રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
8 વર્ષની હતી ત્યારથી માસો બાળકી સાથે અડપલાં કરતો, 11 વર્ષની થઈ ત્યારે પેલી વાર દુષ્કર્મ આચર્યું
- Advertisement -
રાજકોટમાં યુવતીના આઠ વર્ષની ઉમરથી માસાએ અડપલાં કરી હેરાન કરવાનું શરૂ કરી 11 વર્ષની ઉમરે પ્રથમ વખત દુષ્કર્મ આચરી 9 વર્ષ સુધી હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે યુવતી 20 વર્ષની થઈ ત્યાં સુધી ધમકી અને માર મારવાના ડરથી માસો તેની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હોવાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મૂળ જામજોધપુરની અને હાલ ગીર સોમનાથના વેરાવળ ખાતે રહેતી 20 વર્ષીય યુવતીએ તેના માસા સામે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણી ધોરાજીમાં પરિવાર સાથે રહેતી હતી ત્યારે માતા-પિતા મજૂરીકામે જતા અને તે ઘરે એકલી રહેતી હતી. આ દરમિયાન માસો ઘરે આવી શરીરે અડપલાં કરતો અને માર મારતો હતો. વર્ષ 2017માં તે 11 વર્ષની હતી ત્યારે માસાએ ઘરે એકલી હોવાનો લાભ લઈ ડરાવી-ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. આ વાત કોઈને કહેશે તો જીવતી નહીં રહેવા દેવાની ધમકી આપી હતી.ત્યાર બાદ માસો વારંવાર માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે આવી દુષ્કર્મ આચરતો હતો. યુવતીએ માતાને વાત તૈયારી દર્શાવી ત્યારે માસાએ માતા-પિતાની જિંદગી બગાડી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવતી તૈયાર ન થાય ત્યારે તેને માર મારતો અને પિતા સામે તેની વિરુદ્ધચડામણી કરતો હતો. પિતા પણ ઠપકો આપતા હોવાથી યુવતી વધુ ડરી જતી હતી. વર્ષ 2021માં પરિવાર રાજકોટ રહેવા આવ્યો ત્યારે પણ માસાએ યુવતી પર દુષ્કર્મ આચરવાનું ચાલુ રાખ્યું હતું. ડિસેમ્બર 2025માં યુવતીનો પરિવાર માસાથી અલગ રહેવા લાગ્યો હતો. તેમ છતાં માસો યુવતીના ઘરે આવતો હતો અને તે નૌકરીએ જતી ત્યારે બાઇક લઈને રસ્તામાં ચારથી પાંચ વખત આંટા મારી તેના પર નજર રાખતો હતો. આખરે યુવતીએ હિંમત કરીને માતાને વર્ષોથી ચાલી રહેલા દુષ્કર્મ અંગે જાણ કરી હતી. માતાએ યુવતીના ફઇને વાત કરતાં તેમણે પરિવારને પોતાની પાસે બોલાવ્યો હતો. 21 ઓક્ટોબરથી પરિવાર ફઈના ઘરે રહેવા ગયો હતો. ત્યાર બાદ યુવતીએ રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ મેઘાણી સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાળાના લગ્નમાં પહેરવાના બહાને લીધેલાં 14 લાખના દાગીના મિત્ર ઓળવી ગયો : દાગીના પરત માગતા આરોપીએ ઉશ્કેરાઈને તમાચા ઝીંકી મર્ડર કરી નાખવાની ધમકી આપી
