દીર કોલોનીની ખાનગી શાળામાં બનેલી દુર્ઘટનામાં 40થી વધુ ઇજાગ્રસ્તઃ હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર
વડાપ્રધાન શહબાઝ શરીફે દુઃખ વ્યક્ત કર્યું: ખૈબર પખ્તુનખ્વાના ગવર્નરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા
- Advertisement -
પાકિસ્તાનના પેશાવર શહેરમાં ગુરુવારે એક ખાનગી શાળાની છત ધરાશાયી થતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૨૮ નિર્દોષ વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષિકા મળી કુલ ૨૯ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે ૪૦થી વધુ
બાળકો અને સ્ટાફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અચાનક બનેલી આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો અનુસાર, આ દુર્ઘટના પેશાવરના દીર કોલોની વિસ્તારમાં
આવેલી એક ખાનગી શાળામાં બની હતી. શાળામાં અભ્યાસ કાર્ય ચાલુ હતું તે દરમિયાન અચાનક જ છતનો મોટો હિસ્સો ધરાશાયી થઈને નીચે બેઠેલા વિદ્યાર્થીઓ પર પડ્યો હતો. કાટમાળ નીચે દબાઈ જવાથી સ્થળ પર જ
ચીસાચીસ મચી ગઈ હતી. મૃત્યુ પામેલા તમામ બાળકોની ઉંમર ૧૩ વર્ષ અથવા તેનાથી ઓછી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો અને રાહત ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તમામને બહાર કાઢવામાં
આવ્યા હતા. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી નજીકની હોસ્પિટલોમાં તબીબી કટોકટી જાહેર કરી સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. આ ગમખ્વાર દુર્ઘટના અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઊંડા શોકની લાગણી
વ્યક્ત કરી મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી છે. તેમણે તંત્રને રાહત કામગીરી ઝડપી બનાવવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ કર્યો છે. બીજી તરફ, ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસના આદેશ આપ્યા છે. તેમણે શાળાની ઇમારત ધરાશાયી થવાના કારણો અંગે વહીવટી અધિકારીઓ પાસેથી વિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે.




