FRC પ્રક્રિયાનું સરળીકરણ, RTE હેઠળની ફી ચૂકવણી સહિત ચાર મુખ્ય માગ, તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
- Advertisement -
ગુજરાત રાજ્યમાં કાર્યરત 17 હજારથી વધુ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી સ્વનિર્ભર શાળાઓના સંચાલકો દ્વારા FRC પ્રક્રિયાના સરળીકરણ, RTE હેઠળ વિદ્યાર્થીઓની ફી ચૂકવણી, શાળાઓની સ્વાયત્તતા જાળવવા તથા રોજિંદા વહીવટી પ્રશ્નોમાંથી રાહત આપવા સહિતની ચાર મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી છે.
સંચાલક મંડળે જણાવ્યું છે કે રાજ્યમાં 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓમાં આશરે 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 7 લાખથી વધુ શિક્ષકો અને કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભર શાળાઓનો હિસ્સો 60 ટકાથી વધુ હોવાનું જણાવી સંચાલક મંડળે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રશ્નોના યોગ્ય અને કાયમી નિરાકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, સ્વનિર્ભર શાળાઓ અને સંચાલકોના વિવિધ પ્રશ્નો અંગે સરકાર તથા શિક્ષણ વિભાગ સમક્ષ અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે, આ પ્રશ્નોનું હજુ સુધી યોગ્ય અને કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે, ચાર મુખ્ય માગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવા માટે સરકાર સમક્ષ અપીલ કરવામાં આવી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે ઉપરોક્ત પ્રશ્નો અંગે અગાઉ પણ વારંવાર સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં હવે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો મંડળ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડી શકે છે. આંદોલનના સંદર્ભમાં શૈક્ષણિક કામગીરીમાં વિક્ષેપ ઊભો થવાની શક્યતા અંગે પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંચાલક મંડળે સરકારને વિનંતી કરી છે કે રજૂ કરાયેલા ચારેય મુદ્દાઓને ગંભીરતાથી લઈ સત્વરે યોગ્ય નિર્ણય કરવામાં આવે, જેથી રાજ્યની સ્વનિર્ભર શાળાઓ, સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓ સાથે સંકળાયેલા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી શકાય. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, શિક્ષણસચિવ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
- Advertisement -
1. FRC પ્રક્રિયાના સરળીકરણની માગણી
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓની ફી નક્કી કરવાની પ્રક્રિયામાં સરળતા લાવવા માગણી કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, શાળાઓની ફી દર ત્રણ વર્ષે ઓડિટ રિપોર્ટ સહિતની પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. સંચાલક મંડળની માગણી છે કે જે શાળાઓ તેમની મંજૂર થયેલી ફીમાં દર વર્ષે 10 ટકા કે તેનાથી ઓછો વધારો કરતી હોય, તેવી શાળાઓને દરખાસ્ત (Proposal) અથવા સોગંદનામું (Affidavit) કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમને સીધી મંજૂરી આપવામાં આવે. મંડળે રજૂઆતમાં દાવો કર્યો છે કે આ પ્રકારનો સુધારો કરવામાં આવે તો રાજ્યની આશરે 90 ટકા શાળાઓને FRCની કાર્યવાહીમાંથી રાહત મળી શકે છે. આ સાથે FRC કચેરી પર રહેલું વહીવટી કામગીરીનું ભારણ પણ ઘટાડી શકાય તેમ હોવાનું જણાવાયું છે. શાળાઓની ફી મંજૂરીની પ્રક્રિયા વધુ સરળ અને સમયબદ્ધ બને તે માટે નિયમોમાં જરૂરી સુધારા કરવાની માગણી રજૂ કરવામાં આવી છે.