રાજકોટમાં સાળાના લગ્નમાં પહેરવાના બહાને લીધેલા રૂા. ૧૪ લાખના સોનાના દાગીના આરોપી બેડીપરામાં રહેતો રાહુલ જેન્તીભાઈ મેંસરીયા ઓળવી ગયાની અને દાગીના પરત માંગતા મર્ડર કરી નાખવાની ધમકી આપ્યાની બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી રોડ પરના રઘુવીર પાર્કમાં રહેતાં અને મેંગો માર્કેટમાં ફ્રૂટનો ધંધો કરતા મહેશભાઈ મેવાડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ બેડીપરામાં રહેતા હતા. પાડોશમાં આરોપી પણ રહેતો હોવાથી નાનપણથી મિત્ર છે. આરોપીએ છ માસ પહેલાં સાળાના લગ્નમાં પહેરવા માટે દાગીનાની માગણી કરતાં તેને સોનાના હાર, કડું, પેન્ડન્ટ સહિતના દાગીના આપ્યા હતા નક્કી થયા મુજબ અઠવાડિયા પછી પણ આરોપીએ દાગીના આપવાના બદલે બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. ચારેક માસ પહેલાં પત્ની સાથે આરોપીના ઘરે દાગીના લેવા જતાં કહ્યું કે, તેને ચાંદીના કારખાનામાં પૈસાની જરૂર પડતાં તેના દાગીના પર લોન લીધી છે. થોડા દિવસમાં લોન ભરી દાગીના છોડાવી આપશે. તેની સાથે પાંચ તોલા સોનુ વધૂ આપશે તેમ પણ કહ્યું હતું.જોકે તેણે વધૂ સોનું આપવાની ના પાડી પોતાના જ દાગીના આપવાનું કહ્યું હતું. આમ છતાં આરોપીએ દાગીના આપ્યા ન હતા. બાદમાં આરોપીના પિતાની દૂકાને પત્ની સાથે જતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ બે તમાચા ઝીંકી દીધા હતા. તેની પત્નીને ધક્કો મારી હવે પછી દાગીના માગવા આવશો તો મર્ડર કરી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી પોલીસમાં અરજી કરતાં આરોપીએ દાગીના વેંચી નાખ્યાનું કહ્યું હતું. દાગીના પરત આપવા ન પડે તે માટે મારકૂટ કરી ધમકી પણ આપ્યાનું પણ જણાતાં આખરે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
રાજકોટના પુનિતનગર કર્મચારી સોસાયટીમાં બનેલી ઘટના : ગર્લફ્રેન્ડની સાથે રહેતા આદીપુરના યુવકનો ફાંસો ખાઈ આપઘાત : હવે હું પરણીને આવીશ તેવું માતાને કહ્યા બાદ લાશ મળી
મૂળ આદીપુરના અને હાલ પુનિતનગર કર્મચારી સોસાયટીમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતા નયન રાજેશભાઈ ગરવા ઉ.19એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હતો તેવી માહિતી તપાસ કરતી તાલુકા પોલીસને મળી છે. જો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એએસઆઈ નિલેશ ચાવડા સહિતની ટિમ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે નયન દોઢેક વર્ષ પહેલા ઘરેથી જતો રહ્યો હતો. ત્યાર બાદ પરત આવી ગયો હતો. તે વખતે તેણે વાલીઓને હવે પોતે સ્વતંત્ર રહેવા માગે છે તેમ કહ્યું હતું. આ પછી રાજકોટ રહેવા આવી ગયો હતો. હાલ પ્રાઈવટ નોકરી કરતો હતો. પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો. પાંચેક દિવસ પહેલા વતન આદીપુર ગયો ત્યારે