ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટથી પત્રકારત્વ સામે પડકારો અંગે પુરષોતમ પીપળિયાએ વિચારો રજૂ કર્યા
ગોપનીયતાના રક્ષણ અને જાહેર હિત વચ્ચે સંતુલનનો સવાલ
- Advertisement -
RTIમાં સુધારા, સોર્સની ગુપ્તતા અને કરોડોના દંડની જોગવાઈઓને લઈને ચિંતા
લોકશાહીમાં સંસદ, કાર્યપાલિકા, ન્યાયતંત્ર અને મીડિયા એમ ચાર સ્તંભોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ ચોથા સ્તંભનું મુખ્ય કાર્ય સત્તાને પ્રશ્નો પૂછવા, ભ્રષ્ટાચારને ઉજાગર કરવો અને જનતા સુધી સાચી માહિતી પહોંચાડવાનું છે. જે નિર્ભય મીડિયા ઉજાગર કરી રહ્યુ છે તે રાહતની વાત છે. જોકે, ઓગસ્ટ ૨૦૨૩માં પસાર થયેલ ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ’ અને નવેમ્બર ૨૦૨૫માં જાહેર થયેલા તેના નિયમોએ ભારતીય પત્રકારત્વ સમક્ષ એક અભૂતપૂર્વ સંકટ ઊભું કર્યું છે. આ કાયદો વ્યક્તિગત માહિતીની સુરક્ષાના નામે પસાર કરવામાં આવ્યો હોવા છતાં, તેના અમુક વિવાદાસ્પદ પાસાઓ પત્રકારોની કામગીરી અને માહિતીના અધિકાર પર ગંભીર નકારાત્મક અસર કરી શકે તેમ છે.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, ૨૦૨૩ એ ડિજિટલ સ્વરૂપમાં રહેલા વ્યક્તિગત ડેટાના પ્રોસેસિંગને નિયંત્રિત કરવા માટેનો ભારતનો પ્રથમ વ્યાપક કાયદો છે. આ કાયદો ‘ડેટા પ્રિન્સિપલ’ (જેની માહિતી છે તે વ્યક્તિ) અને ‘ડેટા ફિડ્યુશિયરી’ (જે માહિતીનો ઉપયોગ અથવા પ્રોસેસિંગ કરે છે તે સંસ્થા અથવા વ્યક્તિ) વચ્ચેના સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. પત્રકારત્વના કિસ્સામાં, જ્યારે કોઈ પત્રકાર અથવા ન્યૂઝ સંસ્થા કોઈ વ્યક્તિ વિશે માહિતી એકત્રિત કરે છે, ત્યારે તેઓ કાયદાની દ્રષ્ટિએ ‘ડેટા ફિડ્યુશિયરી’ બની જાય છે. કાયદાની કલમ ૬ મુજબ, કોઈપણ વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે ડેટા પ્રિન્સિપલની ‘સ્પષ્ટ અને માહિતગાર સંમતિ’ અનિવાર્ય છે. પત્રકારત્વના દ્રષ્ટિકોણથી આ સૌથી મોટો પડકાર છે. જો કોઈ પત્રકાર કોઈ ભ્રષ્ટ અધિકારી અથવા ગુનેગાર વિશે તપાસ કરી રહ્યો હોય, તો સ્વાભાવિક છે કે તે વ્યક્તિ પોતાની વિગતો જાહેર કરવાની સંમતિ આપશે નહીં. યુરોપના ‘જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન’ જેવા આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં પત્રકારત્વ માટે વિશેષ છૂટછાટો આપવામાં આવી છે, પરંતુ ભારતના ડીપીડીપી એક્ટમાં આવી કોઈ સ્પષ્ટ છૂટનો અભાવ છે.
- Advertisement -
માહિતી અધિકાર (RTI) પર સર્જાયેલુ જોખમ
ડીપીડીપી એક્ટની કલમ ૪૪(૩) દ્વારા માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૮(૧)(જે) માં જે સુધારો કરવામાં આવ્યો છે, તે પત્રકારત્વ માટે સૌથી વધુ ચિંતાજનક બાબત છે. મૂળ આરટીઆઈ કાયદામાં જોગવાઈ હતી કે જો કોઈ વ્યક્તિગત માહિતીના ખુલાસામાં ‘વ્યાપક જાહેર હિત’ સમાયેલું હોય, તો તે માહિતી આપી શકાય છે. પરંતુ નવા સુધારા મુજબ, હવે કોઈપણ પ્રકારની ‘વ્યક્તિગત માહિતી’ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સુધારાને કારણે પત્રકારો હવે સરકારી અધિકારીઓની સંપત્તિ, તેમના વિરુદ્ધની શિસ્તભંગની કાર્યવાહી, શૈક્ષણિક લાયકાત અથવા સરકારી યોજનાઓના લાભાર્થીઓની યાદી મેળવી શકશે નહીં. એક્ટિવિસ્ટ અંજલિ ભારદ્વાજના મતે, આ સુધારો ભ્રષ્ટાચારીઓ માટે એક ‘રક્ષણાત્મક કવચ’ બની જશે. જ્યારે પત્રકારો પાસે તથ્યો તપાસવા માટે સત્તાવાર માહિતીનો અભાવ હશે, ત્યારે ઇન્વેસ્ટીંગ જર્નાલીઝમ નબળું પડશે અને લોકશાહીનો પારદર્શિતાનો પાયો હચમચી જશે.
