વીજ તંત્રની બેદરકારી સામે ભક્તોમાં ભારે રોષ, મોટી જાનહાનિ ટળી
શ્રાવણ માસના પવિત્ર સોમવારે રાજકોટના રામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા ત્યારે સાંજના સમયે અચાનક વીજળી ગુલ થઈ જતાં મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર અંધકારમાં
ગરકાવ થઈ ગયો હતો. આશરે અડધી કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શ્રાવણના સોમવારની સાંજે રામનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ રહેતી હોવા છતાં વીજ તંત્ર દ્વારા વીજ પુરવઠો જાળવવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવી ન હતી. તંત્રની બેદરકારીના કારણે -અડધી કલાક સુધી વીજળી ન હોવાથી મંદિર પરિસરમાં અંધારું છવાઈ ગયું હતું અને ભક્તોને અસુવિધા વેઠવી પડી હતી.
ખાસ કરીને ધાર્મિક સ્થળે શ્રાવણના સોમવાર જેવા વિશેષ દિવસોમાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે વીજ પુરવઠો ખોરવાય તો માત્ર અસુવિધા જ નહીં પરંતુ સલામતીનો પ્રશ્ન પણ ઊભો થાય છે. અંધારામાં ભીડનું સંચાલન કરવું મુશ્કેલ બને છે અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો જવાબદારી કોની તે પણ ગંભીર સવાલ છે. શ્રાવણના સોમવારે મંદિર ખાતે ભક્તોની સંખ્યા અગાઉથી જાણીતી હોવા છતાં વીજ તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરી? વીજ ફોલ્ટ સર્જાયો હોય તો તેને તાત્કાલિક દૂર કરવા માટેનો સ્ટાફ સ્થળ પર કેમ નહતો? અને સૌથી મહત્ત્વનું છે કે, ધાર્મિક સ્થળે ભારે ભીડના દિવસે વીજ પુરવઠો અવિરત રહે તે માટે કોઈ વિશેષ મોનિટરિંગ કેમ કરવામાં ન આવ્યું એ સવાલો ઊઠી રહ્યા છે.
વીજ તંત્રએ આ ઘટનાની નોંધ લઈ જવાબદાર તંત્રની કામગીરીની સમીક્ષા કરવી જોઈએ અને ભવિષ્યમાં આવા વિશેષ દિવસોએ મંદિરો તથા અન્ય મોટા ધાર્મિક સ્થળોએ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન
કરવું જરૂરી બન્યું છે.