માતાને ‘હવે પરણીને જ આવીશ’ તેમ કહ્યું હતું. આ પછી રાજકોટ આવી ગયો હતો. ગઈકાલે સાંજે ગર્લફ્રેન્ડ સાથે હતો, તેની ગર્લફ્રેન્ડ સાંજે નજીકમાં રહેતી માતાના ઘરે જતી રહી હતી. આ સ્થિતિમાં ઘરે એકલા રહેલા નયને કોઈપણ સમયે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો સવારે તેની ગર્લફ્રેન્ડ ઘરે આવી ત્યારે લટકતો જોઈ 108ને જાણ કરી હતી, જેના તબીબે મૃત જાહેર કર્યો હતો. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં પતિના પ્રેમ સંબંધ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધો હતો : મૃતક બહેનના પતિ બેચર ભીમાણી, સાસુ-સસરા, નણંદ અને મનીષા સામે મરવા મજબુર કરવા અંગે ફરિયાદ : પતિ ઘરખર્ચ માટે પૈસા આપવાને બદલે પ્રેમિકા પાછળ બેફામ ઉડાવતો
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગીનગર શેરી નં.૩માં રહેતી 40 વર્ષીય પરિણીતા તરૂણાબેન બેચરભાઈ ભીમાણીએ સાસરિયાંઓના શારીરિક-માનસિક ત્રાસ તેમજ પતિના અન્ય યુવતી સાથેના અનૈતિક સંબંધોથી કંટાળીને પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ છે. આ ચકચારી બનાવ મૃતકના વાછકપર બેડી ગામે રહેતા બહેન દક્ષાબેન અશ્વિનભાઈ ચંદ્રાલાએ બહેનને મારવા મજબુર કરનાર પતિ, સાસુ, સસરા, નણંદ અને તેની પ્રેમિકા સહિત પાંચ સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તરૂણાબેનના લગ્ન 17 વર્ષ પૂર્વે બેચર ગોવિંદભાઈ ભીમાણી સાથે થયા હતા. સંતાનમાં તેમને એક દીકરી તુલસી તથા દીકરો હેપીલ છે. તરૂણાબેન અવારનવાર ફોન પર પોતાની આપવીતી જણાવતાં હતાં કે પતિ બેચરભાઈ, સાસુ સવિતાબેન અને સસરા ગોવિંદભાઈ મૂળજીભાઈ તેમને “તને કોણ બચાવશે” કહી સતત માનસિક ટોર્ચર કરતા હતા. આ ઉપરાંત પરિમલ ચોકમાં રહેતી નણંદ ચંદુબેન નરેન્દ્રભાઈ બોડા પણ અવારનવાર ઘરે આવીને ઝઘડા કરી ભાઈનો પક્ષ લઈ ત્રાસ દરમિયાન બેચર ભીમાણીને ગુજારતી હતી. મનીષા શિયાળ નામની સ્ત્રી સાથે આડો સંબંધ બંધાયો હતો. આ બાબતે તરૂણાબેન પૂછપરછ કરતાં પતિ તેમની સાથે નિર્દયતાપૂર્વક મારકૂટ કરતો હતો. આશરે ચારેક માસ પૂર્વે બેચર અને મનીષા એક હોટેલમાં સાથે નાસ્તો કરતા પરિણીતાના પરિવારજનોના હાથે રંગે હાથ પકડાયા પણ હતા. પતિ ઘરખર્ચ માટે પૈસા આપવાને બદલે પ્રેમિકા પાછળ બેફામ ઉડાવતો હતો. આખરે ગત તા.3 નવેમ્બરના રોજ સાસરિયાંઓની પજવણી અને મારકૂટથી ત્રાસી જઈ તરૂણાબેને જીવનલીલા સંકેલી લીધી હતી બનાવ અંગે પીઆઇ કે કે ગોહિલ સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સ્યૂસાઇડ નોટ : પોલીસને વિનંતી છે કે બેચર અને મનીષાને છોડતા નહીં
