ઘી, તેલ, કઠોળ, દાળ, ચોખા, પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત તમામ વસ્તુઓમાં ભાવ વધારો થતા તહેવાર બગડશે
દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રોજીંદી વપરાશની ચીજવસ્તુઓ જેવી કે ઘી, દાળ, ચોખા સહિત રાંધણગેસના ભાવમાં કમરતોડ વધારો નોંધાયો છે જેને પરિણામે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું છે, રાંધણગેસ અને પેટ્રોલ, ડિઝલના પણ ભાવ વધ્યા છે જેથી આ વખતે દિવાળીની ઉજવણી પણ ફિક્કી બની રહે તેવી શક્યતા છે. દિનેદિને વધતી મોંઘવારીને લીધે સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગના પરિવારની મુશ્કેલી વધી રહી છે. આ તરફ, તહેવારોની મોસમમાં જ કાળાબજારિયા, સંગ્રહખોરો અને ભેળસેળિયા તત્વો બેકાબૂ બન્યા છે તેમ છતાં સરકારે મોન ધારણ કરી લીધું છે.
દિવાળી તહેવારોની રસોઈમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા દૂધ અને તેની બનાવટોના ભાવ તો વધ્યા છે. અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો થયો છે. ૧ કિલો ઘીનું કાર્ટન રૂ ૬૩૦થી વધીને સીધું રૂ.૮૦ એટલે કે, રૂ ૫૦નો સીધો વધારો થયો છે. ૫૦૦ ગ્રામ શુદ્ધ ઘી પાઉચ રૂ૩૨૫થી વધીને રૂ.૩૪૫ થયું છે. બટર ૧૦૦ ગ્રામમાં રૂ.૩ અને ૫૦૦ ગ્રામમાં રૂ.૧૫ વધ્યાં છે. એક તરફ ભાવ આસમાને છે તો બીજી તરફ તહેરોના સમયે બજારમાંથી અસલી ઘી ગાયબ થઈ ગયું છે એટલે જ બીજી તરફ, ભેળસેળ ઘી નો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. બજારમાં વિવિધ કઠોળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે જેમકે, તુવેર દાળના કિલોએ રૂ. ૧૦૦થી વધીને સીધી રૂ.૧૩૦ થઈ છે. મગની દાળનો ભાવ રૂ.૧૨૦એ પહોંચ્યો છે. આ ઉપરાંત ચણાની દાળનો ભાવ રૂ.૮૦થી વધીને રૂ૯૫ પ્રતિ કિલો થયો છે. અડદની દાળનો કિલોનો ભાવ રૂ.૧૦૫ બોલાયો છે.
આ ઉપરાંત, વડોદરા ગેસ લિમિટેડે પણ સીજીએનમાં પ્રતિ કિલો રૂ.૧.૫૦ અને ઘરેલું પીએનજીમાં ૫૦ પૈસાનો વધારો ઝીંક્યો છે. દિવાળી પહેલાં લેવાયેલા આ નિર્ણયને કારણે રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો, સ્કૂલ વાન ચાલકો અને નાના પરિવહનકારો આર્થિક રીતે બેઠા થઈ શકે તેમ નથી. ૧ નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ રૂ. ૧૦થી ૧૭ સુધીનો વધારો કરાયો છે. અમદાવાદમાં પેટ્રોલ આશરે રૂ.૧૦૨ અને ડીઝલ આશરે રૂ૮૨ પ્રતિ લિટરના ઊંચા સ્તરે વેચાઈ રહ્યું છે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે ત્યારે ઘણાં એવા પરિવારો છે, મર્યાદિત આવક વચ્ચે દિવાળીની ઉજવણી કઈ રીતે કરવી એ પણ મોટો સવાલ છે. કાળાબજારિયા, સંગ્રહખોરો અને ભેળસેળિયાઓ તકનો ભરપૂર લાભ મેળવી રહ્યા છે ત્યારે આમ જનતા કારમી મોંઘવારીમાં પીસાઈ રહી છે.



