થાઈલેન્ડની રાજધાની બેંગકોક નજીક એક ૯મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના દાદા-દાદીની હત્યા કરી દીધી. ત્યારબાદ તે શાળાએ પહોંચ્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલામાં ૩ શિક્ષકો અને ૩ વિદ્યાર્થીઓ સહિત ૬ લોકોના
મોત થયા, જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના નોંથાબુરી પ્રાંતની ડેબસિરિન નોંથાબુરી શાળાની છે. તપાસમાં જાણવા મળ્યું કે શાળાએ જતા પહેલા વિદ્યાર્થીએ પોતાના ઘરમાં દાદા-દાદીની
હત્યા કરી હતી. બાદમાં બંનેના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા.
પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલી ૯ એમએમ પિસ્તોલ વિદ્યાર્થીના દાદાની હતી, જેઓ વ્યવસાયે શિક્ષક હતા. હુમલા બાદ આરોપી વિદ્યાર્થી પણ ગંભીર રીતે ઘાયલ થયો અને તેને હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીએ આ ઘટના શા માટે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. થાઈલેન્ડના વડાપ્રધાને ઘટના પર દુઃખુ વ્યક્ત કરતા ઘાયલોની સારવાર અને પીડિત પરિવારોને શક્ય તમામ
મદદ આપવાના નિર્દેશ આપ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જેવો ગોળીઓનો અવાજ આવ્યો, વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે ક્લાસરૂમમાં છુપાઈ ગયા. થોડીવાર પછી પોલીસે દરવાજો ખખડાવીને તેમને સુરક્ષિત
બહાર કાઢ્યા. ઘટના પછી શાળામાં અફરાતફરી મચી ગઈ અને બહાર હાજર લોકો એકબીજાને સંભાળતા જોવા મળ્યા.
- Advertisement -
થાઈલેન્ડમાં શાળાઓ અને સાર્વજનિક સ્થળોએ ફાયરિંગની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ થાઈલેન્ડની એક પબ્લિક હાઈસ્કૂલમાં ૧૭ વર્ષના એક વિદ્યાર્થીએ પોલીસ પાસેથી બંદુક ચોરીને
ફાયરિંગ કર્યું હતું. તે બે કલાકના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. જ્યારે, ૨૦૨૩માં બેંગકોકના એક મોટા શોપિંગ મોલમાં ૧૪ વર્ષના છોકરા પર ફાયરિંગ કરવાનો આરોપ લાગ્યો હતો.




