48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી
18.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને અમરેલી રાજ્યના સૌથી ઠંડા શહેરો બન્યા
- Advertisement -
ગુજરાતમાં શિયાળાની ઋતુની વિધિવત શરૂઆત થઈ ચૂકી હોવા છતાં, નાગરિકો જે કડકડતી ઠંડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે હજુ સુધી પૂર્ણપણે જામી નથી. આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને તાપમાન યથાવત જળવાઈ રહેશે. પરંતુ, ત્યારબાદ પવનની દિશા બદલાતા રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આગામી ૭ દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે શિયાળાની ઠંડી જામવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી કરશે. છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ખાસ ઉતાર-ચઢાવ નોંધાયો નથી, પરંતુ ઠંડા પવનોને કારણે અમુક શહેરોમાં પારો ગગડ્યો છે. ૧૬ નવેમ્બર ૨૦ર૬ના રોજ નોંધાયેલા આંકડા મુજબ, ૧૮.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા અને સૌરાષ્ટ્રનું અમરેલી સંયુક્ત રીતે રાજ્યના સૌથી ઠંડા શહેરો રહ્યા હતા. અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો, વડોદરામાં ૧૯.૪ ડિગ્રી, મહુવામાં ૧૯.૯ ડિગ્રી, સુરતમાં ૨૦ ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં ૨૦.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ રીતે, કેશોદ અને અમદાવાદમાં ર૧.ર ડિગ્રી, પોરબંદરમાં ૨૧.૫ ડિગ્રી, ભાવનગરમાં ૨૧.૬ ડિગ્રી અને રાજકોટમાં ૨૧.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં ર૧.૮ ડિગ્રી, ભુજમાં ૨૨.ર ડિગ્રી, વેરાવળમાં ૨૨.૭ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૨૨.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.



