143 વર્ષ બાદ બરડામાં એશિયાટિક સિંહોના કુદરતી પુનરાગમન બાદ પુનર્વસવાટ માટે સરકારનો મહત્વનો નિર્ણય
પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન : સાત રેન્જને આવરી લેતું નવું માળખું, બે મદદનીશ વન સંરક્ષકોને સોંપાશે જવાબદારી
- Advertisement -
ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને બરડા વિસ્તારમાં તેમના કાયમી પુનર્વસવાટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે. બરડા વિસ્તારમાં 143 વર્ષ બાદ સિંહોના કુદરતી પુનરાગમનને પગલે પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને મેદાની કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો માર્ગ મોકળો થયો છે. પુનર્ગઠન હેઠળ પોરબંદર અને રાણાવાવ સહિતની રેન્જની હદ અને જવાબદારીઓ નવેસરથી નિર્ધારિત કરવામાં આવી છે. પોરબંદર રેન્જમાં 6,840.84 હેક્ટર વિસ્તાર અને 80 ગામોનો સમાવેશ કરાયો છે, જ્યારે રાણાવાવ રેન્જમાં 13,051.25 હેક્ટર વિસ્તાર અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર વન વિભાગની ભાટિયા રેન્જનો 305.94 હેક્ટર વિસ્તાર અને ચાર ગામોને ભાણવડ રેન્જ હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે. પુનર્ગઠન અંતર્ગત કુતિયાણા, પોરબંદર સામાજિક વનીકરણ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જને પણ પોરબંદર વન વિભાગ હેઠળ લાવવામાં આવી છે. આમ, કુલ સાત રેન્જને આવરી લેતું નવું વહીવટી માળખું ઊભું થશે.
નવી વ્યવસ્થામાં બે મદદનીશ વન સંરક્ષકો હેઠળ અલગ-અલગ રેન્જની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે જ અધિકારીઓ, કર્મચારીઓ, વાહનો, હથિયારો, વૉકી-ટૉકી, વાયરલેસ અને અન્ય સાધનસામગ્રીની તબદીલીની જોગવાઈ કરવામાં આવી છે. કેવડિયામાં મંજૂર થયેલી મદદનીશ વન સંરક્ષકની બે જગ્યામાંથી એક ખાલી જગ્યા પણ પોરબંદર વન વિભાગને ફાળવવામાં આવશે. જૂનાગઢ વન્યજીવ વર્તુળ હેઠળ કાર્યરત આ નવા માળખાથી બરડા સહિતના વન વિસ્તારોમાં પેટ્રોલિંગ, દેખરેખ અને વન્યજીવ સંરક્ષણની કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરી શકાશે. રાજ્ય સરકારનો આ ઠરાવ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
પોરબંદર રેન્જમાં 6,840.84 હૅક્ટર અને 80 ગામો
પુનર્ગઠન હેઠળ પોરબંદર રેન્જની રચનાને નવેસરથી ગોઠવવામાં આવી છે કે જેમાં પોરબંદર રેન્જ હેઠળ 6,840.84 હૅક્ટર વિસ્તાર અને કુલ 80 ગામોનો સમાવેશ કરાયો છે. આ વિસ્તારને પોરબંદર સિટી, ગોસાબારા, મોકર, વિસાવાડા, કાંટેલા, માધવપુર અને સતિયા સહિતની વિવિધ બીટમાં વહેંચવામાં આવ્યો છે. આ નવી રચનામાં અલગ-અલગ બીટને ચોક્કસ વિસ્તાર અને ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના વિસ્તારની કામગીરી માટે વધુ સ્પષ્ટ જવાબદારી મળશે.
- Advertisement -
બે મદદનીશ વન સંરક્ષક હેઠળ નવી જવાબદારી
પુનર્ગઠન બાદ પોરબંદર વન વિભાગ હેઠળ બે મદદનીશ વન સંરક્ષકની વ્યવસ્થા કરવામાં આવી છે. એક મદદનીશ વન સંરક્ષક-1 હેઠળ પોરબંદર રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જ રાખવામાં આવી છે. જ્યારે મદદનીશ વન સંરક્ષક-2 હેઠળ રાણાવાવ રેન્જ, ભાણવડ રેન્જ, કુતિયાણા રેન્જ અને મોબાઇલ સ્ક્વોડ (ટી.એ.) રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી અલગ-અલગ વિસ્તારની દેખરેખ અને કામગીરી માટે અધિકારી કક્ષાએ જવાબદારીનું સ્પષ્ટ વિભાજન થશે.
રેન્જ-બીટની નવી રચના, વિસ્તારવાર જવાબદારી
રાણાવાવ રેન્જ હેઠળ 13,051.25 હૅક્ટર વિસ્તાર અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જામનગર વન વિભાગ હસ્તકની RFW ભાટિયા રેન્જના 305.94 હૅક્ટર વિસ્તારને પોરબંદર વન વિભાગની ભાણવડ રેન્જમાં સમાવવાનો છે. જેમાં ચાર ગામનો સમાવેશ કરાયો છે.
કુતિયાણા રેન્જ, પોરબંદર સામાજિક વનીકરણ રેન્જ અને રાણાવાવ સામાજિક વનીકરણ રેન્જને પણ પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે.
કેવડિયા ખાતે મંજૂર થયેલી મદદનીશ વન સંરક્ષકની બે જગ્યાઓમાંથી એક ખાલી જગ્યાને પોરબંદર વન વિભાગ હેઠળ તબદીલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
પોરબંદર, રાણાવાવ, ભાણવડ અને કુતિયાણા સહિતના વિસ્તારોને એક સંકલિત વહીવટી માળખામાં ગોઠવવાથી બરડા વિસ્તારના વન વ્યવસ્થાપન મજબૂત બનશે.