આપઘાત પૂર્વે તરૂણાબેને દીકરા હેપીલની હિન્દીની નોટબુકમાં કાળી પેનથી હૃદયદ્રાવક સ્યૂસાઇડ નોટ લખી હતી “છોકરાઓને મેં મા વગરના કરી દીધા છે. બૈચર કહેતો હું ઘરમાં ખર્ચ માટે પૈસા નહીં આપું, એટલે મેં દૂધના અને તુલસીના ટ્યુશનના પૈસા ચૂકવી દીધા છે. હવે મારે કોઈને પૈસા દેવાના બાકી નથી. બેચર બધા પૈસા મનીષા પાછળ જ ઉડાડતો હતો. ધ્યાન રાખજો મારી દીકરી રઝળી પડી છે, તમારી દીકરી રઝળી ન પડે. મારો ભાઈ કે બાપ નથી એટલે પાંચ નણંદ, નણદોયા અને સાસુ-સસરા મારી સાથે ખરાબ વર્તન કરતા હતા. મારો શું વાંક હતો? લફરું બેચરનું હતું, મારું નહીં. કાકા, મેં તમને કહ્યું હતું કે મારે બેચર પાસે નથી જવું, છતાં તમે મને મરવા મોકલી! મારી દીકરીને મારે છોડવી નહોતી પણ હદ વટાવી દીધી છે. પોલીસને વિનંતી છે કે બેચર અને મનીષાને છોડતા નહીં, તેમણે મારા છોકરાઓની હાય લીધી છે. હું મરી જાઉ પછી બેચરને મારો હાથ પણ અડવા ન દેતા. સાસુ-સસરા અને પતિએ મારું લોહી પીધું છે, મને અને દીકરીને ઢોરમાર માર્યો છે. જો થોડી પણ દયા હોય તો મને ન્યાય અપાવજો.”
રાજકોટમાં બે ભાઈઓને ખૂનની ધમકી આપનાર બે વ્યાજખોરો સામે ફરિયાદ : એક ભાઈએ ૮ ટકા અને બીજા ભાઈએ ૧૦ ટકા વ્યાજે પૈસા લીધા હતા : જો રકમ નહીં મળે તો દિવાળી નહીં જોવા દઈએ તેવી ધમકી આપી હતી
રાજકોટના કોઠારીયા રોડ પરના સ્વાતિ પાર્કમાં રહેતાં અને પ્રાઈવેટ નોકરી કરતાં શુભમ ભાલાળા ઉ.33એ તેને અને તેના ભાઈ પાસે વ્યાજના પૈસાની પઠ્ઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે આરોપી પુરુષાર્થ સોસાયટીના રોહિત હિરાભાઈ બસીયા અને સોહમ પરમાર વિરૂધ્ધ આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે પડવલામાં આવેલા પ્રભાત ટ્રેડર્સમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. હાર્ડવેરનો ધંધો ચાલુ કરવા સહિતના કારણસર પૈસાની જરૂર પડતાં રોહિત પાસેથી કટકે-કટકે 9 લાખ 8 ટકા વ્યાજે લીધા હતા. દર મહિને 72 હજાર ભરતો હતો. ત્રણ મહિના સુધી વ્યાજ ચુકવ્યા બાદ ભીંસ પડતા વધૂ શક્તો હતો. અત્યાર સુધીમાં કેટકે-કટકે 9.25 લાખથી વધુ રકમ ચૂકવી દીધી છે દોઢેક વર્ષ પહેલાં મિત્ર દિપકે રોહિત પાસેથી બે લાખ વ્યાજે લીધા હતા. જેમાં તે જામીન હતો. આ રકમની પણ રોહિત તેની પાસે અવાર-નવાર પઠ્ઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેના નાનાભાઈ નિકુંજે દોઢેક વર્ષ પહેલાં રોહિત પાસેથી કટકે કટકે 3.60 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. તેનો ભાઈ સમયસર વ્યાજ ચૂકવતો ન હોવાથી રોહિતે મિત્ર સોહમને હવાલો આપ્યો હતો આજ સુધી તેના ભાઈએ 11 લાખ ચુકવી દીધા છે. એટલું જ નહીં તેની પાસે 9 લાખની અને તેના ભાઈ પાસે 8 લાખની આરોપીઓ ઉઘરાણી કરી ધાક-ધમકી આપતાં હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.
