રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજકોટ મનપાના પદાધિકારીઓએ નીરના વધામણાં કર્યાઃ દૈનિક 35 MCFT પાણીની આવક શરૂ
દિવાળીના તહેવારો ટાણે જ રાજકોટવાસીઓને મોટી રાહત: ડેમોમાં નર્મદાના નીર ઠલવાતાં હવે પાણીકાપનું સંકટ ટળ્યું
- Advertisement -
રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં “સૌની યોજના” મારફત નર્મદા મૈયાના નીરનું આગમન થયું છે. રાજકોટ શહેરના નાગરિકોને પીવાના પાણીની પૂરતી સુવિધા મળી રહે, ઉનાળાના દિવસોમાં પાણીની અછતનો સામનો કરવો ન પડે તેમજ શહેરની નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા બંને ડેમમાં પાણીની આવક શરૂ કરવામાં આવી છે. આ અવસરે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જળાશયો ખાતે ઉપસ્થિત રહી નીરના હર્ષભેર વધામણાં કર્યા હતા. શહેરની વધતી જતી વસ્તી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંને ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે રાજકોટ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના મારફત આજી-૧ અને ન્યારી-૧ ડેમ માટે કુલ ૪૦૦૦ MCFT જળજથ્થો ફાળવવા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને અનુરૂપ પ્રથમ તબક્કામાં બંને ડેમ માટે કુલ ૫૬૦ MCFT જળજથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે બીજા તબક્કામાં બંને ડેમમાં નિયમિત પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આજી-૧ ડેમમાં પ્રતિદિન ૨૦ MCFT તથા ન્યારી-૧ ડેમમાં પ્રતિદિન ૧૫ MCFT મળીને કુલ દૈનિક ૩૫ MCFT નર્મદાના નીરની આવક થઈ રહી છે.
હાલની જળસંગ્રહ સ્થિતિ જોઈએ તો, ૨૯ ફૂટની પૂર્ણ સપાટી અને ૯૧૮ MCFT ક્ષમતા ધરાવતા આજી-૧ ડેમનું હાલનું જળસ્તર ૨૦.૫૭ ફૂટ અને જળસંગ્રહ ૪૩૫ MCFT છે, જ્યારે ૨૫ ફૂટની પૂર્ણ સપાટી અને ૧૨૪૮ MCFT ક્ષમતા ધરાવતા ન્યારી-૧ ડેમનું હાલનું જળસ્તર ૧૪.૨૭ ફૂટ અને જળસંગ્રહ ૩૬૫ MCFT નોંધાયો છે. નર્મદાના નીરની નિયમિત આવકથી બંને જળાશયોના જળસ્તરમાં ક્રમશઃ વધારો થશે.આ પ્રસંગે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા તેમજ મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
રોજેરોજ ઠલવાશે 35 MCFT પાણી
મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કુલ ૪૦૦૦ MCFT પાણીની માંગણી કરવામાં આવી હતી, જે પૈકી પ્રથમ તબક્કામાં ૫૬૦ MCFT જળ જથ્થો પૂરો પડાયો હતો. હવે બીજા તબક્કામાં દૈનિક કુલ ૩૫ MCFT પાણી બંને ડેમમાં ઠલવાઈ રહ્યું છે:
- આજી-૧ ડેમ: પ્રતિદિન 20 MCFT
- ન્યારી-૧ ડેમ: પ્રતિદિન 15 MCFT




