હોસ્પિટલમાં 39 બાળકો દાખલ હતાં, વેન્ટિલેટરમાં ધડાકાને કારણે દુર્ઘટના
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લા મહિલા હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં સોમવારે સવારે લગભગ ૩:૩૦ વાગ્યે આગ લાગી. આ દુર્ઘટનામાં ૩ નવજાત બાળકોનાં મોત થયા. છ બાળકોને વધુ સારી સારવાર માટે સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલના ત્રીજા માળે વેન્ટિલેટરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી. ત્યારબાદ ધુમાડો ફેલાઈ ગયો. તે સમયે NICUમાં ૩૯ નવજાત બાળકોની સારવાર ચાલી રહી હતી. આગ લાગતા જ ડયુટી પર હાજર ડોકટરો, નર્સો અને હોસ્પિટલના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને ઘણા બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.
બે દિવસ પહેલા મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા હોસ્પિટલના NICUમાં પણ આવી જ ઘટના બની હતી. શનિવારે મોડી રાત્રે લગભગ ૨ વાગ્યે વોર્મર મશીનના ફિલામેન્ટમાંથી નીકળેલી ચિનગારી બાદ આગ લાગી હતી.
આ અકસ્માતમાં ૩ નવજાત શિશુ દાઝી ગયા હતા.
હોસ્પિટલ સ્ટાફે ફાયર ફાઈટિંગ ઉપકરણોની મદદથી આગ બુઝાવી અને ત્રણેય બાળકોને પ્રાથમિક સારવાર આપી. આ પછી ત્રણેય નવજાત શિશુઓને વધુ સારી સારવાર માટે જબલપુર રિફર કરવામાં આવ્યા હતા. તેમાંથી એક બાળકની હાલત ગંભીર હતી અને તેને સર્જરીની જરૂર હતી. છિંદવાડામાં પીડિયાટ્રિક સર્જન ઉપલબ્ધ ન હોવાને કારણે તેને જબલપુર લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આમાંથી એક બાળકનો જન્મ અકસ્માત પહેલાં થોડા કલાકો પહેલાં જ થયો હતો. ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી.




