મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા ખાસ એક્શન પ્લાન તૈયાર
સામાન્ય દિવસોમાં 5,500થી 6,000 કોલની સામે તહેવારોમાં ઇમરજન્સી કોલનો આંકડો 7,500 સુધી પહોંચવાની શક્યતા
- Advertisement -
દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા, આગ લાગવા, વાહન અકસ્માતો તેમજ અન્ય મેડિકલ ઇમરજન્સીના બનાવોમાં વધારો થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસોમાં દાઝી જવાના, અકસ્માત, ઝેરી પદાર્થ પીવાના અને હૃદયરોગ સહિતની ઇમરજન્સીના કેસોમાં વધારો થતો હોય છે. આવા સંજોગોમાં દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થતી 108 ઇમરજન્સી સેવા દ્વારા આ વર્ષે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં અંદાજે 1,500 એમ્બ્યુલન્સ અને 6,000 જેટલો સ્ટાફ તહેવારો દરમિયાન ખડેપગે રહેશે. ગુજરાત 108 ઇમરજન્સી સર્વિસના CEO જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં રાજ્યભરમાં 108 સેવા દ્વારા દરરોજ સરેરાશ 5,500થી 6,000 ઇમરજન્સી કોલ હેન્ડલ કરવામાં આવે છે, પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન આ આંકડો વધીને અંદાજે 7,500 સુધી પહોંચી શકે છે. એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કોલમાં આશરે 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનવબળ, દવાઓ, એમ્બ્યુલન્સની જાળવણી, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ફિલ્ડ મેનેજમેન્ટ સહિતની તમામ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી 108 ઇમરજન્સી સેવા કાર્યરત છે. દર વર્ષે કયા સમયે, કયા જિલ્લામાં અને કયા પ્રકારની ઇમરજન્સીના કેસોમાં વધારો થઈ શકે તેનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરવામાં આવે છે. આ ફોરકાસ્ટના આધારે જરૂરી સંસાધનોનું આયોજન કરવામાં આવે છે. તહેવારો દરમિયાન કોલની સંખ્યામાં વધારો થાય ત્યારે ઝડપી પ્રતિસાદ આપી શકાય તે માટે કઠવાડા સ્થિત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં જરૂરિયાત મુજબ વધારાના ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર, ટીમ લીડર અને ફિઝિશિયનોની નિમણૂક કરવામાં આવે છે.
હોટસ્પોટના આધારે એમ્બ્યુલન્સનું ડાયનેમિક રિલોકેશન
108ની કામગીરીમાં દર્દી સુધી શક્ય તેટલા ઓછા સમયમાં પહોંચવું સૌથી મહત્ત્વનું હોવાથી ગૂગલ હોટસ્પોટ્સની થિયરીના આધારે અકસ્માત અને ઇમરજન્સીના બનાવો વધુ બનતા વિસ્તારોની ઓળખ કરવામાં આવે છે. આ વિસ્તારોમાં એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે તેનું ડાયનેમિક રિલોકેશન કરવામાં આવે છે. એટલે કે જે સ્થળે ઇમરજન્સી કોલ આવવાની સંભાવના વધુ હોય ત્યાં એમ્બ્યુલન્સને અગાઉથી તહેનાત કરવામાં આવે છે, જેથી કોલ મળતાની સાથે જ દર્દી કે અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિ સુધી ઝડપથી પહોંચી શકાય. દિવાળીનું પર્વ ગુજરાતમાં સાત દિવસ સુધી ચાલતું હોવાથી આ સમયગાળા દરમિયાન ખાનગી હોસ્પિટલો અને તબીબોની ઉપલબ્ધતામાં પણ ફેરફાર થતો હોય છે. અનેક ખાનગી હોસ્પિટલો બંધ રહેતી હોય અથવા તબીબો રજાઓ પર હોવાથી મેડિકલ ઇમરજન્સીના સમયે 108ની જવાબદારી વધી જાય છે.
112 નંબર હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર
આ વર્ષે 112 ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી સર્વિસ પણ તહેવારો દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વ્યવસ્થા હેઠળ પોલીસની 100 નંબરની સેવા, ફાયરની 101 નંબરની સેવા, મેડિકલ ઇમરજન્સીની 108 સેવા, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 1070 અને 1077 જેવી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવી છે. હવે રાજ્યમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય ત્યારે નાગરિકો 112 નંબર ડાયલ કરીને જરૂરી મદદ મેળવી શકે છે. કોલ સેન્ટર દ્વારા ઘટનાની ગંભીરતા અને જરૂરિયાતના આધારે પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે મહિલા સુરક્ષા સહિતની સંબંધિત ટીમને તાત્કાલિક સક્રિય કરી શકાય છે. આ સંકલિત વ્યવસ્થાનો મુખ્ય હેતુ ઇમરજન્સી સમયે અલગ-અલગ નંબરો શોધવાની જરૂરિયાત ઘટાડવા અને મદદ પહોંચાડવાનો સમય ઓછો કરવાનો છે.
- Advertisement -
દાઝી જવાના કેસમાં વિશેષ તાલીમ અને સારવારની વ્યવસ્થા
દિવાળી દરમિયાન ફટાકડાથી દાઝી જવાના બનાવો વધતા હોવાથી 108 દ્વારા બર્ન્સ કેસ માટે પણ વિશેષ તૈયારી કરી છે. દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે બર્ન્સ વોર્ડ ધરાવતી હોસ્પિટલો સાથે સંકલન કરવામાં આવે છે. એમ્બ્યુલન્સમાં વૂન્ડ કેર માટેની જરૂરી સામગ્રી અને બર્ન્સની સારવારમાં ઉપયોગી ઓઇન્ટમેન્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા પહેલાં જરૂરી પ્રી-હોસ્પિટલ કેર કેવી રીતે આપવી તેની તાલીમ પેરામેડિક્સને આપવામાં આવે છે. એમ્બ્યુલન્સમાં એર કન્ડિશનિંગની સુવિધા સહિત દર્દીને શક્ય તેટલી રાહત મળે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. કાર્ડિયાક અરેસ્ટ, ગર્ભાવસ્થા સંબંધિત ઇમરજન્સી, ટ્રોમા અને બર્ન્સ જેવા વિવિધ પ્રકારના કેસોમાં અસરકારક પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે એમ્બ્યુલન્સને જરૂરી સાધનોથી સજ્જ રાખવામાં આવી છે.
108 એમ્બ્યુલન્સનો રિસ્પોન્સ ટાઈમ ઘટીને 11 થી 12 મિનિટ થયો
ગુજરાતના પી.એચ.સી., સી.એચ.સી.માંથી જે સારા એમ્બ્યુલન્સીસ હતા એને પણ અમારી 108ની સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરવાથી લગભગ અમારી 1500 જેટલી એમ્બ્યુલન્સીસ ગુજરાતમાં કાર્યરત છે, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઇમ પણ જે 15-16 મિનિટ હતો એ ઘટીને 11 થી 12 મિનિટ અને શહેરોમાં તો લેસ ધેન 10 મિનિટ્સ રિસ્પોન્સ ટાઇમ અમે પહોંચી શક્યા છીએ.



