50થી વધુ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા ડિઝાઇનર ખાદી પરિધાનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ તેમજ ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ ના આહવાનને સાકાર કરવાના ભાગરૂપે હેમુ ગઢવી હોલ ખાતે ‘ગાંધી કારવાં’ અંતર્ગત વિશેષ ફેશન શો યોજાયો હતો. વિશ્વ ગ્રામ પ્રેરિત ‘બંદે મેં હૈ દમ – ગાંધી ૧૫૮ નોટ આઉટ’ પ્રોજેક્ટ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં NIFD રાજકોટના ફેશન ડિઝાઈનિંગના વિદ્યાર્થીઓએ ‘ખુશ્બુ ખાદી કી, ગીત ગાંધી કે’ થીમ આધારિત ‘ધ ફ્રેગ્રન્સ શો’ માં ખાદીને આધુનિક, વૈવિધ્યસભર અને ટકાઉ ફેશન તરીકે મંચ પર પ્રસ્તુત કરી હતી. NIFD રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગ ભારતી ગોંડલ દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવેલા કાપડમાંથી ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ સતત બે મહિનાની મહેનત બાદ આકર્ષક ડિઝાઇનર વસ્ત્રો તૈયાર કર્યા હતા. મેઘા ડાલ્ટનના ગાંધી ગીતોના સૂર વચ્ચે યોજાયેલા આ શોમાં શહેરના મેયર નેહલ શુક્લા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના મહાનુભાવો, NIFD ના વિદ્યાર્થીઓ તેમજ મનોદિવ્યાંગ અને થેલેસેમિયા મેજરથી પીડાતા બાળકોએ રેમ્પ વોક કરી ખાદી પરિધાનો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ડેનિમ ખાદીના વિવિધ રંગો, વૂલન થ્રેડ, કાઉચિંગ સ્ટિચ, ફેબ્રિક મેનિપ્યુલેશન અને લાકડાના બટન જેવી પરંપરાગત હસ્તકલા તકનીકોનો સુમેળ સાધીને સ્ટ્રીટવેર અને સમર કલેક્શન તૈયાર કર્યું હતું. આ વસ્ત્રોમાં ફૂલોના મોટિફ્સ દ્વારા શાંતિ અને અહિંસાના ગાંધી મૂલ્યો તેમજ ભારતના વિવિધ રાજ્યોની કલા-સંસ્કૃતિનું સંયોજન જોવા મળ્યું હતું. નૌશિકભાઈ પટેલે ઉમેર્યું કે, ખાદી માત્ર કાપડ નથી પરંતુ સ્વાવલંબનનું પ્રતીક છે. આ નવતર પ્રયોગ દ્વારા યુવા પેઢીમાં પર્યાવરણને અનુકૂળ ટકાઉ ફેશન અને દેશી વસ્ત્રો પ્રત્યે નવો દ્રષ્ટિકોણ કેળવાશે.




