સૌરાષ્ટ્રના પક્ષકારો-વકીલોને અમદાવાદના ધક્કામાંથી મુક્તિ અપાવોઃ જુનિયર બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
ઘંટેશ્વર મુકામે નવી કોર્ટની ઈમારત પહેલેથી ઉપલબ્ધ છે, જેથી માળખાકીય સુવિધાઓનો પણ કોઈ અભાવ નથી
- Advertisement -
રાજકોટ ખાતે સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ (SSRD) અને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (GRT) ની કાયમી બેન્ચ શરૂ કરવાની માંગ સાથે જુનિયર બાર એસોસિએશન તેમજ જી.આર.ટી. ૧૦૮ના હોદ્દેદારો દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.હાલમાં SSRD અને GRT અપીલન્ટ કોર્ટ માત્ર અમદાવાદ ખાતે કાર્યરત હોવાથી, કેસોની સુનાવણી માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વકીલો અને પક્ષકારોને વારંવાર અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. લાંબી મુસાફરીના કારણે વકીલો તેમજ સામાન્ય પક્ષકારોના કિંમતી સમય અને નાણાંનો મોટા પાયે વ્યય થાય છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે જો રાજકોટમાં જ આ બંને કોર્ટની કાયમી બેન્ચ શરૂ કરવામાં આવે તો વકીલો, પક્ષકારો તેમજ સરકારી તંત્ર ત્રણેયના સમય અને ખર્ચમાં મોટો ઘટાડો થશે અને લોકોને ઝડપી, સરળ અને સસ્તો ન્યાય ઘરઆંગણે જ મળી શકશે.આવેદનપત્રમાં રાજકોટના ભૌગોલિક અને વહીવટી મહત્વનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે અને તમામ આધુનિક કનેક્ટિવિટી તથા સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત, રાજકોટના ઘંટેશ્વર મુકામે હાઇકોર્ટ સમકક્ષ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી નવી અદાલતની ભવ્ય ઇમારત પહેલેથી ઉપલબ્ધ છે, જેથી બેન્ચ શરૂ કરવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓનો પણ કોઈ અભાવ નથી.વકીલો અને સરકાર વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે અને સૌરાષ્ટ્રના હજારો અરજદારોને પડતી હાલાકીનો કાયમી અંત આવે તે માટે ગુજરાત સરકાર આ વિષયને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રાજકોટમાં SSRD અને GRT ની કાયમી બેન્ચ મંજૂર કરે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.




