સંગઠન અને સત્તાથી અલિપ્ત રહેલા નેતાઓ ફરી સક્રિય થયા
દિલ્હીમાં પાટીલ સાથે મહત્વની ચર્ચા થયાની રાજકીય વર્તુળોમાં ચર્ચા
- Advertisement -
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોમાં તૈયારીઓ અને આંતરિક સમીકરણોની ચર્ચા તેજ બની રહી છે. આ માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણમાં એક નવી હલચલ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર ભાજપના જૂના જોગીઓ તરીકે ઓળખાતા ભરત બોઘરા, નીતિન ભારદ્વાજ, મુકેશ દોશી અને જયમીન ઠાકરની એકાએક દિલ્હી મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ ચારેય અગ્રણી નેતાઓએ દિલ્હીમાં ધામા નાખીને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ સુધી પોતાની વાત પહોંચાડવાની કવાયત હાથ ધરી છે. જોકે, આ મુલાકાત પાછળનો ચોક્કસ હેતુ અને તેમાં થયેલી ચર્ચાની સત્તાવાર વિગતો સામે આવી નથી. તેમ છતાં, વર્તમાન સંગઠનાત્મક સ્થિતિમાં પક્ષની સત્તા અને સંગઠનથી અલિપ્ત રહેલા આ નેતાઓની અચાનક સક્રિયતાને આગામી રાજકીય પડકારો સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ભાજપના રાજકારણમાં સંગઠનાત્મક અનુભવ અને સ્થાનિક સ્તરે કાર્યકરો સાથેના સંપર્કનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી રાજકીય અને સંગઠનાત્મક ભૂમિકા ભજવનારા આ નેતાઓની દિલ્હી મુલાકાતને કારણે પક્ષના આંતરિક વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. હાલની પરિસ્થિતિમાં આ નેતાઓ ફરી સક્રિય ભૂમિકા ભજવવા માગે છે કે પછી સંગઠન સંબંધિત કોઈ મુદ્દે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા છે, તે અંગે વિવિધ અટકળો થઈ રહી છે.
- Advertisement -
રાજકીય વિશ્લેષકોના મતે, આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષના જૂના અને અનુભવી નેતાઓની ભૂમિકા, સંગઠનની જવાબદારીઓની વહેંચણી તથા સ્થાનિક સ્તરે નેતૃત્વના સમીકરણો મહત્ત્વના બની શકે છે. જોકે, આ મુલાકાતના આધારે કોઈ ચોક્કસ રાજકીય નિર્ણય લેવાઈ ગયો હોવાનું માનવું હાલ વહેલું ગણાશે.
દિલ્હી દરબારમાં સી.આર. પાટીલ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ પણ રાજકીય વર્તુળોમાં થઈ રહ્યો છે. આ ચર્ચા બાદ સૌરાષ્ટ્ર ભાજપમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા અંગે અટકળો તેજ બની છે. જોકે, બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને તેના પરિણામે કોઈ સંગઠનાત્મક ફેરફાર થવાની સંભાવના છે કે નહીં, તે આગામી સમયમાં જાણવા મળશે .