દિવાળી ટાણે જ રાજકોટની સોની બજારમાં છરીની અણીએ 4 લાખના દાગીનાની લૂંટ : પેરમે ચોટ લગી હે, આગે તક છોડ દે કહીં એક્ટિવામાં બેઠા બાદ ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા કહીં લૂંટી લીધો
રાજકોટની સોની બજારમાં દિવાળી ટાણે જ છરીની અણીએ 4 લાખના દાગીનાની લૂંટની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે સોની બજારમાં માંડવી ચોકમાં આવેલ બાલાજી તારવાળાની દુકાનમાં કામ કરતો રાજસ્થાની યુવક 33 ગ્રામની સોનાની તારની લગડી તૈયાર કરી કોઠારીયા ચોકી સામે દુકાને આપવા જતો હતો ત્યારે રસ્તામાં ’મુઝે પેરમે ચોટ લગી હે, આગે તક છોડ દે’ કહીં એક શખ્સ એક્ટિવામાં બેસી ગયો અને થોડે આગળ એક્ટિવા ચાલી બાદ ’ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા’ કહીં યુવકને લૂંટી શખ્સ નાસી છૂટ્યો હતો. ઘટનાથી જાણ થતા એ ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો દોડી હતી અને સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ રાજકોટમાં માંડવી ચોક પાસે બાલાજી તારવાળાની દુકાનમાં રહેતાં સચિન મુલારામ મીણા ઉ.19એ અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તે તેમના ઓળખીતા ઉમેદારામ ચૌહાણ સાથે રહી સોનીકામમાં મજુરી કરે છે ગઈકાલે યુવક અને તેના શેઠ ઉમેદારામ ચૌહાણ દુકાનમાં હાજર હતાં ત્યારે તેના શેઠે સોનાના તારની લગડી બનાવવાની હોય જેથી ફાઇન સોનુ આશરે 33 ગ્રામ નિર્મલભાઈ પરમાર પાસેથી તેની દુકાન કોઠારીયા ચોકીની સામે લેવા માટે શેઠ ઉમેદારામની એકટીવા લઇને ગયો હતો ત્યાર બાદ આ સોનાના તારની લગડી તૈયાર થઇ જતા તેને આપવા માટે સાડા નવેક વાગ્યે શેઠનું એકટીવા લઈને પેન્ટના ખિસ્સામા સોનાના તારની લગડી રાખી નીકળ્યો હતો દરમિયાન દુકાનથી થોડે આગળ એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને મુઝે પેરમે ચોટ લગી હે, આગે તક છોડ દે તેમ કહી તે પાછળ બેસી ગયો હતો થોડી જ આગળ એકટીવા ચલાવતા તે હીન્દમાં કહેવા લાગ્યો કે, ચિલ્લાયા તો ચાકુ લગા દુંગા અને તેના હાથમા એક રૂમાલમા કોઈ અણીદાર હથિયાર જેવુ લાગતા અણી અડાડી મારવાની ધમકી આપતા યુવકે ગાડી આગળ ચલાવી હતી ત્યાર બાદ માંડવી ચોકના ઢાળીયા આગળ એકટીવા ઘુમા તેવો ઇશારો કરતા યુવકે માંડવી ચોકના ઢાળીયા આગળ ગાડી લઇ ગયેલ અને તે શખ્સે યુવકના પેન્ટના ખિસ્સામાંથી સોનાના તારની લગડી કાઢી લીધેલ હતી અને આસોપાલવ જવેલર્સની સામે એકદમ ઉભી રખાવેલ અને જતા જતા કહેલ કે, એકટીવા મોડ કે પીછે ભાગ જા નહી, તો ચાકુ ઘુસા દુંગા તેમ બોલી ચાલતો ચાલતો ઢાળીયો ઉતરી ગયો હતો તે ગભરાઇ જતા એકટીવા પાછળ વાળી થોડીક આગળ જઇ શેઠ ઉમેદારામ ચૌહાણને ફોન કરી બોલાવ્યા હતા શેઠ થોડી વારમા આવી ગયેલ અને બનાવની જાણ કરી હતી. ત્યાર બાદ સોનાના તારવાળી લગડી આશરે 43 ગ્રામ 16 કેરેટ આશરે 4 લાખ જે કોઇ અજાણ્યો શખ્સ લૂંટ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત મુજબ લૂંટ કરનાર શખ્સ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
