વિવિધ પ્રજાતિના 100થી વધુ શ્ર્વાનો જોડાયા: તહેવારો પૂર્વેના રવિવારે રેસકોર્ષ ખાતે ડોગલવર દ્વારા અનેરો જલ્વો યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટ ગેલેરી ખાતે ડોગ પાર્ક નિર્માણ કરેલ છે જ્યાં સવારે અને સાંજે શ્ર્વાન માલિકો પોતાના ડોગ લઈને આવતાં હોય છે. રજાના દિવસે અને રવિવારે સાંજે ડોગલવરોની ભીડ ઊમટી પડે છે. નાનકડાં પોમેરિયનથી મોટા ગ્રેટ ડેન પણ આ ડોગ પાર્કમાં આવે છે. રાજકોટમાં ચાલતા રોયલ ડોગલવર ગ્રુપના સભ્યો દર રવિવારે મોટી સંખ્યામાં જોડાતા હોય છે. ગ્રુપના શૈલેષભાઈ મહેતા, રાજકોટ પેટ કેર સોસાયટીના ચેરમેન અરૂણ દવે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
- Advertisement -

ડોગ પાર્કમાં હસ્કી, બીગલ, ડાલમેશિયન, લેબ્રાડોર, સીટ્ઝુ, પોમેરિયન, જર્મન શેફર્ડ, ચાવચાવ જેવી વિવિધ બ્રીડો જોવા મળી હતી. તહેવારો પૂર્વેનો રવિવાર હોવાથી શ્ર્વાનમાલિકો સાથે તેના શ્ર્વાન પણ આનંદ કરતાં જોવા મળ્યા હતા. ડોગ પાર્કનું વાતાવરણ શ્ર્વાનોની ઉછળકૂદ અને દોડાદોડીથી ઝગમગી ગયું હતું.

- Advertisement -
રાજકોટમાં ડોગ પાળવાનો વધતો ક્રેઝ
છેલ્લાં 10 વર્ષમાં રાજકોટમાં ડોગ પાળવાનો ક્રેઝ વધ્યો છે. રંગીલા રાજકોટમાં 400 ગ્રામની નાની બ્રીડથી લઈને 120 કિલોના કદાવર ગ્રેટ ડેન પણ જોવા મળે છે. રાજકોટમાં કોરોના કાળમાં ઘણાં લોકોએ શ્ર્વાન ખરીદી કરી હતી. ગત વર્ષ કરતાં આ વખતે ડોગની કિંમતમાં ભાવવધારો જોવા મળ્યો છે. રાજકોટમાં ડોગલવરો પાસે 30થી વધુ પ્રજાતિના વિવિધ શ્ર્વાનો જોવા મળે છે. ડોગ માટેના બ્યુટીપાર્લરો પણ શરૂ થઈ ગયા છે. ડોગ માટેની ઓપરેશન, બ્લડ ચડાવવા જેવી વિવિધ સવલતો પણ મળી રહે છે. ગુજરાતમાં પ્રથમ રાજકોટ ખાતે ડોગ પાર્ક શરૂ થતાં ડોગલવર માટે ખુશીના સમાચાર મળ્યા છે.