સોર્સ પ્રોટેક્શન અને પ્રાઇવસીનો વિરોધાભાસ
પત્રકારત્વમાં ‘સોર્સ’ (માહિતીનો સ્ત્રોત) ની ગુપ્તતા જાળવવી એ પત્રકારના નૈતિક ધર્મનો ભાગ છે. જોકે, ડીપીડીપી એક્ટની કલમ ૩૬ સરકારને સત્તા આપે છે કે તે કોઈપણ ડેટા ફિડ્યુશિયરી (જેમાં મીડિયા સંસ્થાઓ પણ સામેલ છે) પાસેથી માહિતી માંગી શકે છે. સાંસદ જોન બ્રિટાસે સંસદમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી કે શું આ કાયદો પત્રકારોને તેમના ગુપ્ત સોર્સ જાહેર કરવા મજબૂર કરી શકે છે.
નિયમ ૨૩ મુજબ, સરકાર રાષ્ટ્રીય સુરક્ષા કે જાહેર વ્યવસ્થાના નામે કોઈપણ પ્લેટફોર્મ પાસેથી ડેટા મેળવી શકે છે અને જે-તે વ્યક્તિને તેની જાણ પણ કરવામાં આવતી નથી. આ જોગવાઈ પત્રકારો અને વ્હિસલબ્લોઅર્સ વચ્ચેના સંપર્ક પર દેખરેખ રાખવા માટે વાપરી શકાય છે, જે પત્રકારત્વ માટે ‘ચિલિંગ ઈફેક્ટ’ પેદા કરશે. જો કોઈ વ્હિસલબ્લોઅરને લાગે કે પત્રકાર સાથેની તેની ડિજિટલ વાતચીત સરકારની નજરમાં આવી જશે, તો તે માહિતી આપવાનું બંધ કરી દેશે, જેનાથી મોટા કૌભાંડો બહાર આવતા અટકી જશે.
પાલનનો બોજ અને નાની મીડિયા સંસ્થાઓની સ્થિતિ
ડીપીડીપી એક્ટ હેઠળ લાદવામાં આવેલી પાલનની શરતો અત્યંત કઠિન છે. દરેક મીડિયા હાઉસ જે ડેટા પ્રોસેસ કરે છે, તેણે ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે, ડેટા ઓડિટ કરાવવું પડશે અને ડેટા બ્રીચના કિસ્સામાં ડેટા પ્રોટેક્શન બોર્ડને ૭૨ કલાકમાં જાણ કરવી પડશે. આર્થિક રીતે નબળા અથવા પ્રાદેશિક છાપાંઓ માટે આટલો મોટો વહીવટી ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની શકે છે. વધુમાં, કાયદામાં ૨૫૦ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જો કોઈ નાની ડિજિટલ મીડિયા સંસ્થા દ્વારા અજાણતા પણ કોઈ વ્યક્તિગત ડેટાના નિયમનું ઉલ્લંઘન થાય, તો આટલો મોટો દંડ તેને બંધ કરવા મજબૂર કરી શકે છે. આ પરિસ્થિતિ માત્ર મોટા મીડિયા કોર્પોરેશનોને જ ટકી રહેવાની તક આપશે, જ્યારે સ્વતંત્ર અને પ્રાદેશિક પત્રકારત્વનું અસ્તિત્વ જોખમાશે.
ન્યાયિક પડકાર: વેંકટેશ નાયક વિરુદ્ધ ભારત સરકાર
ફેબ્રુઆરી ૨૦૨૬માં જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ વેંકટેશ નાયકે ડીપીડીપી એક્ટ અને ૨૦૨૫ના નિયમોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. તેમની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ કાયદો ‘પાર્ટિસિપેટરી ડેમોક્રેસી’ માટે મૃત્યુઘંટ સમાન છે કારણ કે તે પારદર્શકતા કરતાં ગોપનીયતાને અયોગ્ય રીતે અગ્રતા આપે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને આ ગંભીર મુદ્દાને મોટી બેન્ચ પાસે મોકલ્યો છે. જોકે, કોર્ટે કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, જેનો અર્થ છે કે હાલમાં કાયદો સંપૂર્ણપણે અમલમાં છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે ‘વ્યક્તિગત માહિતી’ શું છે તેની ચોક્કસ વ્યાખ્યા કરવી જરૂરી છે જેથી પ્રાઇવસી અને જાહેર હિત વચ્ચે સંતુલન જળવાય.
