાન સ્થળે આ પ્રકારે શૌચાલયની નજીક વીઆઈપી બેઠક વ્યવસ્થા ગોઠવવાના નિર્ણયને સેવક આગેવાનોએ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવનારો ગણાવીને ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો.