વારાણસીથી રેલ્વે પાર્સલમાં આવેલો 14.53 લાખનો કિંમતી ધાતુનો જથ્થો ઝડપાયો : જીએસટીના બિલિંગથી બચવા રાજકોટના કાર્ગો સંચાલકનું કારસ્તાન : રાજકોટ રેલ્વે પોલીસ જીએસટી વિભાગ સાથે મળી કરશે કડક કાર્યવાહી
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી વારાણસીથી પાર્સલમાં મોકલવામાં આવેલો 14.53 લાખનો કિંમતી ધાતુનો શંકાસ્પદ જથ્થો રેલવે પોલીસની ટીમે ઝડપી લીધો હતો. આ કિંમતી ધાતુ અંગે પોલીસે તપાસ કરતા રાજકોટના ઉદય કાર્ગોના સંચાલક દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જીએસટી ન ભરવો પડે તે માટે બિલ વગર આ માલ વારાણસીથી મંગાવ્યાનું ખૂલતા આ અંગે પોલીસે કોપરનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાર્યવાહી અર્થે જીએસટી વિભાગને જાણ કરી છે. પશ્ચિમ રેલવેના અધિક મહા નિર્દેશક કે.એન.ડામોર, એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી.જે.જાડેજા, કે.યુ.વાળા તથા ટીમના એએસઆઇ શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ, મેહુલભાઈ, મનસુખભાઈ, વિપુલભાઈ, જયવીરસિંહ, વનરાજસિંહ કોન્સ્ટેબલ સાગરભાઇ, દિવ્યરાજસિંહ સહિતના આગામી દિવાળીના તહેવારોને લઈ ટ્રેન મારફત દારૂ કે માદક પદાર્થનો જથ્થો તથા શંકાસ્પદ વસ્તુની હેરાફેરી ન થાય તે માટે તપાસમાં હતો દરમિયાન કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ અને સાગરભાઇને બાતમી મળી હતી કે, રેલવેમાં પાર્સલમાં કોઈ શંકાસ્પદ વસ્તુને હેરફેર થઈ રહી છે. જેથી પોલીસની ટીમે પાર્સલમાં તપાસ કરતા 14,53,100ની કિંમતનો 1321 કિલો કિંમતી ધાતુ કોપરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કોપરનો આ જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, શંકાસ્પદ કિંમતી ધાતુનો જથ્થો મળી રાજકોટના સંત કબીર રોડ પર આવેલા ઉદય કાર્ગો કે જેના સંચાલક પ્રકાશભાઈ હોય તેમના દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે વારાણસીથી કોપરનો આ જથ્થો અહીં પાર્સલ મારફત મગાવવામાં આવ્યો હતો. જીએસટીની ભરપાઈ ન કરવી પડે તે માટે બિલ વગર આ જથ્થો વારાણસીથી મંગાવાયો હતો.જેથી આ મામલે પોલીસે જીએસટી વિભાગ સાથે મળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલના મૂંગાવાવડી ગામે અજાણ્યા શખ્સે ખેડૂતની કારમાં કાંડી ચાંપી સળગાવી દિધી : ગોંડલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી
ગોંડલ તાલુકાના મૂંગાવાવડી ગામે ખેડૂતે ઘર પાસે પાર્ક કરેલ ક્રેટા કારને કોઈ અજાણ્યા શખ્સે કાંડી ચાંપી સળગાવી નાંખી હતી મોડી રાત્રે અજાણ્યા શખ્સે ઘાસના પુરા કાર ફરતે ગોઠવી કાંડી ચાંપી દેતા કાર સળગી ઉઠી હતી. પરીવારના સભ્યોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પણ તે પૂર્વે જ કાર ભસ્મીભુત થઇ ગઈ હતી જેથી ખેડૂતની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ગોંડલના મૂંગાવાવડી ગામે રહેતા ખેડૂત ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.51એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે ક્રેટા કાર છે આ કાર ઘરની બહાર પતરાના શેડ નીચે પાર્ક કરે છે ગઇ તા. 