2. RTE હેઠળના વિદ્યાર્થીઓની ફી ચૂકવણીનો પ્રશ્ન
રજૂઆતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. સંચાલક મંડળના જણાવ્યા મુજબ, RTEની 2017માં અમલવારી દરમિયાન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીદીઠ રૂ. 10 હજારની રકમ ચૂકવવામાં આવતી હતી. આ મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. મંડળના જણાવ્યા મુજબ, આ મામલે હાઈકોર્ટ દ્વારા વખતોવખત ચુકાદા અને સરકારને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, પરંતુ તે માર્ગદર્શનનો આજદિન સુધી યોગ્ય અમલ થયો નથી. રજૂઆતમાં હાઈકોર્ટના માર્ગદર્શનનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે સરકાર દ્વારા જે-તે શાળાની FRC મંજૂર થયેલી ફી અથવા સરકાર દ્વારા સંબંધિત વિસ્તારમાં સંચાલિત શાળામાં વિદ્યાર્થીદીઠ થતો ખર્ચ, બંનેમાંથી યોગ્ય રકમ ચૂકવવાની જોગવાઈ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંચાલક મંડળે સરકારને અપીલ કરી છે કે હાઈકોર્ટના માર્ગદર્શન અનુસાર RTE હેઠળની ફી ચૂકવણી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને શાળાઓને મળવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવે.
3. સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતામાં બિનજરૂરી હસ્તક્ષેપ દૂર કરવાની માગણી
સ્વનિર્ભર શાળાઓની વહીવટી સ્વાયત્તતા અંગે પણ સંચાલક મંડળે રજૂઆત કરી છે. તાજેતરમાં પસાર કરાયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, 2026માં સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની નિમણૂક અને તેમને છૂટા કરવાની પ્રક્રિયામાં મંજૂરી લેવાની જોગવાઈ અંગે વાંધો રજૂ કરવામાં આવ્યો છે. સંચાલક મંડળનું કહેવું છે કે સ્વનિર્ભર શાળાઓ સરકાર પાસેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટ કે આર્થિક સહાય લેતી નથી. તેથી શાળાના કર્મચારીઓની નિમણૂક અને સેવા સમાપ્ત કરવા અંગેની સત્તા શાળા સંચાલકો પાસે જ હોવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે સ્વનિર્ભર શાળાઓની કામગીરી અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની ભરતી તથા છૂટા કરવાની પ્રક્રિયામાં શાળાઓને યોગ્ય સત્તા આપવામાં આવે તે જરૂરી છે. વિધેયકમાં આ અંગે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેમાં જરૂરી સુધારા કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. સંચાલક મંડળે શાળાઓની સ્વાયત્તતા જળવાઈ રહે અને બિનજરૂરી વહીવટી હસ્તક્ષેપ ન થાય તે માટે સરકાર સમક્ષ આ મુદ્દે સકારાત્મક નિર્ણય લેવાની માગણી કરી છે.
4. રોજિંદા વહીવટી પ્રશ્નો અને ગવર્નન્સ ડિસ્ટર્બન્સમાંથી રાહત આપવા અપીલ
સ્વનિર્ભર શાળાઓને રોજબરોજની વહીવટી કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. મંડળના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ માટે ઘણી વખત એકસરખા પરિપત્રો બહાર પાડવામાં આવે છે. જોકે, શાળાઓના પ્રકાર અને વહીવટી માળખામાં રહેલા તફાવતને કારણે અમલવારી દરમિયાન વિસંગતતા ઊભી થાય છે. આ ઉપરાંત, શાળાઓ પાસેથી એકસરખી માહિતી વારંવાર માંગવામાં આવતી હોવાના કારણે સંચાલકો અને શાળા વહીવટીતંત્ર પર વધારાનું ભારણ પડે છે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સમસ્યાના ઉકેલ માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે એક કોમન પોર્ટલ બનાવવાની માગણી કરી છે. આ પોર્ટલમાં શાળાઓ દ્વારા જરૂરી તમામ માહિતી અપડેટ રાખી શકાય અને સરકારી તંત્રને વારંવાર એક જ પ્રકારની માહિતી માંગવાની જરૂર ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ, સ્વનિર્ભર શાળાઓને લાગુ પડતા પરિપત્રો અલગથી જાહેર કરવામાં આવે તો વહીવટી પ્રક્રિયામાં સરળતા આવી શકે તેમ જણાવાયું છે. શાળાઓની કામગીરીને ધ્યાનમાં રાખીને અલગ માર્ગદર્શિકા અને સુવ્યવસ્થિત માહિતી વ્યવસ્થાપન પદ્ધતિ અમલમાં મૂકવાની માગણી કરવામાં આવી છે.




