દેશનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારીએ વિદ્યાર્થીઓ અને મહિલા પોલીસ અધિકારીઓ સાથે કરી વાતચીત; વિદ્યાર્થિનીઓને અપાશે સહયોગ
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે ભારતીય પોલીસ સેવામાં જોડાનાર દેશનાં પ્રથમ મહિલા અધિકારી અને પુડુચેરીનાં ભૂતપૂર્વ ઉપરાજયપાલ ડો. કિરણ બેદીની વિશેષ ઉપસ્થિતિમાં લીડરશિપ, એથિક્સ અને મહિલા સશક્તિકરણ અંગે એક પ્રેરણાદાયી સેશન યોજાયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેકલ્ટી મેમ્બર્સ તેમજ જાહેર સુરક્ષાની જવાબદારી નિભાવતી સ્થાનિક મહિલા પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેશનમાં યુથ લીડરશિપ, નાગરિક જવાબદારી અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે આ સ્કોલરશિપ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓને હાયર એજ્યુકેશન માટે જરૂરી સંસાધનો અને સહયોગ મળી રહેશે. સ્કોલરશિપ અંગેની વધુ માહિતી યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ www.marwadiuniversity.ac.in પરથી મેળવી શકાશે.




