લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને બંગડી બજારમાં ખરીદીનો ભારે માહોલ
હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે વેપારીઓના ચહેરા પર ખુશી છવાઈ
- Advertisement -
સૌરાષ્ટ્રભરમાં ખરીદી માટે વિશેષ ઓળખ ધરાવતા રાજકોટના ઐતિહાસિક બજારોમાં દિવાળીના તહેવાર પૂર્વે જ ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને બંગડી બજાર સહિતના વિસ્તારોમાં ખરીદારોનાં ઘોડાપૂર ઊમટી રહ્યાં છે. નવેમ્બર મહિનાની શરૂઆતથી જ બજારોમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે અને વેપારીઓના ચહેરા પર પણ તહેવારની ખુશી છવાઈ ગઈ છે.
છેલ્લા ચાર દિવસથી બજારોમાં ખરીદી માટે લોકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. સવારથી મોડી સાંજ સુધી બજારોમાં લોકોની ભીડ જામી રહે છે. ખાસ કરીને સાંજના સમયે તો બજારોમાં પગ મૂકવાની પણ જગ્યા ન રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને નવા કપડાં, ફેશન એસેસરીઝ અને દિવાળીના તહેવારને લગતી વિવિધ વસ્તુઓની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
છેલ્લા ચાર દિવસથી લોકોએ ખરીદી માટે બજારમાં રીતસરની દોટ મૂકી છે. રોજના એક લાખથી વધુ ખરીદદારો બજારમાં આવી રહ્યા છે. બજારમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને લોકો પરિવાર સાથે ખરીદી કરવા આવી રહ્યા છે, જેના કારણે વેપાર-ધંધામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
રાજકોટના આ ઐતિહાસિક બજારો વર્ષોથી સૌરાષ્ટ્રના ગ્રાહકો માટે ખરીદીનું મહત્વનું કેન્દ્ર રહ્યાં છે. રાજકોટ ઉપરાંત આસપાસના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો તહેવારની ખરીદી માટે અહીં પહોંચે છે. પરંપરાગત બજારોમાં વિવિધ પ્રકારની દુકાનો, વસ્તુઓની વિશાળ શ્રેણી અને ખરીદીની સુવિધાને કારણે દર વર્ષે દિવાળી દરમિયાન અહીં વિશેષ ભીડ જોવા મળે છે.
બીજી તરફ, ખરીદારોની સંખ્યામાં થયેલા વધારાની સીધી અસર ટ્રાફિક વ્યવસ્થા પર પણ પડી રહી છે. મુખ્ય બજારોના માર્ગો પર વાહનોની લાંબી કતારો અને સતત અવરજવરને કારણે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. તેમ છતાં ખરીદીનો ઉત્સાહ ઓછો થતો નથી. તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત લોકો બજારોમાં પહોંચી પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી રહ્યા છે.
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં આગામી દિવસોમાં બજારોમાં ખરીદીનો ધસારો હજુ વધવાની શક્યતા છે. હાલની સ્થિતિ જોતાં રાજકોટના ઐતિહાસિક બજારોમાં દિવાળીની ખરીદીનો માહોલ જામી ગયો છે અને વેપારીઓ માટે પણ આ તહેવાર સારી ઘરાકી લઈને આવ્યો હોવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