22ના કાર પાર્ક કરી હતી બાદ મોડી રાત્રે અઢી વાગ્યે કાકાના દીકરા મહીધરસિંહ જાડેજાએ તેને જગાડી કહેલ કે, તમારી ક્રેટા કાર સળગી રહી છે. જેથી તે તાત્કાલિક બહાર દોડી જઈને જોતા કાર સળગતી હતી બાદ પરિવારના સભ્યોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી પણ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે સળગી ગઈ હતી બાદ ગાડીની પાછળના ભાગે જારના પુળા પણ સળગેલી હાલતમાં પડ્યા હતા કારની અંદર રાખેલ આર.સી.બુક અને ઓરીજનલ લીકર પરમીટ પણ સળગી ગઈ હતી. જેથી ખેડૂતે ઘરમાં લગાવેલ સી.સી.ટી.વી. તપાસતા રાત્રે આશરે સવા બેથી અઢી વાગ્યાના અરસામા કોઈ અજાણ્યો શખ્સ ઘાસના પુરા કારની આજુબાજુમાં રાખી સળગાવતો જોવા મળ્યો હતો જેથી અજાણ્યા શખ્સે ઈરાદાપૂર્વક કારમાં આગ લગાવી 10 લાખની નુકસાની કરતા ખેડૂતે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.
સોલ્વન્ટમાં સ્ટ્રીટ લાઈટ નીચે જુગાર રમતા દસ ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે કોઠારીયા સોલ્વન્ટ ફાટકથી આગળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાત્રે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટ નીચે જુગાર રમતા સુધાંશુ ઉર્ફે ક્રિષ્ના સંજયભાઈ દીક્ષિત, શિવકુમાર કાલીપ્રસાદ સાહુ, અનુજ પપ્પુરામ ગૌતમ, મોહિત મહેશભાઈ સિનરોજા, ઈસ્તાક સમીરખાન પઠાણ, રોશનઅલી જુમાઈ મન્સૂરી, રજિતરામ આફત પાસવાન, દદન ગુપ્તેશ્વર તૂરાહા, પપ્પુ અલીરજા શેખ અને ધીરુ નનકુભાઇ ખાચરની ધરપકડ કરી 20,650 કબ્જે કર્યા છે.
પ્રનગર પોલીસે 1 લાખના દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ
રાજકોટમાં દિવાળી પર્વ ટાણે દારૂની હેરાફેરી કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઈ અને એસીપી રાધિકા ભારાઈની સૂચના અન્વયે પ્રનગર પોલીસ મથકના પીઆઇ એમ ડી મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ ડી કોઠીવારની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ચાંપરાજભાઈ ખવડ, વિશ્વજીતસિંહ ઝાલા અને તૌફિકભાઈ મંધરાને મળેલી બાતમી આધારે રેલવે સ્ટેશન રોડ ઉપ્પર રેલવે કોમ્યુનિટી હોલ સામે વોચ ગોઠવી બાતમીવાળું આઇસર અટકાવી જડતી લેતા શાકભાજી-ફ્રૂટના કેરેટમાં સંતાડેલો 99,600 રૂપિયાની દારૂની 440 નાની – મોટી બોટલ મળી આવતા આઇસર ચાલકને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે રાજસ્થાનનો શક્તિસિંહ ભેરૂસિંહ ચૌહાણ ઉ.25 હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી દારૂ, આઇસર, 50 કેરેટ સહીત 11,02,100 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાજકોટમાં આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.



