મહાઆરતીમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે હજારો ભક્તોએ લીધા દાદાના દર્શન
શહેરની આસ્થાનું પ્રતીક ગણાતા આજી નદીના પટમાં બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ દાદાના દર્શન
માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો, જે મોડી રાત્રી સુધી યથાવત્ રહ્યો હતો. શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે રામનાથ મહાદેવ મંદિર પરિસરને સુવર્ણ તેમજ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
રાત્રિના સમયે ઝળહળતી રોશની વચ્ચે મંદિરનો વિહંગમ ડ્રોન વ્યૂ ભક્તિમય વાતાવરણને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો. મંદિર પરિસરમાં દર્શનાર્થે ઉમટેલા ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. સવારની આરતી બાદ મંદિર ખાતે ભક્તોની ભીડ સતત વધતી ગઈ હતી. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ લાંબી કતારમાં ઊભા રહી ભગવાન રામનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દિવસ દરમિયાન ભક્તો દ્વારા ‘ઓમ નમઃ શિવાય’ના જાપ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સાંજની સંધ્યા આરાધના અને ભવ્ય મહાઆરતી દરમિયાન તો ભક્તિનો માહોલ જામ્યો હતો. મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી હતી. મંદિરથી અંદાજે એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. કતારમાં ઊભેલા શ્રદ્ધાળુઓમાં દાદાના દર્શનની આતુરતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભવ્ય આરતી દરમિયાન દીવડાઓની રોશની, મંદિર પરિસરની રંગબેરંગી સજાવટ અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. દર્શન અને પૂજા-અર્ચના કર્યા બાદ શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાની લાગણી અનુભવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે રામનાથ મહાદેવ મંદિરે ઉમટેલા ભક્તોના મહેરામણને પગલે રાજકોટમાં શિવભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો.




