મોડુંગરી નજીક નાકાબંધી દરમિયાન પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ : ત્રણ પોલીસકર્મી ઘાયલ
પોલીસે ફાયરિંગ કરતા બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રાજારામ બિશ્નોઈના પગમાં ગોળી વાગી
- Advertisement -
84 લાખની કિંમતનો 500 કિલો ડોડાચૂરો જપ્ત, ફોરેન્સિક તપાસ માટે મોકલાશે
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે પોલીસ અને ડ્રગ્સની હેરાફેરી કરતા શંકાસ્પદ શખ્સો વચ્ચે ફિલ્મી ઢબે ધિંગાણું થયું હતું. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા શખ્સો અને અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ વચ્ચે થયેલા સામસામે ફાયરિંગમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જ્યારે ગેંગના શંકાસ્પદ સાગરીત રાજારામ બિશ્નોઈના પગમાં ગોળી વાગતાં તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આશરે 84 લાખ રૂપિયાની કિંમતનો 500 કિલો જેટલો ડોડાચૂરો, બે પિસ્તોલ અને ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર કબજે કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી LCBને બાતમી મળી હતી કે બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા શખ્સો જિલ્લાના અંતરિયાળ માર્ગો પરથી મોટા પ્રમાણમાં ડોડાચૂરોની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે LCBની ટીમે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું અને માલપુર તાલુકાના મોડુંગરી ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ સ્કોર્પિયો કાર નાકાબંધી તરફ આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારમાં સવાર શખ્સોએ વાહન રોકવાને બદલે યુ-ટર્ન મારી પોલીસના વાહન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાએ સ્વબચાવમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ શખ્સ રાજારામ બિશ્નોઈના પગમાં ગોળી વાગતાં તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. ફાયરિંગ ઉપરાંત આરોપીઓએ પૂરઝડપે સ્કોર્પિયો દોડાવી પોલીસની એસયુવી સાથે ટક્કર મારતાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, ઘાયલ રાજારામ બિશ્નોઈ પાસેથી એક મોઝર પિસ્તોલ મળી આવી હતી, જ્યારે સ્કોર્પિયો કારમાંથી બીજી પિસ્તોલ કબજે કરવામાં આવી હતી. વાહનની તલાશી દરમિયાન આશરે 500 કિલો ડોડાચૂરો મળી આવ્યો હતો, જેની બજારકિંમત અંદાજે 84 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્કોર્પિયો કાર અને માદક પદાર્થ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડોડાચૂરોને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.
ફરાર આરોપીને ઝડપી પાડવા ડ્રોનથી સર્ચ ઓપરેશન
અગાઉ 21 સપ્ટેમ્બરના રોજ પણ અરવલ્લી પોલીસને આ જ ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. તે સમયે પણ પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને આશરે 42 લાખ રૂપિયાની કિંમતનો ડોડાચૂરો કબજે કર્યો હતો. વારંવાર પોલીસ સાથે અથડામણની ઘટનાઓ સામે આવતાં ડ્રગ્સ માફિયાઓની બેફામ પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્રએ વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અરવલ્લી અને પાડોશી સાબરકાંઠા જિલ્લાના આંતરરાજ્ય માર્ગો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાકાબંધી સઘન બનાવવામાં આવી છે. આરોપીને શોધવા માટે ટેક્નિકલ સર્વેલન્સ, ડ્રોનની મદદ અને આસપાસનાં જંગલો તથા કોતરોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
હવે બુલેટપ્રૂફ જેકેટ અને મજબૂત એસયુવી સાથે પોલીસ સજ્જ : મનોહરસિંહ જાડેજા, એસપી, અરવલ્લી
અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગેંગના શખ્સો પોલીસથી બચવા માટે ઘણી વખત કલાકના 150 કિલોમીટર સુધીની ઝડપે વાહનો દોડાવે છે. એટલું જ નહીં, પોલીસની નાકાબંધી તોડવા માટે બેરિકેડ્સ સાથે વાહનો અથડાવે છે અને પીછો કરતા પોલીસકર્મીઓ પર હુમલા પણ કરે છે. પોલીસને નુકસાન પહોંચાડવા અને અકસ્માત દરમિયાન પોતાનાં વાહનોને સુરક્ષિત રાખવા માટે આરોપીઓ વાહનોમાં ખાસ ફેરફારો પણ કરાવતા હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સની ગેરકાયદે હેરાફેરીને ડામવા પોલીસ દ્વારા પણ વ્યૂહરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એસપીના જણાવ્યા મુજબ, આવા જોખમી ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓને હવે વધુ મજબૂત ચેસિસ ધરાવતી એસયુવી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ પોલીસકર્મીઓને હથિયારો અને બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી ડ્રગ્સ માફિયાઓ સાથેની અથડામણ દરમિયાન પોલીસ જવાનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.




