દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા સૈનિકોને કાયમી સન્માન આપવા વડાપ્રધાનથી લઈને રાજકોટના મેયર સુધી રજૂઆત
રાજકોટમાં શહીદ સ્મારક ભવનનું નિર્માણ થાય તો રાષ્ટ્રપ્રેમની ભાવનાને પેઢીઓ સુધી પહોંચાડતું પ્રેરણાધામ બનશે : ડો. પરેશભાઇ ઠાકર
- Advertisement -
શાસ્ત્રી મેદાન અથવા ફનવર્લ્ડ-રેસકોર્સ મેદાન ખાતે સ્મારક નિર્માણ માટે આગામી બજેટમાં અલગથી જોગવાઈ કરવાની માંગ
દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને માતૃભૂમિની રક્ષા કાજે સર્વસ્વ ન્યોછાવર કરનારા વીર શહીદોની સ્મૃતિને કાયમી જાળવી રાખવા રાજકોટમાં ભવ્ય ‘શહીદ સ્મારક ભવન’નું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજકોટ મહાનગરપાલિકાની લાઈટિંગ સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર-૧ના કોર્પોરેટર ડો. પરેશ ઠાકરે આ અંગે રજૂઆત કરી છે. તેમણે આગામી બજેટમાં શહીદ સ્મારક માટે અલગથી નાણાકીય જોગવાઈ કરી સ્મારકના નિર્માણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત સત્તાધીશોને અનુરોધ કર્યો છે. ડો. પરેશ ઠાકરે આ રજૂઆત દેશના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ કરી છે. આ માંગ પાછળનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો પરિચય કરાવવાનો અને દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા સૈનિકોને કાયમી સન્માન આપવાનો છે.
નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્મારક દેશ માટે શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિને સમર્પિત છે અને ત્યાં શહીદ સૈનિકોના નામ શિલાલેખો પર કોતરવામાં આવ્યા છે. સ્મારક ખાતે યોજાતી સૈન્ય પરંપરાઓ અને રાત્રિના સમયે થતી રોશની પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ડો. પરેશ ઠાકરની રજૂઆત મુજબ, રાજકોટમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢી દેશના શૂરવીરોના જીવન, સંઘર્ષ અને બલિદાન વિશે જાણકારી મેળવી શકે.
- Advertisement -
રાજકોટમાં શહીદ સ્મારક ભવનના નિર્માણ માટે શાસ્ત્રી મેદાન તથા ફનવર્લ્ડ-રેસકોર્સ મેદાન ખાતે યોગ્ય સ્થળની વ્યવસ્થા કરવા રજૂઆતમાં સૂચન કરવામાં આવ્યું છે. આ સ્થળોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના વીર યોદ્ધાઓને સમર્પિત સ્મારક ઊભું કરીને તેમની અલગ અને કાયમી ઓળખ પ્રસ્થાપિત કરી શકાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા વીર સપૂતોની ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં રાજકોટના ઐતિહાસિક અને રાજકીય મહત્ત્વનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજકીય જીવનની શરૂઆત રાજકોટથી જોડાયેલી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રાજકોટ શહેરમાં રાષ્ટ્રપ્રેમ અને શહીદોના સન્માનને સમર્પિત ભવ્ય સ્મારક ઊભું થાય તે શહેર માટે ગૌરવની બાબત બની શકે છે. સ્મારકને ભવિષ્યમાં દેશભરમાંથી લોકો મુલાકાત લેવા આવે તેવા આકર્ષણ તરીકે વિકસાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ અને કચ્છના સફેદ રણ જેવા પ્રવાસન સ્થળોની જેમ રાજકોટનું શહીદ સ્મારક પણ રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિનું પ્રતીક બને તેવો વિચાર રજૂ કરાયો છે.
રાજકોટમાં શહીદ સ્મારક ભવનનું નિર્માણ થાય તો તે માત્ર એક સ્મારક પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દેશના ઇતિહાસ, શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને આવનારી પેઢીઓ સુધી પહોંચાડતું કાયમી પ્રેરણાધામ બની શકે છે. હવે આ રજૂઆતને પગલે મહાનગરપાલિકા અને સંબંધિત સરકારના સ્તરે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.




