૧૧૨ ‘જનરક્ષક’ સેવાનો વ્યાપ વધશે : ગુજરાત પોલીસને ૫૦૦ નવા અત્યાધુનિક વાહનો જોડાશે
રિસ્પોન્સ ટાઈમ ૨૭ મિનિટથી ઘટીને ૧૦:૪૯ મિનિટ થયો
- Advertisement -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવા સચિવાલય ખાતેથી ૫૦૦ જનરક્ષક વાહનનું ફ્લેગ ઓફ કરાશે
ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે
રાજ્યના નાગરિકોને ઇમરજન્સીની સ્થિતિમાં વધુ ઝડપી પોલીસ અને અન્ય સંકલિત સેવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે ગુજરાત પોલીસને વધુ ૫૦૦ અત્યાધુનિક ‘જનરક્ષક’ PCR વાહનો સમર્પિત કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે કાર્યરત જનરક્ષક વાહનોની સંખ્યા વધીને કુલ ૧,૦૦૦ થશે. રાજ્યમાં સતત વધી રહેલી વસ્તી, શહેરી વિસ્તરણ અને વિશાળ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસના ઇમરજન્સી રિસ્પોન્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ૫૦૦ વાહનોની તૈનાતીથી કોઈપણ ઇમરજન્સી કોલ બાદ નજીકના પોલીસ રિસ્પોન્સ વાહનને ઘટના સ્થળે પહોંચાડવાની કામગીરી વધુ ઝડપી બનશે.
- Advertisement -
‘જનરક્ષક’ પ્રોજેક્ટના અમલીકરણના માત્ર ૧૧ મહિનાના ટૂંકા સમયગાળામાં રાજ્યમાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જ્યારે ૬.૭૪ લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક પોલીસ સેવા પહોંચાડવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ૧૧૨ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ રાજ્યના નાગરિકો માટે મહત્વપૂર્ણ સુરક્ષા માળખા તરીકે ઉભરી રહી છે. આ સેવામાં આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD એટલે કે Computer Aided Dispatch સિસ્ટમ તથા કોલર લોકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને કારણે રાજ્યમાં પોલીસ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમમાં નોંધપાત્ર સુધારો થયો છે. અગાઉ સરેરાશ ૨૭ મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હવે ઘટીને માત્ર ૧૦ મિનિટ ૪૯ સેકન્ડ થયો છે. નવા વાહનો અને વધુ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ સમયગાળો હજુ વધુ ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ઇમરજન્સીની ઘટનામાં પોલીસની કામગીરી વધુ ઝડપી બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ અમલી બનાવવામાં આવી છે. હવે પોલીસ સ્ટેશન કે અન્ય વહીવટી સીમાઓ ઘટના સ્થળે પહોંચવામાં અડચણરૂપ નહીં બને. ઇમરજન્સી કોલ મળ્યા બાદ ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ PCR વાહનને તાત્કાલિક રવાના કરવામાં આવશે. પરિણામે ઘટનાસ્થળ સુધી પહોંચવામાં લાગતો સમય ઘટાડી નાગરિકોને ઝડપી સુરક્ષા સેવા ઉપલબ્ધ કરાવી શકાશે. આ ઉપરાંત તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્લિકેશનોમાં પણ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. આ સુવિધાથી મુસાફરી દરમિયાન કોઈ ઇમરજન્સી સર્જાય તો એપ્લિકેશન મારફતે પણ તાત્કાલિક મદદ મેળવવાની સુવિધા વધુ સરળ બનશે. રાજ્યમાં હવે કુલ ૧,૦૦૦ જનરક્ષક વાહનો ઉપલબ્ધ થવાથી ઇમરજન્સી પોલીસ રિસ્પોન્સનું નેટવર્ક વધુ વ્યાપક બનશે. ટેક્નોલોજી, ઝડપી ડિસ્પેચ સિસ્ટમ અને નજીકના PCRને ઘટના સ્થળે મોકલવાની નવી વ્યવસ્થાના સંકલનથી ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા માટેની ઇમરજન્સી સેવા વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
એક જ પ્લેટફોર્મ પર અનેક ઇમરજન્સી સેવાઓ
ડાયલ ૧૧૨ હેઠળ રાજ્યના નાગરિકોને વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં પોલીસ હેલ્પલાઇન ૧૦૦, એમ્બ્યુલન્સ સેવા ૧૦૮, ફાયર હેલ્પલાઇન ૧૦૧, મહિલા હેલ્પલાઇન ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન ૧૦૭૦ સહિત ટ્રાફિક હેલ્પલાઇનનો પણ સમાવેશ થાય છે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે નવા જનરક્ષક વાહનો
નવા ૫૦૦ જનરક્ષક PCR વાહનોમાં પોલીસ કર્મચારીઓની સુરક્ષા તેમજ ઇમરજન્સી કામગીરીની કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનો ૨૪x૭ કામગીરી માટે ACથી સજ્જ રહેશે અને તેમાં સેફ્ટી ગ્રીલ તથા પ્રોટેક્ટિવ સ્ટ્રક્ચર પણ રહેશે. વાહનોમાં રિયલ ટાઈમ માહિતી અને ઝડપી સંકલન માટે Mobile Data Terminal (MDT) તેમજ GPS આધારિત વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઇમરજન્સી લાઇટ બાર સાથે સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ફાયર એક્સટિંગ્યુશર, ફર્સ્ટ એઇડ કીટ અને સર્ચ લાઇટ ટોર્ચ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. પોલીસ સ્ટાફની સુરક્ષા અને ઘટનાની પારદર્શક નોંધ માટે બોડી-વોર્ન કેમેરા, હેલ્મેટ, પ્રોટેક્ટિવ ગિયર તથા ડેશ કેમ જેવી સુવિધાઓ પણ જનરક્ષક વાહનોમાં સામેલ કરવામાં આવી છે.
દરેક વાહનમાં ચાર કર્મચારીઓની ટીમ
દરેક જનરક્ષક PCR વાહન પર ૨૪x૭ ઇમરજન્સી ફરજ માટે એક ASI/હેડ કોન્સ્ટેબલ, બે કોન્સ્ટેબલ અને એક ડ્રાઇવર સહિત કુલ ચાર કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે. આ ટીમને ઇમરજન્સી કોલ મળતાં જ નિયત પ્રક્રિયા મુજબ ઘટના સ્થળે મોકલવામાં આવશે.




