ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત હેરાફેરી અને પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓ અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. આ આંદોલન માત્ર એક ભરતી પરીક્ષાની કરિયાદ નથી પરંતુ વર્ષો સુધી મહેનત કરનારા
યુવાનોની નિરાશા, આક્રોશ અને વ્યવસ્થા પ્રત્યેના ઘટતા વિશ્વાસનું પ્રતિબિંબ છે. થોડા સમય પહેલાં દિલ્હીના જંતર-મંતર પર પણ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ
વિરુદ્ધ વ્યાપક આંદોલન કરવામાં આવ્યું હતું. બંને આંદોલનોનો મૂળ મુદ્દો એક જ હોવા છતાં તેમની પ્રકૃતિ, વ્યૂહરચના અને અસર વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળે છે.
ઝારખંડમાં વિદ્યાર્થીઓએ વિરોધ માટે ભૂખ હડતાલનો માર્ગ પસંદ કર્યો છે. ભૂખ હડતાલ એ માત્ર વિરોધનું સાધન નથી. સરકાર અને તંત્ર સામે નૈતિક દબાણ ઊભું કરવાની એક અસરકારક રીત માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ
પોતાના સ્વાસ્થ્ય અને જીવનનું જોખમ લઈને પોતાની માંગણીઓ પ્રત્યેની ગંભીરતા દર્શાવી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં ભરતી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ, પેપર લીકના જવાબદારો સામે
કડક કાર્યવાહી અને સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો સમાવેશ થાય છે. ભૂખ હડતાલ લાંબી ચાલે તો વિદ્યાર્થીઓની તબિયત બગડવાની શક્યતા વધે છે અને તે સરકાર પર વધુ દબાણ સર્જે છે. આ કારણસર આવા
આંદોલનો ઘણીવાર જનસહાનુભૂતિ અને મીડિયા ધ્યાન ઝડપથી આકર્ષે છે.
- Advertisement -
બીજી તરફ દિલ્હીના જંતર-મંતર પર થયેલું આંદોલન વધુ વ્યાપક અને સામૂહિક સ્વરૂપનું હતું. ત્યાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ, ઉમેદવારો, વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક કાર્યકરો એકત્રિત થયા હતા. ધરણાં, રેલી, સૂત્રોચ્ચાર
અને જાહેર સભાઓ દ્વારા ભરતી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જંતર-મંતર દેશની રાજધાનીમાં આવેલું હોવાથી ત્યાં યોજાતું કોઈપણ આંદોલન રાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ઝડપથી ખેંચે છે.
પરિણામે મુદ્દો માત્ર એક રાજ્ય કે એક ભરતી પરીક્ષા પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ સમગ્ર દેશની ભરતી અને પરીક્ષા વાવસ્થા અંગે ચર્ચા શરૂ થાય છે.
બંને આંદોલનો વચ્ચેનો સૌથી મોટો તફાવત તેમની વિરોધની પદ્ધતિમાં છે. ઝારખંડમાં વિદ્યાર્થીઓ વ્યક્તિગત ત્યાગ અને અહિંસક સંઘર્ષ દ્વારા નૈતિક દબાણ ઊભું કરી રહ્યા છે. જ્યારે જંતર-મંતર પર સામૂહિક ઉપસ્થિતિ અને
જાહેર વિરોધ દ્વારા રાજકીય તથા સામાજિક દબાણ સર્જવામાં આવ્યું હતું. ઝારખંડનું આંદોલન રાજ્ય સરકાર અને સંબંધિત ભરતી એજન્સીઓને કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યું છે. જ્યારે જંતર-મંતરનું આંદોલન કેન્દ્ર સરકાર, પરીક્ષા
એજન્સીઓ અને સમગ્ર ભરતી વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે જોડાયેલું હતું.
આ બંને આંદોલનો એ હકીકત તરફ પણ ધ્યાન દોરે છે કે દેશનો યુવા વર્ગ હવે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીને લઈને વધુ સજાગ બન્યો છે. લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી પરીક્ષાઓની તૈયારી કરે છે, પરંતુ જ્યારે
પેપર લીક અથવા ગેરરીતિના આરોપો સામે આવે છે ત્યારે તેમની મહેનત, સમય અને ભવિષ્ય દાવ પર લાગી જાય છે. પરિણામે માત્ર એક પરીક્ષાનો પ્રશ્ન ઊભો થતો નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થા પ્રત્યેનો વિસ્વાસ ડગમગી
જાય છે. ઝારખંડની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતરનું આંદોલન બંને અલગ માર્ગે ચાલતા હોવા છતાં એક જ સંદેશ આપે છે કે યુવાનો હવે ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવા તૈયાર નથી. તેઓ
માત્ર ભરતીની જાહેરાતો નહીં પરંતુ ન્યાયસંગત, પારદર્શક અને વિશ્વસનીય વ્યવસ્થા માંગે છે. જો ભરતી પ્રક્રિયાઓમાં વિસ્તાય પુનાસ્થાપિત નહીં થાય તો આવા આંદોલન ભવિષ્યમાં વધુ ઉગ્ર અને વ્યાપક સ્વરૂપ ધારણ કરી
શકે છે.



