કટોકટી, ઇન્દિરા ગાંધીના ચૂંટણી વિવાદથી લઈને ગુજરાતમાં સરકારોની ઉથલપાથલ સુધીના મુદ્દા ઉઠાવી પૂર્વ મંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો
NDA સરકાર સામે આક્ષેપો કરતાં પહેલાં ભૂતકાળ યાદ રાખવા ટકોર
- Advertisement -
એન.ડી.એ. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર સામે આંગળી ચીંધતી તથા નૈતિકતાની વાતો કરતી કોંગ્રેસે પહેલાં પોતાના ઇતિહાસના અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ તેવી ટકોર પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કરી છે. એક અખબારી યાદીમાં તેમણે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બનેલી રાજકીય ઘટનાઓ, ઇન્દિરા ગાંધીના કાર્યકાળ, 1975ની કટોકટી અને ગુજરાતમાં સરકારોની ઉથલપાથલ સહિતના મુદ્દાઓ ઉઠાવી કોંગ્રેસની ટીકા કરી હતી.
ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1970માં મહાત્મા ગાંધીના યુગનો અંત આવ્યો અને કોંગ્રેસમાં ઇન્દિરા ગાંધીવાદની શરૂઆત થઈ હતી. કોંગ્રેસ પક્ષે નક્કી કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી સામે વી.વી. ગીરીને મેદાનમાં ઉતારી પક્ષની આંતરિક પરંપરાને પડકારવામાં આવી હતી. આ ઘટનાને ટાંકીને તેમણે સવાલ કર્યો હતો કે, પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવવાની સ્થિતિ કોણે ઊભી કરી હતી? આ ઉપરાંત આઝાદીની લડતમાં યોગદાન આપનારા મોરારજી દેસાઈ, ઇન્દુભાઈ પટેલ અને બાબુભાઈ જે. પટેલ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1971ની લોકસભા ચૂંટણીમાં ‘ગરીબી હટાવો’ના નારા સાથે કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. જોકે, ઇન્દિરા ગાંધીની ચૂંટણીને સમાજવાદી નેતા રાજનારાયણે કોર્ટમાં પડકારી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણીમાં ગેરરીતિઓના મુદ્દે ચુકાદો આપતાં ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ત્યારબાદ સત્તા જાળવી રાખવા માટે 25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન અનેક રાજકીય નેતાઓ અને વિરોધીઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા તેમજ પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી હતી. કોંગ્રેસના શાસનકાળની આ ઘટનાઓને તેમણે લોકશાહી ઇતિહાસના મહત્વના પ્રસંગો ગણાવ્યા હતા.
- Advertisement -
ગુજરાતના રાજકીય ઇતિહાસનો ઉલ્લેખ કરતાં ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, 1971માં ગુજરાતમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતી મળી હતી અને તેમાં ચીમનભાઈ પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નહોતા. ત્યારબાદ ચીમનભાઈ પટેલે બળવો કરીને પંચવટી ફાર્મ ખાતે બહુમતી ધારાસભ્યોને એકત્રિત કર્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. તેમના મતે ત્યારબાદ સર્જાયેલા નવનિર્માણ આંદોલન અને ચીમનભાઈ પટેલની સરકાર પદભ્રષ્ટ થવા પાછળની રાજકીય પરિસ્થિતિઓનો પણ કોંગ્રેસે જવાબ આપવો જોઈએ.
પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તત્કાલીન કેન્દ્ર સરકારને અનુકૂળ ન હોય તેવી અનેક રાજ્ય સરકારોને સત્તાના જોરે દૂર કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આ તમામ ઘટનાઓ કોંગ્રેસના રાજકીય ઇતિહાસનો ભાગ છે, જેને ભૂલીને વર્તમાન સરકાર સામે નૈતિકતાના સવાલો ઉઠાવવા યોગ્ય નથી.
નિવેદનના અંતે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે કોંગ્રેસે ભૂતકાળમાં જે રાજકીય પગલાં લીધાં હતાં, તે હદ સુધી વર્તમાન સરકાર જતી નથી. તેથી એન.ડી.એ. સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી સામે આક્ષેપો કરતાં પહેલાં કોંગ્રેસના આગેવાનોએ પોતાના પક્ષના શાસનકાળના ઇતિહાસમાં ડોકિયું કરવું જોઈએ. કોંગ્રેસના નેતાઓએ નૈતિકતાના પાઠ ભણાવતાં પહેલાં પોતાના ભૂતકાળનો પણ વિચાર કરવો જોઈએ તેવી ટકોર સાથે તેમણે નિવેદન પૂર્ણ કર્યું હતું.



