મિલકત અને પાણી વેરામાં 10 હજાર સુધીની વ્યાજ માફી યોજના 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ
મનપાનો મોટો નિર્ણય: વેરો ન ભરનારા કરદાતાઓ માટે વ્યાજ માફી યોજના અમલી, તિજોરી ભરવા કવાયત
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકત વેરો અને પાણી વેરો ન ભર્યો હોય તેવા બાકીદારો માટે અમલમાં મુકાયેલી વ્યાજ માફી યોજનાની મુદત આગામી 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સામાન્ય કરદાતાઓને મિલકત વેરામાં ₹5,000 અને પાણી વેરામાં 5,000 મળી કુલ 10,000 સુધીની વ્યાજ માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સમ્પ કનેક્શન ધરાવતા ફ્લેટ ધારકોને આ યોજનામાં પૂરતો ફાયદો ન મળતો હોવાની અને અન્યાય થતો હોવાની રજૂઆતો મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચી હતી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખી તંત્ર દ્વારા 1 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના સમ્પ કનેક્શન ધરાવતી ઇમારતો માટે 30 હજારથી લઈને ₹3.75 લાખ સુધીની વ્યાજ માફી આપવાની મંજૂરી આપવામાં આવી છે, જેનો લાભ પણ આગામી 31 ડિસેમ્બર સુધી મેળવી શકાશે.
વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અગાઉ જનરલ બોર્ડમાં ઠરાવ કરાયો હતો કે જે મિલકત ધારકોની વેરાની મૂળ મુદ્દલ કરતાં વ્યાજ વધી ગયું હોય, તેમની પાસેથી માત્ર મુદ્દલ જેટલું જ વ્યાજ વસૂલવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015થી ચાર માળ સુધીના લો-રાઇઝ બિલ્ડિંગોમાં 1 થી 1.5 ઇંચના સમ્પ કનેક્શન આપવાનું શરૂ કરાયું હતું. સમય જતાં શહેરી વિકાસ સાથે હાઇ-રાઇઝ બિલ્ડિંગો અને સરકારી કચેરીઓ વધતાં હવે 4 ઇંચ સુધીના સમ્પ કનેક્શન આપવામાં આવે છે.
રાજકોટ મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં શહેરના અંદાજે 6 લાખ કરદાતાઓ પાસેથી મિલકત વેરા પેટે 438 કરોડની આવક મેળવવાનો અંદાજ નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં અંદાજે 247 કરોડ જેટલી વસૂલાત થઈ શકી છે. નવેમ્બર મહિનો શરૂ થઈ ચૂક્યો હોય અને નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 5 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે વેરા વસૂલાત શાખા 439 કરોડનો લક્ષ્યાંક પાર પાડવા સઘન પ્રયાસો કરી રહી છે. મનપાની તિજોરી ભરવા અને લાંબા સમયથી બાકી રહેલો વેરો ઝડપથી વસૂલ થાય તે હેતુથી વ્યાજ માફીની આ સુવિધા પુનઃ લંબાવીને કરદાતાઓને રાહત આપવામાં આવી છે.
- Advertisement -
ફ્લેટની સંખ્યા કનેક્શન સાઈઝ વ્યાજમાફી
4 થી 6 એક ઇંચ 30,000
7 થી 13 દોઢ ઇંચ 65,000
14 થી 20 બે ઇંચ 1,00,000
21 થી 30 અઢી ઇંચ 1,50,000
31 થી 45 ત્રણ ઇંચ 2,25,000
46 થી 75 ચાર ઇંચ 3,75,000




