વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા
વિજયભાઈ રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને પ્રશાસન સાથે વાત કરી દિલીપભાઈને બનતી તમામ મદદ કરવા ભલામણ કરી
વિદેશથી વતનમાં પરત ફર્યા બાદ ફરી પ્રજાકાર્યમાં જોડાયા વિજયભાઈ રૂપાણી
ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લંડનના વિદેશ પ્રવાસ પરથી વતન રાજકોટમાં પરત ફર્યા બાદ ફરીથી પ્રજાકાર્યમાં જોડાઈ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઋષિકેશમાં રહેલા તરૂલતાબેનના પતિ દિલીપભાઈ કારિયા સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને પ્રસાશન સાથે વાત કરી દિલીપભાઈને બનતી તમામ મદદ કરવા ભલામણ પણ કરી હતી. દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કારિયા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટનો કારિયા પરિવાર ઋષિકેશ ફરવા ગયો હતો જ્યાં તેમના પરિવારના ત્રણ સભ્યો સાથે દુર્ઘટના ઘટી હતી અને કારિયા પરિવારના ત્રણ સભ્યો ગંગા નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. સોમવારે જ તરૂલતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અનિલભાઈ અને સોનલની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાના 36 કલાક પછી પણ અનિલભાઈ અને સોનલનો કોઈ પત્તો લાગ્યો નથી. આજે તરૂલતાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી સાંજે રાજકોટના બદલે ઋષિકેશમાં જ અંતિમસંસ્કાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતાનાં દર્શન ફરી એકવાર જોવા મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજ રોજ કારિયા પરિવારનો સંપર્ક કરી તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી. પોતાના વતન રાજકોટ કે ગુજરાતનો એકપણ નાગરિક મુશ્કેલીમાં મુકાઈ ત્યારે વિજયભાઈ રૂપાણી અન્યના દુ:ખમાં દુ:ખી થતા જોવા મળે છે અને નિ:સહાયની મદદ કરવા સૌથી પહેલા દોડી જતા હોય છે. કોઈપણ મોટા પદ કે હોદ્દા વિના પણ વિજયભાઈ રૂપાણીની લોકસેવા માટે અવિરત પ્રયત્નશીલ રહેવાની કામગીરી જ તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવે છે.
- Advertisement -



