સરકારના શૈક્ષણિક કેલેન્ડર મુજબ 21 દિવસના વેકેશન છતાં 15 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ સામે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતનો વિરોધ
ડીઈઓ મૂકપ્રેક્ષક બન્યા હોવાનો આક્ષેપ; જો શાળાઓ મનસ્વી રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરશે તો વિદ્યાર્થીહિતમાં ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી
- Advertisement -
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ રાજ્યની શાળાઓ માટે દિવાળી વેકેશનની તારીખો ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી જાહેર કરવામાં આવી છે. એટલે કે કુલ ૨૧ દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ ર૬ નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થવાનું છે. તેમ છતાં રાજકોટની અનેક ખાનગી શાળાઓ દ્વારા ૧૫ નવેમ્બરથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જો સરકારના શિક્ષણ વિભાગના વેકેશનના પરિપત્રનો અમલ જ ખાનગી શાળાઓ પાસે કરાવી શકાતો ન હોય તો આવા પરિપત્રોનો અર્થ શું? દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકા માત્ર મૂકપ્રેક્ષક પૂરતી જ સીમિત રહી હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અમારી પાસે વિદ્યાર્થીઓ દ્વારા સતત ફરિયાદો આવી રહી છે કે તેમને સરકાર દ્વારા જાહેર કરાયેલું સંપૂર્ણ વેકેશન આપવામાં આવે. વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખીને કોંગ્રેસ દ્વારા તમામ ખાનગી શાળાઓને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. જો કોઈ શાળા સરકારના પરિપત્રની અવગણના કરીને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ કરશે તો તેની સામે વિદ્યાર્થીહિતમાં ઉગ્ર વિરોધ અને હલ્લાબોલ કરવામાં આવશે.
રાજપૂતે જણાવ્યુ હતું કે સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકાર 1219 વેકેશનની તારીખો નક્કી કરવામાં આવી છે ત્યારે ખાનગી શાળાઓને પોતાની મરજી મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની છૂટ કોણે આપી? શું ખાનગી શાળાઓ માટે સરકારના નિયમો લાગુ પડતા નથી? જો દરેક શાળા પોતાની અનુકૂળતા મુજબ વૈકેશન નક્કી કરવા લાગે તો રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર અને શિક્ષણ વિભાગના આદેશનું ઔચિત્ય જ શું રહે? જિલ્લા શિક્ષણાધિકારીએ માત્ર ફરિયાદોની રાહ જોવાને બદલે અગાઉથી તમામ શાળાઓને સ્પષ્ટ સૂચના આપવી જોઈએ. હાજરી, આંતરિક મૂલ્યાંકન કે અભ્યાસક્રમ કરવાના નામે ખાનગી શાળાઓ દ્વારા વેકેશન દરમિયાન વધારાના વર્ગો, પરીક્ષાઓ કે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓના નામે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવે છે કે કેમ તેની પણ શિક્ષણ વિભાગે તપાસ કરવી જોઈએ. ઘણી વખત શાળાની પર પરોક્ષ દબાણ ઊભું વિદ્યાર્થીઓ અને વાલીઓ કરવામાં આવે છે. વાલીઓ પણ શાળા સામે અવાજ ઉઠાવતાં પોતાના બાળકના અભ્યાસને નુકસાન થશે તેવી ચિંતાને કારણે મૌન રહેવા મજબૂર બને છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવવી જરૂરી છે.
એક તરફ રાજ્ય સરકાર ભાર વગરનું ભણતર’ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની વાતો કરે છે, જ્યારે બીજી તરફ ખાનગી શાળાઓ વચ્ચેની હરીફાઈમાં બાળકોને સતત અભ્યાસના ભારણ હેઠળ પીસવામાં આવી રહ્યાં છે. દિવાળી વેકેશનનો હેતુ માત્ર શાળામાંથી રજા આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી મુક્તિ મળે, તેઓ પરિવાર સાથે સમય વિતાવી શકે, પ્રવાસ કરી શકે અને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે તે પણ એટલું જ જરૂરી છે. રાજપુતે જણાવ્યુ હતુ કે આજના સમયમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને અભ્યાસના દબાણને કારણે આત્મહત્યાના કિસ્સાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જાળવણી પણ શિક્ષણ જેટલી જ મહત્વપૂર્ણ છે. બાળકોને માત્ર પરીક્ષાના પરિણામો, ગુણ અને સ્પર્ધાની દોડમાં ધકેલવાને બદલે તેમને પૂરતો આરામ, પરિવારનો સાથ અને પોતાની રુચિ મુજબની પ્રવૃત્તિઓ માટે સમય મળવો જોઈએ. શિક્ષણનો હેતુ માત્ર સારા ગુણ મેળવવાનો નહીં, પરંતુ સ્વસ્થ અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાનો પણ છે.



