પુરાતત્વ વિભાગનું રક્ષિત સ્મારક કોના આદેશથી તોડ્યું; કલેક્ટરનું સૂચક મૌન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર મચી છે. જોકે, આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા ફારસી શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા છે.
- Advertisement -
બુલડોઝર સહિતના સાધનોની મદદથી અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા બાદ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. દરમિયાન રક્ષિત સ્મારક કોના આદેશથી તોડયું તેવો ઉઠ્યો છે. આ સ્થળની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ પણ હતું. તેના પર ફારસી શિલાલેખ અંગેની માહિતી આપવામાં આવી હતી. તે મુજબ, અહીં ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદમાં ફારસી લિપિમાં કોતરાયેલો શિલાલેખ આવેલો હતો. તેમાં સુલતાન અહમદશાહ બિન મહમ્મદશાહના સમયમાં અબુલફતાએ આ મસ્જિદ બનાવી હોવાની હકીકતનો ઉલ્લેખ હોવાનું જણાવાયું હતું.
સ્થળ પર અન્ય એક શિલાલેખ અંગે જૂનાગઢ સ્ટેટના એનશન્ટ મોન્યુમેન્ટ સંબંધિત કાયદાનો ઉલ્લેખ કરતું બોર્ડ પણ હતું, જેમાં શિલાલેખને નુકસાન પહોંચાડનાર, તેને બેડોળ બનાવનાર અથવા મૂળ સ્થાનેથી હટાવનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરવાની જોગવાઈ દર્શાવાઈ હતી. હવે ડિમોલિશન બાદ આ સ્થળે કાટમાળ જોવા મળતા સૌથી મોટો પ્રશ્ન એ છે કે રક્ષિત જાહેર કરાયેલા શિલાલેખની હાલ સ્થિતિ શું છે? તેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં આવ્યો છે કે ડિમોલિશન દરમિયાન તેને કોઈ નુકસાન થયું છે, તે અંગે હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તંત્રનો દાવો છે કે સોમનાથ કોરિડોર અંતર્ગત સરકારે વેચાણથી મેળવેલી મિલકતોનું જ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે પણ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સોમનાથ જેવા ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સ્થળે રક્ષિત સ્મારકની સ્થિતિ અંગે તંત્ર અને પુરાતત્ત્વ વિભાગ દ્વારા વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.




