ધર્મરક્ષક પરિષદ આયોજિત 21મા મહોત્સવમાં ભાજપ અગ્રણીઓ અને પોલીસ અધિકારીએ મહાઆરતીનો લાભ લીધોઃ ગૌતમ ગોસ્વામી દ્વારા સન્માન કરાયું
શહેરના ભક્તિનગર સર્કલ ખાતે પ્રદેશ યુવા ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ર૧ વર્ષથી ધર્મરક્ષક પરિષદ તથા એમ.કે. ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગણપતિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણેશોત્સવ દરમિયાન સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. પંડાલમાં બિરાજમાન વિઘ્નહર્તા દેવ ગણપતિ મહારાજની પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન કરવા માટે શહેરભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે ૮:૦૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગણપતિ મહારાજની ભવ્ય મહાઆરતી યોજવામાં આવે છે. મહાઆરતી બાદ દરરોજ રાત્રે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવે છે. આ ધાર્મિક મહોત્સવમાં શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ પૂજ્ય સાધુ-સંતો ઉપસ્થિત રહી બાપ્પાના પૂજન, અર્ચન અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
- Advertisement -
તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ભાજપ અગ્રણીઓ નીતિનભાઈ ભારદ્વાજ, અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પરેશભાઈ પીપળીયા, સંજયસિંહ રાણા, યુવા ભાજપ નેતા ઋષભ રૂપાણી, યુવા એડવોકેટ અંશ ભારદ્વાજ, અશ્વિનભાઈ મોલીયા, રાજદીપસિંહ જાડેજા, હરેશ જોષી, કિરણબેન માકડિયા તેમજ જ્યોતિબેન ટીલવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નં. ૧૪ તેમજ ૧૭ ના ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને શહેરના મહિલા પોલીસ અધિકારી હેતલબેન પટેલે પણ ખાસ ઉપસ્થિત રહી પૂજન-અર્ચન અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાલ ઓઢાડીને ગૌતમ ગોસ્વામી દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
ગણપતિ મહોત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપતાં મીડિયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી તેમજ સહ ઇન્ચાર્જ ઉદય જોષી અને હિતેશ જોષીએ જણાવ્યું હતું કે, આજે રાત્રે વિસ્તારના રહીશો તેમજ ખેલૈયાઓ માટે ભવ્ય દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર વિશાલ વરૂ, દેવ્યાનીબેન ગોહેલ અને પ્રકાશ ચૌધરી સંગીતમય સૂરો રેલાવશે. જ્યારે આવતીકાલે મંગળવારે રાત્રે ૯:૦૦ કલાકે નામાંકિત કલાકારોના સંગાથે ‘એ શામ શહીદો કે નામ’ શીર્ષક હેઠળ ભવ્ય લોકડાયરો તેમજ સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ધર્મરક્ષક પરિષદ તથા એમ.કે. ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.




