કોહલીએ ફલાહારી મહારાજના આરોપો ફગાવ્યા, કહ્યું- આસ્થાના કારણે દર્શન કરવા જઈએ છીએ, ‘આ દાવા પાયાવિહોણા છે’
શિષ્ય રસિક દુહારીના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ વૃંદાવનમાં આવેલા પૂજ્ય પ્રેમાનંદ મહારાજનો ‘કેલીકુંજ આશ્રમ’ ચર્ચા અને વિવાદોના વંટોળમાં ઘેરાયો છે. આ વિવાદ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર એક સનસનાટીભર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે ૫ કરોડ ચાર્જ કરીને પ્રેમાનંદ મહારાજના આશ્રમે ગયો હતો. આ ગંભીર અને સનસનીખેજ આરોપો સામે હવે વિરાટ કોહલીની ટીમે સત્તાવાર નિવેદન જારી કરીને વળતો પ્રહાર કર્યો છે. વિરાટ કોહલીના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી અંગે કરવામાં આવેલા તમામ દાવા સંપૂર્ણપણે અસત્ય, નિરાધાર અને તથ્યવિહીન છે. વિરાટ કોહલી પૂજ્ય પ્રેમાનંદ મહારાજ પ્રત્યેની પોતાની વ્યક્તિગત શ્રદ્ધા અને અસીમ આસ્થાના કારણે જ તેમની મુલાકાતે જાય છે, કોઈ વ્યાવસાયિક લેણદેણ માટે નહીં.’ આ સાથે જ કોહલીની ટીમે મીડિયાને અપીલ કરી છે કે આવા ભ્રામક અને તથ્યહીન નિવેદનોને અહેવાલ તરીકે દર્શાવતા પહેલા સત્યતાની પૂરેપૂરી તપાસ કરવી અને જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવું.
- Advertisement -
શિષ્યના શંકાસ્પદ મૃત્યુ બાદ વિવાદ વકર્યો
આ સમગ્ર વિવાદની શરૂઆત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીના રહસ્યમય સંજોગોમાં થયેલા અવસાન બાદ થઈ હતી. શિષ્યના મૃત્યુને પગલે કેલિકુંજ આશ્રમ સાથે સંકળાયેલી ગતિવિધિઓ પર સવાલો ઊભા થયા હતા. ફલાહારી મહારાજે આ સંદર્ભમાં પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આશ્રમની આસપાસ અસામાજિક અને માફિયા પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, જેનાથી સંતના જીવન અને સનાતન પરંપરા બંને સામે જોખમ ઊભું થયું છે. ફલાહારી મહારાજે પોતાના પત્રમાં સૌથી મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે એક ચોક્કસ જૂથ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ૫ કરોડની લાલચ આપવામાં આવી હતી. આ જૂથનો દાવો પ્રેમાનંદ મહારાજનું પ્રમોશન કરવાનો હતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, રાજસ્થાન સ્થિત એક ખાનગી કંપનીએ વિરાટ કોહલી સમક્ષ ૫ કરોડની ઓફર મૂકી હતી. એ જ કંપની સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકો હવે સાધુ-સંતોનો વેશ ધારણ કરીને આશ્રમમાં પ્રવેશી ચૂક્યા છે.




