દોઢ વર્ષના સમયગાળામાં એક જ વિદ્યાર્થીને થયું બે વખત ફ્રેક્ચર : વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં અરજી કરી શાળા સામે કાર્યવાહી કરવા માંગ કરી
રાજકોટની નામાંકિત RKC (રાજકુમાર કોલેજ) સ્કૂલ સામે એક વાલીએ ગંભીર આક્ષેપો કરતાં શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે. વાલીના જણાવ્યા મુજબ, તેમના બાળકને શાળામાં ઇજા થતાં તાત્કાલિક સારવાર આપવાને બદલે બેસાડી રાખવામાં આવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીના પિતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં અરજી કરી શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. વાલીના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ વર્ષના સમયગાળામાં તેમના એક જ બાળકને બે વખત ફ્રેક્ચર થયું છે. વારંવાર બાળકને ઇજા થવાના બનાવોને પગલે વાલીએ શાળાની વ્યવસ્થા અને બાળકોની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને, બાળકને ઇજા થયા બાદ શાળા દ્વારા કેવું વલણ અપનાવવામાં આવ્યું અને તેને સમયસર સારવાર મળી કે નહીં તે અંગે વાલીએ તપાસની માગ કરી છે. આ સમગ્ર બનાવની હકીકત બહાર આવે તે માટે વાલીએ RKC સ્કૂલના ઈઈઝટ ફટેજની માગ પણ કરી છે. બાળક ખરેખર રમતાં-રમતાં પડી જવાથી ઇજાગ્રસ્ત થયું હતું કે ઘટનામાં અન્ય કોઈ પાસું છે, તે જાણવા માટે CCTV ફટેજ મહત્ત્વના બની શકે છે. હાલ આ મામલે વાલી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને રજૂઆતના આધારે આગળ શું કાર્યવાહી થાય છે તે મહત્ત્વનું બન્યું છે. શાળા દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને ઇજાના કિસ્સામાં સમયસર સારવારની વ્યવસ્થા અંગે આ ઘટનાએ સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ અરજીના આધારે શું તપાસ કરે છે, CCTV ફુટેજમાં શું સામે આવે છે અને શાળાનો આ મામલે શું પક્ષ છે તે સ્પષ્ટ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.




