એ.વી. જસાણી વિદ્યામંદિરમાં 24 સપ્ટેમ્બર સુધી નવ દિવસીય મહોત્સવ; દરરોજ નવી થીમ પર શણગાર
શહેરની ૧ર૦ વર્ષ જૂની અનાથ બાળકોની પ્રતિષ્ઠિત સંસ્થા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત એ.વી. જસાણી વિદ્યામંદિરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઢોલ-નગારાના ગગનભેદી નાદ અને રાસ-ગરબાના તાલે દુંદાળા દેવને શાળા સંકુલમાં પ્રવેશ કરાવી આકર્ષક રંગમંડપમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
- Advertisement -
તા. ૧૪ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં પ્રતિદિન ગણપતિ બાપ્પાને નવીન થીમ આધારિત અલંકૃત કરી શણગારવામાં આવશે. સ્થાપનાના પ્રથમ દિવસે ગણેશજીની પ્રતિમાને શાળાના વિદ્યાર્થીઓ જેવો જ સ્કૂલ યુનિફોર્મ, આઈડેન્ટિટી કાર્ડ અને પદવી ધારણ કરાવી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બાલાશ્રમના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલના હસ્તે ગણેશજીનું વિધિવત પૂજન-અર્ચન સંપન્ન થયું હતું. ખજાનચી પ્રવિણભાઈ અઘારાના માર્ગદર્શન હેઠળ આયોજિત ઉત્સવમાં ટ્રસ્ટીઓ સંદિપભાઈ, કેયુરભાઈ, દિનેશભાઈ, રાજુભાઈ તેમજ દેવીનાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ જલ્પાબેન પંડયા અને આનલબેન મહેતાની આગેવાનીમાં શિક્ષકો અને બાળકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી ઉત્સવની ઉજવણી કરી હતી.




