NDPS એક્ટની જોગવાઈઓના પાલનમાં ક્ષતિ, મુદ્દામાલની કસ્ટડી અને FSLના પુરાવા અંગે બચાવપક્ષે ઉઠાવેલા સવાલો બન્યા નિર્ણાયક
રાજકોટમાં હેરોઈનના જથ્થા સાથે માતા-પુત્રને પકડી પાડવાના વર્ષ 2019ના NDPS કેસમાં સેશન્સ અદાલતે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને તપાસની પ્રક્રિયા સામે બચાવપક્ષે ઉઠાવેલા કાયદાકીય સવાલો તથા પુરાવાઓની વિશ્વસનીયતા અંગેની રજૂઆતોને ધ્યાને લઈને અદાલતે આ ચુકાદો આપ્યો છે.
- Advertisement -
આ કેસની વિગત મુજબ, તા. 16 એપ્રિલ, 2019ના રોજ DCB પોલીસ સ્ટેશનના PSI એ.એસ. સોનારા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જંગલેશ્વરમાં રહેતા રફીક ઈબ્રાહીમભાઈ બેલીમ અને તેમની માતા જુબેદાબેન ઈબ્રાહીમભાઈ બેલીમ પોતાના કબજામાં માદક પદાર્થ રાખીને એક્ટિવા પર દેવપરા ચોક પાસેથી પોતાના ઘર તરફ જવાના છે.
આ બાતમીના આધારે DCB પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો અને એક્ટિવા પર જઈ રહેલા માતા-પુત્રને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. NDPS એક્ટની જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બંનેની તલાશી લેવામાં આવી હતી, જેમાં માદક પદાર્થ મળી આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. આ પદાર્થની ચોક્કસ ઓળખ માટે સ્થળ પર FSLની ટીમને બોલાવવામાં આવી હતી. FSLની તપાસમાં પદાર્થ હેરોઈન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેનું વજન કરવામાં આવતાં કુલ 223.370 ગ્રામ હેરોઈન હોવાનું નોંધાયું હતું. પોલીસે આ જથ્થો કબજે કરી સીલબંધ કરીને FSLમાં મોકલ્યો હતો.
આ મામલે DCB પોલીસ સ્ટેશનમાં રફીક બેલીમ અને તેમની માતા જુબેદાબેન બેલીમ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 21 અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી, ધરપકડ અને પંચનામા પૂર્ણ કર્યા બાદ બંને આરોપીઓ સામે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
- Advertisement -
કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફથી કુલ આઠ સાહેદોની જુબાની લેવામાં આવી હતી તેમજ વિવિધ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, અંતિમ દલીલો દરમિયાન આરોપીઓ તરફે બચાવપક્ષના વકીલોએ પોલીસની તપાસ અને NDPS એક્ટની જોગવાઈઓના પાલન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
બચાવપક્ષે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા NDPS એક્ટની તમામ કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા માદક પદાર્થનો રંગ અને FSLમાં મોકલવામાં આવેલા પદાર્થના રંગમાં તફાવત જણાતો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ અંગે કાયદેસરની ઇન્વેન્ટરી તૈયાર કરવામાં આવી ન હોવાનું અને મુદ્દામાલ કબજે કર્યા બાદ તે કોની કસ્ટડીમાં રહ્યો હતો તે અંગે પ્રોસિક્યુશન દ્વારા સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો ન હોવાનું અદાલતના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું.
વધુમાં, FSLમાં મોકલવામાં આવેલા મુદ્દામાલમાંથી બાકી રહેલો જથ્થો પરત આવ્યો હતો કે તેનો કાયદેસર નિકાલ કરવામાં આવ્યો હતો તે અંગે પણ રેકોર્ડ પર સ્પષ્ટતા ન હોવાનું બચાવપક્ષે જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી ખરેખર કોઈ માદક પદાર્થ મળી આવ્યો ન હોવા છતાં તેમને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યા હોવાની દલીલ સાથે નિર્દોષ છોડી મૂકવાની માગણી કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો, પોલીસ તપાસના કાગળો, રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને સેશન્સ અદાલતે સમગ્ર કેસનું મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ અદાલતે આરોપીઓ રફીક ઈબ્રાહીમભાઈ બેલીમ અને તેમની માતા જુબેદાબેન ઈબ્રાહીમભાઈ બેલીમને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફથી રાજકોટના યુવા ધારાશાસ્ત્રીઓ ભગીરથસિંહ ડોડીયા, વિશ્વજીતસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન એચ. જોષી, જયવિર બારૈયા, ધવલ પુરોહિત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, યશ ખેર, જય અકબરી, સહદેવસિંહ રાઠોડ, વિવેક ખુંટ, યુવરાજ સાકરીયા, કૌશલરાજસિંહ વાળા અને દિગ્પાલસિંહ જાડેજા સહિતના ધારાશાસ્ત્રીઓ રોકાયા હતા.



