ભાજપ vs ભાજપની લડાઈમાં બળવાખોર જૂથ ભારે પડયું
ભાજપના બે બળવાખોરની જીતઃ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને માત્ર પોતાનો મત મળ્યો
- Advertisement -
રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા જૂથ વચ્ચેની લડાઈમાં જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેન્ટ વિરુદ્ધ ફોર્મ ભરનાર બે મહત્વની સીટ પર ભાજપના બળવાખોર ઉમેદવારોની જીત થઈ છે. જેમાં કુવાડવા બેઠક પરથી પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને માધાપર બેઠક પર પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના પિતા પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ બન્ને ઉમેદવારને પાર્ટીએ મેન્ડેટ આપવા છતાં તેમના એક પણ મતદારોએ તેમને મત આપ્યા નથી. બીજી તરફ ત્રંબા બેઠક પર ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળતા નિતીન રામાણીની જીત થઈ છે. રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘમાં કુલ ૧૫ બેઠક પૈકી ૧૦ બેઠક બિનહરીફ થતા બાકીની ૫ બેઠક પર ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. પાર્ટી દ્વારા મેન્ડેટ પણ આપવામાં આવ્યું હતું અને મતદારોને વ્હિપ આપવા છતાં ૨ બેઠક પર અપસેટ સર્જાયો છે. વ્હિપનો અનાદર થતા બળવાખોર ઉમેદવાર વિજય સખીયા, નીતિન ચોવટીયાની જીત થઈ છે. આ બન્ને ઉમેદવારોની તરફેણમાં તમામ મતદારોએ
મતદાન કર્યું હોવાથી પાર્ટીએ મેન્ડેટ આપનાર ઉમેદવાર અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાની હાર થઈ છે. બીજી તરફ ત્રંબા સીટ પર બન્ને ઉમેદવારોને બે-બે મત મળતા ટાઈ પડી હતી જે બાદ ચિઠ્ઠી ઉછાળતા પાર્ટીએ જેમને મેન્ડેટ આપ્યું હતું તેવા નિતીન રામાણીની જીત થઈ છે. જયારે હલેન્ડા બેઠક પર પણ પાર્ટીએ જેમને મેન્ડેટ આપ્યું તેવા મહેશ આસોદરીયાની જીત થઈ છે અને ખોખડદડ બેઠક પર જયેશ રાદડિયા જૂથના વિરોધી બાબુ નસીતની જીત થઈ છે.