ડેટા પ્રોટેક્શન બોર્ડની સ્વાયત્તતા પર શંકા
ડીપીડીપી એક્ટ હેઠળ જે ‘ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયા’ ની રચના કરવામાં આવનાર છે, તેના સભ્યોની નિમણૂક સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. એડિટર્સ ગિલ્ડ અને ડિજીપબ જેવી સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો બોર્ડ સ્વતંત્ર નહીં હોય, તો સરકાર તેનો ઉપયોગ મીડિયા હાઉસને દબાવવા માટે કરી શકે છે. જ્યારે સરકાર પોતે જ સૌથી મોટી ‘ડેટા ફિડ્યુશિયરી’ છે અને તે જ બોર્ડના સભ્યોની પસંદગી કરે છે, ત્યારે પક્ષપાત થવાની શક્યતા વધી જાય છે. જો કોઈ પત્રકાર સરકાર વિરુદ્ધ સમાચાર છાપે અને તેને વ્યક્તિગત ડેટાના ભંગના નામે બોર્ડ સમક્ષ લાવવામાં આવે, તો પત્રકારને ન્યાય મળવાની આશા ઓછી રહે છે.
આંતરરાષ્ટ્રીય સરખામણી : ભારત વિરુદ્ધ વિશ્વ
વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં ડેટા પ્રોટેક્શન કાયદામાં પત્રકારત્વ માટે અપવાદો રાખવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, યુકેના ડેટા પ્રોટેક્શન કાયદામાં જોગવાઈ છે કે જો માહિતી પત્રકારત્વના હેતુ માટે છે અને તે જાહેર હિતમાં છે, તો તેને પ્રાઇવસીના નિયમોમાંથી મુક્તિ મળી શકે છે. ભારતનો ડીપીડીપી એક્ટ આ બાબતે મૌન છે. ભારતની આ સ્થિતિ તેને વિશ્વના આધુનિક લોકશાહી દેશોમાં અપવાદ બનાવે છે. નિષ્ણાતોના મતે, આ કાયદો ભારતને ડિજિટલ અર્થતંત્રમાં આગળ લઈ જઈ શકે છે, પરંતુ તે નાગરિક સ્વતંત્રતા અને મુક્ત પ્રેસની કિંમતે ન હોવો જોઈએ.
ગુજરાતમાં પત્રકારત્વ પર સંભવિત અસર
ગુજરાતનું પત્રકારત્વ હંમેશાથી સક્રિય રહ્યું છે. મીડિયા હાઉસ ગ્રામીણ અને શહેરી પ્રશ્નોને વાચા આપે છે. ડીપીડીપી એક્ટના કડક નિયમોને કારણે સ્થાનિક પત્રકારો માટે ભ્રષ્ટાચારના સમાચાર આપવા જોખમી બનશે. ઉદાહરણ તરીકે, જો કોઈ પત્રકાર સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેન્ડરોમાં થયેલી ગેરરીતિની માહિતી આરટીઆઈ હેઠળ માંગશે, તો સત્તાધિશો તેને ‘વ્યક્તિગત માહિતી’ કહીને નકારી દેશે. વધુમાં, ગુજરાતમાં ઓનલાઈન અને ડિજિટલ ન્યૂઝ પોર્ટલની સંખ્યા વધી રહી છે. આ નાના પોર્ટલો પાસે કાયદાકીય નિષ્ણાતોની ટીમ હોતી નથી. ૨૫૦ કરોડના દંડની બીક આ પત્રકારોને પ્રશ્નો પૂછતા અટકાવશે, જે છેવટે રાજ્યની પારદર્શિતાને નુકસાન પહોંચાડશે.
શું ચોથો સ્તંભ ધરાશય થશે?
ડીપીડીપી એક્ટ ૨૦૨૩ તેના વર્તમાન સ્વરૂપમાં પત્રકારત્વ માટે ચોક્કસપણે એક ‘અગ્નિપરીક્ષા’ સમાન છે. જો સરકાર પત્રકારત્વ માટે કોઈ સ્પષ્ટ છૂટછાટ જાહેર નહીં કરે અથવા સુપ્રીમ કોર્ટ આરટીઆઈમાં થયેલા ફેરફારને રદ નહીં કરે, તો આવનારા સમયમાં ભારતમાં તપાસાત્મક પત્રકારત્વ એક કળા બનીને રહી જશે અને તથ્યોની જગ્યાએ માત્ર સરકારી અખબારી યાદીઓ લેશે. જોકે, પત્રકારત્વનો ઈતિહાસ બતાવે છે કે તે હંમેશા કટોકટીમાં વધુ મજબૂત બનીને ઉભરી આવે છે. પત્રકારોએ ડિજિટલ સુરક્ષાના નવા રસ્તાઓ શોધવા પડશે અને કાયદાકીય લડાઈ ચાલુ રાખવી પડશે. ભારતનો ચોથો સ્તંભ ધરાશય થશે કે નહીં, તેનો આધાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અને પત્રકારોની નીડરતા પર રહેશે. અત્યારે માત્ર એટલું કહી શકાય કે લોકશાહીની જાળવણી માટે પ્રાઇવસી અને પારદર્શિતા વચ્ચેનું સંતુલન પુનઃસ્થાપિત કરવું અનિવાર્ય છે.




